અમદાવાદમાં જુનીયર તબીબો પર ‘કોરોના-ઘાત’

29 May 2020 11:11 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં જુનીયર તબીબો પર ‘કોરોના-ઘાત’

કોરોનાની સારવાર જુનિયર ડોકટરોના ભરોસે છોડી દેવાયાના આક્ષેપો વચ્ચે આંકડાકીય રીપોર્ટ: 116 જુનિયર ડોકટરો ઝપટે ચડી ગયા; સીનીયર તબીબોની સંખ્યા 38

અમદાવાદ તા.29
કોરોના વોરિયરમાં સૌથી અગ્રીમ હરોળમાં રહેલા તબીબો જ આ મહામારીની ઝપટે ચડી રહ્યા છે. સરકારી હોસ્પીટલોના 100થી વધુ જુનીયર ડોકટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સરકારી હોસ્પીટલના મહેકમની દ્રષ્ટિએ તે 73 ટકા થવા જાય છે.

કોરોનાની ઝપટે ચડયા હોય અને પોઝીટીવ રીપોર્ટ આવ્યો હોય તેવા તબીબોનું લીસ્ટ ફરતુ થયુ છે તેમાં સીવીલ હોસ્પીટલના 62, જીસીઆરઆઈના 22, એલજી હોસ્પીટલના 11, એસવીપીના 16, સોલા સિવિલના પાંચ તથા યુએન મહેતા અને આઈકેડીઆરસીના એક-એક તબીબને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં 116 જુનીયર ડોકટરોને ચેપ લાગ્યો છે. સીનીયર ડોકટરોની સંખ્યા માત્ર 38 છે. કોરોનાગ્રસ્ત થયેલા કુલ 197 તબીબોના લીસ્ટમાં 38 ખાનગી તબીબો પણ છે.

સરકારી હોસ્પીટલોમાં કામનું ભારણ જુનીયર ડોકટરોના માથે જ નાખી દેવામાં આવ્યુ હોવાનો ગણગણાટ કેટલાંક દિવસોથી થઈ રહ્યો છે. સીનીયર તબીબો કોવિડ વોર્ડમાં ફરકતા પણ ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જુનીયર તથા સીનીયર ડોકટરોને કોરાનાના ચેપના આંકડા પણ ઘણુ કહી જાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પીટલની વાત કરવામાં આવે તો કુલ 75 તબીબોના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા તેમાંથી સીનીયર તબીબોની સંખ્યા માત્ર 10 હતી. એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ ગત 9 મેના રોજ અમદાવાદની મુલાકાત લીધી હતી. રેસીડેન્ટ ડોકટરોએ તેઓને આવેદન જેવો પત્ર પાઠવ્યોહતો. સીનીયર તબીબો સારવાર માટે આવતા નથી અને સીનીયર-જુનીયર વચ્ચે ભેદભાવ રાખવામાં આવતા હોવાનો મુદો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

સીવીલ હોસ્પીટલના તબીબોને એન-95 માસ્ક, પીપીઈ કીટ જેવા સાધનો પણ આવતા ન હોવાનો મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. સરકાર ગંભીર ન બને તો સુપર સ્પ્રેડર ખુદ તબીબો જ બનવાની ચેતવણી આપવામાં આવી હતી. તબીબોના ટેસ્ટ પણ થતા ન હોવાનું જણાવાયુ હતું.


Related News

Loading...
Advertisement