લોકડાઉન-4 બાદ 1 જૂનથી બદલાવનો દૌર!

29 May 2020 12:12 PM
India
  • લોકડાઉન-4 બાદ 1 જૂનથી બદલાવનો દૌર!

રેલવે-રાશનકાર્ડનાં નિયમો બદલશે : પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે : ગરીબોને સાવ નજીવી કિમતે અનાજ અપાશે : રેલવે-200 પેસેન્જર ટ્રેન શરૂ કરશે : ‘ગો-એર’ પણ ઉડાન ભરશે

રાજકોટ તા.29
લોકડાઉન-4 બાદ એટલે કે તા.1 જૂનથી લોકોની દિનચર્ચામાં ફેરફારો થશે અને અમુક ચીજો સસ્તી તો અમુક મોંઘી બનશે. જૂન બાદ આપણા રોજીંદા જીવન સાથે જોડાયેલી ચીજોમાં બદલાવ આવી શકે છે. ખાસ તો તા.1 જૂનથી રેલવે અને રેશનકાર્ડના નિયમો બદલશે.

દેશમાં લોકડાઉન દરમિયાન વિવિધ સ્થળોએ ફંસાયેલા લોકોને તેના વતન પહોંચાડવા રેલવેએ સૌ પ્રથમ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરી બાદ પેસેન્જર ટ્રેનો શરૂ કરી હવે. રેલવેએ એક મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ તા.1 જૂનથી 200 ટ્રેનો દોડાવવાની વાત કરી છે.

આ ટ્રેનો માટે ટીકીટ બુકીંગ જલદી શરૂ કરાશે. જો કે હજુ સુધી ટ્રેનો અંગેની કોઇ યાદી બહાર પડાઇ નથી. બીજી તરફ કેન્દ્ર સરકાર 1 જૂનથી વનનેશન વનરાશનકાર્ડ દેશનાં 20 રાજયોમાં લાગુ કરનાર છે. આ યોજના લાગુ થયા બાદ 20 રાજયોમાં રાશનકાર્ડ ધારક કોઇ પણ પ્રદેશનાં સરકારી રાશન કેન્દ્ર ખાતેથી રાશનની ખરીદારી આસાનીથી કરી શકશે.

આ યોજના થકી ગરીબોને સાવ નજીવી કિંમતે જરૂરી અનાજ મળી રહેશે. દરમ્યાન ગત તા.25થી ક્રમશ: વિમાની સેવા શરૂ કરાઇ છે. ત્યારે ગો એર સરકારી નિયમો અને નિયંત્રણોના પાલન સામે 1 જૂનથી તેની ઘરેલુ ઉડાન શરૂ કરનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન ફયુલનાં ભાવોમાં ઘટાડો દેખાયો હતો. પરંતુ હવે અનેક રાજયોમાં પબ્લીક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ શરૂ થઇ ગયું હોય ફયુલની માંગ ફરી વધી છે. જેથી જૂનમાં ફફુલનાં ભાવો ફરી વધવા સંભવ છે. અત્રે યાદ રહે કે મિઝોરમ સરકાર 1 જૂનથી રાજયમાં પેટ્રોલ પર 2.પ ટકા અને ડિઝલ પર પ ટકા વેટ વધારવા એલાન કર્યુ છે.


Related News

Loading...
Advertisement