44 ડિગ્રી ગરમી વચ્ચે ધૂંધળુ વાતાવરણ

29 May 2020 11:29 AM
Rajkot Saurashtra
  • 44 ડિગ્રી ગરમી વચ્ચે ધૂંધળુ વાતાવરણ

આજનો દિવસ અગનવર્ષા રહ્યા બાદ આવતીકાલથી 2-3 ડિગ્રી સુધી પારો પટકાવા સાથે છુટાછવાયા વરસાદનો દૌર શરૂ થવાનો સંકેત

રાજકોટ તા.29
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં એક બાજુ આકાશમાં અગન વર્ષા થતા 40-45 ડિગ્રી વચ્ચે અવિરત કાળઝાળ ગરમીનો દૌર ચાલુ રહ્યો છે. તો દિવસ રાત 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનથી વાતાવરણમાં ધૂળ-રજકણનું સામ્રાજય છવાતા ધુંધળુ હવામાન બની રહ્યું છે તો આજનો દિવસ હજુ આગ ઓકતા આકાશ સાથે સામ્રાજય જળવાઇ રહેવાના સંકેત વચ્ચે આવતીકાલથી 2-3 ડિગ્રી સુધી ગરમીનો પારો નીચે ઉતરવા સાથે છુટો છીવાયો વરસાદનો દૌર ચાલુ થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગયા સપ્તાહથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશમાંથીસ અવિરત અગન વર્ષા થઇ રહી છે અને મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન 40-4 ડિગ્રી વચ્ચે સતત નોંધાઇ રહ્યું છે તેમાં પણ વિરૂઘ્ધ દિશાનો દરિયો ધરાવતા ભાવનગરમાં તો રીતસર સૂર્યદેવે કાપ ઉતારતા હોય તેમ સતત ત્રીજા દિવસે 44 ડિગ્રી ઉપર ઉપર તાપમાને રાજયભરમાં ગરમા ગરમ શહેર બની રહ્યું હતું. તો રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કંડલા, અમરેલી સહિતના રાજયના અનેક શહેરોમાં સામાન્ય વધઘટે ગરમીનો પારો 40-44 ડિગ્રી વચ્ચે જળવાઇ રહ્યો હતો.

એક બાજુ આગ ઓકતા આકાશ સાથે વરૂણદેવે પણ કોપ ઉતારવાનું ચાલુ કર્યુ હતું. સતત ત્રીજા દિવસે અવિરત પ0 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી અવિરત ફૂંકાતી લૂંથી હવામાં ધૂળ-રજકણનું પ્રમાણ વધવા સાથે વા-વંટોળ સર્જન હોવાથી દિવસે ધુંધળુ વાતાવરણ બની રહ્યું છે. પણ સતત પશ્ર્ચિમ દક્ષિણના ભેજવાળા પવનથી હવામાં વધુ પ્રમાણમાં નોંધાતા આવતા ભેજથી લોકોને બફારાથી છુટકારો કેમ મેળવવો તે સવાલ ઉઠયો છે.

આ દરમિયાન આજનો દિવસ આકાશમાંથી 40-4પ ડિગ્રી વચ્ચે અગનવર્ષા ચાલુ રહેશે પરંતુ આવતીકાલથી 2 થી 4 ડિગ્રી સુધી ક્રમશ: તાપમાન ઘટવા સાથે ગરમીમાં રાહત રહેશે પરંતુ બફારો વધતા લોકોને બેચેની ઉકળાટનો વધુ અનુભવ કરવો પડશે. એટલુ જ નહી આવતીકાલથી જ ગરમી અને દદરિયાઇ ભેજથી સર્જાતા સ્થાનિક વાદળાઓની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના સ્થળે છુટાછવાયો વરસાદી હોય પણ ચાલુ થવાની આગાહી હવામાન વિભાગનું અમદાવાદ સ્થિત રાજયની વડી કચેરી દ્વારા દર્શાવાઇ છે.

રાજકોટ
રાજકોટમાં સામાન્ય વધઘટે ગરમી તાપ બફારો અને અંગ દઝાડતી લૂ શહેરીજનોએ સતત બેચેન બનાવી રહી છે. ગઇકાલે શહેરનું મહતમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. આજે લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી રહ્યું હતું. હવામાં સવારે 68 ટકા ભેજ નોંધાયો હતો તો પવનની ઝડપ 18 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ રહી હતી.

ભાવનગર
ભાવનગરમાં 44.2 ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે પણ રાજયનું હોટેસ્ટ સીટીમાં ટોપ પર રહ્યું છે. આભમાંથી રીતસર અંગારા વરસતા હોય તેમ ગીષ્મની ગરમીનો અનુભવ ભાવનગરવાસીઓએ કર્યો છે.

સતત ત્રીજા દિવસે પણ ભાવનગર રાજયનું ગરમ શહેર બની રહ્યું છે. સવારથી જ સૂર્યનારાયણ આકરા મીજાજમાં હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસવાનાં શરૂ થયા હતા. કાતીલ ગરમીનાં કારણે માંડ-માંડ પાટે ચડી રહેલા જનજીવનને થંભાવી દીધુ હતું. બપોરે 34 કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાતા જાણે કુદરતી હીટર શરૂ કરી દેવાયુ હોય તેવી વરાપ ફેંકાતી હતી.

ભાવનગરનું મહતમ તાપમાન 44.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.0 ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા અને પવનની ઝડપ 34 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.


Related News

Loading...
Advertisement