જામનગર જિલ્લામાં 1 વર્ષ પહેલાં પાણીના ટેન્કરોનું કામ કરનાર એજન્સીઓનું પેમેન્ટ અટકાવી રખાતા રોષની લાગણી

29 May 2020 03:21 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં 1 વર્ષ પહેલાં પાણીના ટેન્કરોનું કામ કરનાર એજન્સીઓનું પેમેન્ટ અટકાવી રખાતા રોષની લાગણી

પાણી પુરવઠા બોર્ડની ઉચ્ચ કક્ષાની કચેરી દ્વારા અંદાજે 60 થી 70 લાખ રૂા. પેમેન્ટના મુદ્દે ચર્ચા જાગી

જામનગર તા.29 :
જામનગર જિલ્લામાં ગત વર્ષે પીવાનું પાણી ટેન્કર દ્વારા પુરુ પાડવામાં આવેલ હતું. આવી એજન્સીઓના 60 થી 70 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ એજન્સીઓને ન ચુકવાતા એજન્સીઓ દ્વારા આ વર્ષે પાણીના ટેન્કરોના કામનું બહિષ્કાર કરાયો છે અને પેમેન્ટના મુદ્દે કલેકટર સુધી રજુઆત કરવા છતાં પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ પેમેન્ટના મુદ્દે ટસના મસ ના થતા કોન્ટ્રાકટરોમાં રોષની લાગણી ફેલાઇ છે.
જામનગર જિલ્લામાં ગત વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી હતી તેવા સમયે ગુજરાત રાજય પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ પાણીની મુશ્કેલી હલ કરવા પાણીના ટેન્કરો ચાલુ કરાયા હતાં. આ માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ત્રણ એજન્સીઓને પાણીના ટેન્કરો પહોંચાડવા માટેનું કામ સોપેલ હતું અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એ રીતે એજન્સીઓ દ્વારા ટેન્કરો પણ પાણીના કાર્યરત કરાયા હતાં.
પીવાના પાણીના ટેન્કરોનું કામ કરનાર ત્રણ એજન્સીઓ હતી જેમાં એક ન્યુ એકતા રોડ વેઇઝ, શિવરાજ રોડ વેઇઝ અને રાધેશ્યામ કોર્પોરેશન દ્વારા કામ ટેન્ડરની શરત મુજબ કરવામાં આવેલ છે. આ ત્રણેય એજન્સીઓને પીવાના પાણીના ટેન્કરો કાર્યરત કરવા પાણી પુરવઠા બોર્ડની શરત મુજબ કરેલ હતું. ત્યારબાદ આ ત્રણેય એજન્સીઓનું પેમેન્ટ છેલ્લા એક વર્ષથી ચુકવવાનું પેન્ડીંગ છે. જામનગર જિલ્લા મથકની પાણી પુરવઠા બોર્ડની કચેરી દ્વારા આ ત્રણેય એજન્સીઓના પાણીના ટેન્કરો અંગેનું રૂપિયા 60 થી 70 લાખ રૂપિયાનું બીલ ચુકવવાનું બાકી છે. આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પાણી પુરવઠા બોર્ડની રાજય કક્ષાની કચેરી દ્વારા આ કોન્ટ્રાકટરના બીલ એન-કેન પ્રકારે બાકી રાખવામાં આવી રહ્યા છે. જિલ્લા મથકેથી તો નિયમ મુજબ બીલો મંજુરી માટે મોકલી દેવાયા હોવાનું જાણવા મળે છે. ત્યારે આ ત્રણેય એજન્સીઓના રૂપિયા 60 થી 70 લાખ જેવી રકમ બાકી રહેતા કોન્ટ્રાકટરો દ્વારા કલેકટર સુધી રજુઆત કરવામાં આવી હતી.
પાણી પુરવઠા બોર્ડની ઉચ્ચ કક્ષાની કચેરી દ્વારા 1 વર્ષ પહેલાં પીવાના પાણીના ટેન્કરોનું પેમેન્ટ ન ચુકવાતા કોન્ટ્રાકટરોમાં રોષની લાગણી ફેલાઇ છે. એટલું જ નહીં આ વર્ષે પાણીના ટેન્કરો ન દોડાવી બહિષ્કાર જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે.
જામનગર જિલ્લાના આ ત્રણેય એજન્સીઓનું પેમેન્ટ તાકીદે ચુકવાય તે માટે ગાંધીનગર સુધી રજુઆત પહોંચે તો નવાઇ નહીં. ભુતકાતમાં તો આ જ એજન્સીઓનું બિલનું પેમેન્ટ ન ચુકવાતા રાજય કક્ષાના મંત્રી દ્વારા દરમ્યાનગીરી કરાયા બાદ પેમેન્ટ ચુકવાયું હોવાનું પણ બહાર આવ્યું છે.
પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ કક્ષાએ બીરાજમાન અધિકારીઓ 1 વર્ષ સુધી કામ પુર્ણ થયા બાદ શા માટે પેમેન્ટ નથી ચુકવતા તે એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.


Loading...
Advertisement