માંડવી આવેલા મુંબઇના કોરોના પોઝીટીવ આધેડનું મૃત્યુ : વધુ બે દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર

28 May 2020 02:13 PM
kutch
  • માંડવી આવેલા મુંબઇના કોરોના પોઝીટીવ આધેડનું મૃત્યુ : વધુ બે દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર

કોરોનાની સારવારમાં સ્વસ્થ થયેલા નવ પેશન્ટ ડિસ્ચાર્જ કરાયા

ભુજ, તા. ર8
રણપ્રદેશ કચ્છમાં કોરોના વાયરસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. મહારાષ્ટ્રથી ગત 12મી મેનાં રોજ માંડવીના દરશડી પરત ફરેલાં 52 વર્ષિય ઈશ્વરલાલ ડાયાલાલ પટેલનું ગત બુધવારે રાત્રે સાડા નવના અરસામાં મોત નીપજ્યું હતું. આ અંગે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા હોમ ક્વોરન્ટાઈન હેઠળ હતા. તેમને શ્વાસોચ્છવાસની ગંભીર તકલીફ થતાં પરિવારજનો તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયાં હતા.
જ્યાંથી તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતા. શ્વાસોચ્છવાસની ગંભીર તકલીફ હોઈ તેમને વેન્ટિલેટર પર સારવાર દરમ્યાન રાત્રે તેમણે દમ તોડી દીધો હતો.
તબીબોએ આપેલી માહિતી આપતાં જોશીએ ઉમેર્યું હતું કે તેઓ એક્યુટ રેસ્પિરેટરી ડીસ્ટ્રેસ સિન્ડ્રોમ અને ડાયાબીટીસથી પીડાતાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કોરોનાથી આ બીજું મોત નોંધાયું હતું. આ અગાઉ 15 એપ્રિલે માધાપરના 62 વર્ષિય જગદીશભાઈ સોનીનું મોત નીપજ્યું હતું. દરમિયાન, આજે અબડાસાના સાંધણ ગામના 30 વર્ષિય ત્રિલોક શંકરલાલ ભાનુશાલી નામના યુવકનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ત્રિલોક મુંબઈથી પરત ફરેલો છે અને હોમ ક્વોરન્ટાઈન છે. આજે વધુ બે પોઝીટીવ દર્દી સાથે કચ્છના કુલ કોરોના પોઝીટીવ દર્દીનો આંક 68 પર અને મરણઆંક 2 પર પહોંચ્યો છે.
દરમ્યાન, ચિંતા જનક ખબરો વચ્ચે એક રાહતની ખબર પણ આવી છે જેમાં કચ્છના બંદરીય મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થનારાં બે દર્દી અને આદિપુરની હરિઓમ હોસ્પિટલમાં સાજા થયેલાં 7 દર્દી મળીને કુલ 9 કોરોનાને મહાત આપેલા દર્દીઓને રજા અપાઈ છે. ગાઈડલાઈન મુજબ લક્ષણો વગરના દર્દીને 10 દિવસ સુધી હોસ્પિટલમાં સપોર્ટીવ ટ્રીટમેન્ટ અને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખી ડિસ્ચાર્જ કરાય છે. વીતેલા 24 કલાકમાં નવા 5686 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 2213 જેટલાં વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે 2213 વ્યક્તિ હાલ ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં છે.


Loading...
Advertisement