ગુજરાતમાં કૃષિ-નાના ઉદ્યોગો-અસંગઠિત ક્ષેત્રને ‘બેઠા કરવા’ પર જોર આપશે

29 May 2020 11:22 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કૃષિ-નાના ઉદ્યોગો-અસંગઠિત ક્ષેત્રને ‘બેઠા કરવા’ પર જોર આપશે

બેરોજગારીમાં મોટો વધારો તથા લક્ષ્યો શ્રમિકોની વતનવાપસી ચિંતાજનક હોવાની લાલબતી: નિષ્ણાંત કમિટિના વચગાળાનાં અહેવાલમાં સરકારને ભલામણ: બે સપ્તાહમાં આખરી રીપોર્ટ આપશે: કરમાળખા સહિતના મામલે ભલામણો કરશે

ગાંધીનગર તા.29
કોરોના મહામારી તથા લોકડાઉનને કારણે સૌથી વધુ ફટકો ખેડુતો તથા નાના ધંધાર્થીઓને થયો છે અને આ ક્ષેત્રોને ચેતનવંતા બનાવવાની બાબતને કેન્દ્રમાં રાખવા નિષ્ણાંત કમીટીએ વચગાળાનાં અહેવાલમાં સરકારને સુચવ્યુ છે.

કોરોના લોકડાઉન પછી વેપાર ધંધાને બેઠા કરવા માટેના ઉપાયો સુચવવા ગુજરાત સરકારે હસમુખ અઢીયાનાં વડપણ હેઠળ નિષ્ણાંત કમિટીની રચના કરી હતી. વચગાળાનાં રિપોર્ટ સાથે કમીટીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા સીનીયર પ્રધાનો-અધિકારીઓ હાજર રહ્યા હતા.રાજયનાં અર્થતંત્રને પાટે ચડાવવા માટે કમીટીએ વિવિધ સુચનો કર્યા હતા.

વચગાળાનાં રીપોર્ટમાં કમીટીએ એમ કહ્યું છે કે, મહામારી નવા લોકડાઉનને કારણે બેરોજગારીમાં ધરખમ વધારો થયો છે એટલે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનું અનિવાર્ય છે. આ સિવાય કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્ર ઉપરાંત સુક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને અસંગઠીત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી છે. આ ક્ષેત્રો મોટી માત્રામાં રોજગારીનું સર્જન કરી શકે તેમ હોવાથી તેને બળ મળે તો બેરોજગારીની સમસ્યા પણ હળવી થઈ જાય તેમ છે.

ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રમિકોની વતન વાપસી થશે પણ રીપોર્ટમાં ચિંતા દર્શાવવામાં આવી છે. મજુરોની અછતના કારણે ઉદ્યોગો તથા રીયલ એસ્ટેટ ફરી પૂર્વવત નહી બની શકે. આ સિવાય ઉદ્યોગો તથા સર્વીસ ક્ષેત્રમાંથી છટણીના મુદ્દે પણ સરકારનું ધ્યાન દોરીને ગંભીરતાપૂર્વક પગલા લેવા કહ્યું છે.

નિષ્ણાંત કમીટી દ્વારા આવતા બે સપ્તાહમાં આખરી રીપોર્ટ સોંપવામાં આવશે અને તેના આધારે રાજય સરકાર મહત્વના નીતીગત નિર્ણયો લઈ શકે છે. ગુજરાતમાં ક્ષેત્ર અને પેટાક્ષેત્ર દીઠ લોકડાઉન નુકશાનીનો અંદાજ પણ કમીટી રીપોર્ટમાં દર્શાવશે અને પ્રવાહ-પુર્નગઠન પેકેજની ભલામણ કરશે.

આ ઉપરાંત રાજયની અંદાજપત્ર તથા નાણાકીય હાલતની સમીક્ષા કરીને સુધારા પગલા સુચવવા માટે પણ કમીટીને કહેવામાં આવ્યું છે. કર માળખાનું પુર્નમુલ્યાંકન કરવા તથા ટુંકા અને લાંબા ગાળાના ઉપાયો સુચવવા પણ કહેવાયું છે. કમીટીમાં હસમુખ અઢીયા ઉપરાંત આઈઆઈએમ (અમદાવાદ)નાં પૂર્વ પ્રોફેસર રવિન્દ્ર ધોળકીયા, આર્થિક નિષ્ણાંત પ્રદિપ શાહ, પૂર્વ આઈએએસ અધિકારી કિરીટ શેલત વગેરે સામેલ છે.


Related News

Loading...
Advertisement