કોરોના કેસમાં ભારત હવે 9માં સ્થાને: મોત ચીનથી વધુ

29 May 2020 10:37 AM
India
  • કોરોના કેસમાં ભારત હવે 9માં સ્થાને: મોત ચીનથી વધુ

ભારતમાં મહામારીનો વધતો પ્રકોપ: ચોવીસ કલાકમાં 7000થી વધુ નવા કેસ: વિશ્વનાં સૌથી પ્રભાવિત ટોપ-ટેન રાષ્ટ્રોમાં ભારત તૂર્કીથી આગળ નિકળી ગયુ: દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત પછી હવે દિલ્હી-પશ્ચિમ બંગાળમાં વકરતી હાલત

નવી દિલ્હી તા.29
ભારતમાં લોકડાઉન ઘણુ હળવુ થયા બાદ કોરોના કેસોની સંખ્યા સતત વધતી રહી છે. વિશ્વભરનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં ભારતે હવે તુર્કીને પાછળ છોડી દીધુ છે અને 9માં સ્થાને આવી ગયુ છે. ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 1.65 લાખને વટાવી ગઈ છે અને મૃત્યુઆંક 4700 ની વધુ થઈ ગયો છે.

કોરોનાના સૌથી વધુ કેસો ધરાવતા એશીયાઈ દેશોમાં ભારતનો નંબર પ્રથમ થઈ ગયો છે. ભારતમાં એકટીવ કેસોની સંખ્યા પણ 90,000 ની નજીક થઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 57000 થી અધિક કેસો છે જયાં મૃત્યુ આંક પણ 2900 થી વધુ છે. મહારાષ્ટ્ર પછી તામીલનાડુ અને દિલ્હીનો ક્રમ છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા કેસોની સંખ્યામાં 7000 થી વધુનો ઉમેરો થયો છે.

ભારતમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની સંખ્યા પણ ચીનને વટાવી ગઈ છે. દેશમાં 4700 થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે ચીનમાં 4634 લોકો મોતને ભેટયા હતા.
કોરોના સંક્રમિત લોકોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વભરમાં ભારત 9માં સ્થાને આવી ગયુ છે. તુર્કી કરતા પણ વધુ કેસ થયા છે. અમેરીકા, બ્રાઝીલ, રશીયા, જર્મની, અને ઈટલી સ્પેન જેવા દેશોમાં જ ભારતથી વધુ કેસો છે. તુર્કી હવે 10 માં સ્થાને છે. જયારે કોરોનાનું સંક્રમણ જયાંથી શરૂ થયુ છે તે ચીન 13 માં સ્થાને છે. કોરોના દર્દીઓ સાજા થવાના મામલામાં ભારત 10માં સ્થાને છ.

ભારતીય આરોગ્ય મંત્રાલયનાં રીપોર્ટ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકોનું ટેસ્ટીંગ થયુ છે.અમેરીકામાં આ સંખ્યા 1.5 કરોડ, રશીયામાં એક કરોડ, જર્મનીમાં 40 લાખ બ્રિટનમાં 38 લખ તથા સ્પેનમાં 35 લાખની છે.

ભારતમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. મહરાષ્ટ્ર ટોચ પર છે અને હોટસ્પોટનો દરજજો યથાવત છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ, તામીલનાડુ, જેવા રાજયોમાં કેસ સતત વધી રહ્યા છે.પશ્ચિમ બંગાળમાં ચોવીસ કલાકમાં 344 કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીમાં એક દિવસનાં સૌથી વધુ હતા આ સિવાય દિલ્હીમાં પણ સીંગલ ડે રેકોર્ડ થયો હતો અને 1024 કેસો નોંધાયા હતા.આ સાથે પાટનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 16281 થઈ હતી. મહારાષ્ટ્રમાં નવા 2598 કેસ ગુજરાતમાં 367 કેસ, જમ્મુ-કાશ્મીરમાં 115, કેસ, મધ્યપ્રદેશમાં 192, આંધ્રપ્રદેશમાં 128 નવા કેસ નોંધાયા હતા.

દરમ્યાન ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે, કોરોના વાયરસની રસી-દવા વિકસાવવા માટે 30 જુથો મહેનત કરી રહ્યા છે. તેમાં વિજ્ઞાનીઓથી માંડીને કોર્પોરેટ જુથોનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement