ખેડૂતોના રૂા.1 લાખ કરોડના દેવા માફી માટે મોદી સરકારનું આયોજન

29 May 2020 03:27 PM
Government India
  • ખેડૂતોના રૂા.1 લાખ કરોડના દેવા માફી માટે મોદી સરકારનું આયોજન

ખેડૂતોને અપાતી આડકતરી સહાય પ્રોત્સાહન કરતાં એક વખત દેવામુકત કરવા સરકારની તૈયારી : છ માસ દરમિયાન તબક્કાવાર ખેડૂતોના દેવા માફ કરી દેવાશે : ખરીફ પાક સારો થવાની આશા અને ખેડૂતો દેવા મુકત હશે તો ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળવાની ધારણા અર્થ તંત્ર માટે પણ તે બૂસ્ટર ડોઝ સાબિત થશે

નવી દિલ્હી તા.29
દેશમાં લોકડાઉન સહિતની સ્થિતિ તથા ચાલુ વર્ષ દરમિયાન સતત જે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે અને માવઠા સહિતની પરિસ્થિતિના કારણે ખેડૂતોને મોટુ નુકશાન ગયું છે તે ભરપાઇકરવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતોની લોન માફીની એક મેટા યોજના સાથે આવવાની તૈયારી કરી રહી છે અને દેશના ખેડૂતોને અંદાજે રૂા.1 લાખ કરોડની લોન માંડવાળ કરવામાં આવશે.

તા.31મેના રોજ કેન્દ્રની વર્તમાન સરકાર તેના બીજા પાંચ વર્ષના શાસનમાં પ્રથમ વર્ષ પુરૂ કરી રહી છે અને તે પ્રસંગે વડાપ્રધાન કોઇ મોટી જાહેરાત કરે તેવી શકયતા પણ નકારાતી નથી. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર એકથી વધુ તબક્કામાં ખેડૂતોની લોન માફી યોજના અમલમાં મૂકશે. સરકારે અગાઉ જે આર્થિક પેકેજ જાહેર કર્યા તેમાં ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડમાં નવા ધિરાણ સહિતની યોજનાઓ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તા.31 મે સુધીમાં ખેડૂતોએ જૂની પાક લોન ભરવાની છે.

હાલમાં જે રીતે લોકડાઉનની સ્થિતિ છે તેને કારણે ખેત ઉત્પાદનના વેંચાણમાં મોટી તકલીફ પડી રહી છે. હોટલ રેસ્ટોરા તથા ટુરીઝમ અને અન્ય પ્રવાસન બંધ હોવાથી અનાજ અને શાકભાજી બંનેની માંગમાં મોટો ઘટાડો થયો છે અને બજારમાં કૃષિ ઉત્પાદનના ભાવ 30 થી 40 ટકા ઘટી ગયા છે. જેમાં ડુંગળી, ટમેટા સહિતના ઉત્પાદનો પણ પાણીના ભાવે વેંચાઇ રહ્યા છે.

આ સ્થિતિમાં હજુ આગામી છ મહિના સુધી કોઇ સુધારો થઇ શકે તેમ નથી. એક વખત ખરીફ પાક બજારમાં આવે પછી જ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવશે. કેન્દ્ર સરકાર આગામી છ મહિના સુધી તબક્કાવાર ખેડૂતોની લોન માફીને અમલ કરશે. હાલ જે દર વર્ષે રૂા.6 હજાર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે તે રકમ પણ લોન ભરપાઇ કરવામાં ડાયવર્ટ કરી દેવામાં આવશે અને ખેડૂતોને ખરીફ પાક માટે નવુ ધીરાણ અને કોઇપણ જાતના પેન્ડીંગ ડયુ વગર મળે અને એક વખત તમામ ખેડૂતોને કર્જ માફ કરી દેવાય તો ભવિષ્યમાં વારંવાર કૃષિ ક્ષેત્રના જે સહારો આપવો પડે છે તેની આવશ્યકતા ન રહે.

ચાલુ વર્ષે ચોમાસુ સમયસર અને સારૂ રહેવાની ધારણા છે. તે જોતાં સારો કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની કર્જ માફી બંને વ્યવસ્થાથી આગામી છ-આઠ મહિનામાં ખેડૂતો ફરી બેઠા થઇ જાય. ગ્રામીણ અર્થતંત્ર સમૃઘ્ધ બને અને તે રીતે માંગ વધે તો એકંદરે દેશમાં અર્થતંત્રને પણ વેગ મળી જશે તે નિશ્ર્ચિત છે. ખેડૂતોને સીધી સહાયમાં યોગ્ય પરિણામ હાંસલ કરી શકાતા નથી. તેના કરતા લોન માફીએ સૌથી શ્રેષ્ઠ માઘ્યમ હોવાનું સરકાર માને છે.


Related News

Loading...
Advertisement