ભુજની પાલારા જેલમાં અમદાવાદની સ્કવોર્ડ ત્રાટકી : સીમ વગરનો ફોન ઝડપાયો

29 May 2020 12:42 PM
kutch
  • ભુજની પાલારા જેલમાં અમદાવાદની સ્કવોર્ડ ત્રાટકી : સીમ વગરનો ફોન ઝડપાયો

જેલ સ્ટાફની સંડોવણી છે કે કેમ ? તે સહિતના મુદ્દે તપાસ

ભુજ, તા. ર9
અમદાવાદથી કચ્છ આવેલી જેલ વિજીલન્સની ટીમે ભુજની પાલારા ખાસ જેલમાં સઘન તપાસ કરીને જેલની અંદર ગટરની કુંડીમાં ફેંકી દેવાયેલો સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન જપ્ત કરતાં ચકચાર મચી ગઈ છે.
જેલ સુધારણા કચેરીના એડિશનલ ડીજીપીની વિજીલન્સ સ્ક્વોડના જેલર દેવશી રણમલભાઈ કરંગીયા અને તેમની છ જણની ટીમે આજે સવારે અમદાવાદથી આવી 3 કલાક સુધી પાલારા જેલમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સર્કલ નં-1, યાર્ડ નંબર-6માં બેરેક નંબર-11માં પ્રવેશતાં બહારની સાઈડે જમણી બાજુ પર આવેલી ગટરની ચેમ્બરની અંદરથી તેમને સેમસંગ કંપનીનો કાળા રંગનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. બે સીમકાર્ડની સ્પેસવાળા ફોનમાં સીમકાર્ડ નહોતું. જેલર કરંગીયાએ મોબાઈલ ફોન રાખવા અંગે અજાણ્યા કેદી સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મોબાઈલ ફોન પોલીસને સુપ્રત કર્યો છે.
જેલર કરંગીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આ મોબાઈલ ફોનને એફએસએલ ખાતે મોકલી ચકાસણી કરવામાં આવે તો ઘણી સ્ફોટક વિગતો બહાર આવી શકે તેમ છે. પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે ઘુસાડવામાં આવી? આ ગુનામાં જેલ વિભાગના કોઈ કર્મચારી કે અન્ય કોઈ સંડોવાયેલાં છે કે કેમ? તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, પાલારા જેલમાંથી ભૂતકાળમાં પણ અનેક વખત મોબાઈલ ફોન ઝડપાયેલાં છે.


Loading...
Advertisement