‘નહિવત નિયંત્રણો’ સાથે ગુજરાતમાં લોકડાઉન 5.0ની તૈયારી

28 May 2020 10:27 AM
Ahmedabad Gujarat
  • ‘નહિવત નિયંત્રણો’ સાથે ગુજરાતમાં લોકડાઉન 5.0ની તૈયારી

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવ્યા બાદ રાજય સરકાર અંતિમ નિર્ણય લેશે

* બજારો સાંજે 6 સુધી ખુલ્લી રાખવા દેવાશે
* કરફયુ રાત્રે 9થી સવારે 6 સુધીનો રહેશે
* ધાર્મિક સ્થળો માટે પણ કેટલીક છુટછાટ આવશે
* રેડ-ક્નટેનમેન્ટ ઝોનમાં થોડી વધુ રાહતો મળશે
* નવુ લોકડાઉન બે થી ત્રણ સપ્તાહનું રહેવાની શકયતા
* ગુજરાત સરકારે આગોતરી તૈયારી કરી લીધી
* મોલ, સિનેગૃહો, રેસ્ટોરાં વગેરેનો નિર્ણય કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે થશે

ગાંધીનગર તા.28
કોરોના સામેનુ લોકડાઉન 4.0 આગામી 31મીએ ખત્મ થવાનુ છે ત્યારે ત્યારપછી શું?ની અટકળો શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે રાજયોને જ નિર્ણયો લેવાની સતા આપવાની વિચારણા શરૂ કરી છે ત્યારે ગુજરાતમાં ‘લોકડાઉન 5.0’ સાથ હળવુ અને નહીવત નિયંત્રણો જેવુ હોવાના સંકેત છે કે રાજયમાં લોકડાઉન 5.0 નવા અત્યંત ‘હળવા અવતાર’ માં જોવા મળશે.

રાજય સરકારના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના ગાઈડલાઈન નકકી થયા બાદ ગુજરાત સરકાર આખરી નિર્ણય જાહેર કરશે. ગુજરાતમાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે એટલે સંપૂર્ણ મુક્તિ મળવાની શકયતા નથી. લોકડાઉન 5.0 આવશે. પરંતુ તે સાવ હળવા અવતારમાં હશે. વેપાર-ધંધા-અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા તથા લોકોનું નાણાં સંકટ દૂર થઈ શકે તેવા મુદાઓને કેન્દ્રમાં રાખીને સાવ મામૂલી નિયંત્રણો હશે.

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પ્રધાનો, અધિકારીઓ, વેપાર ઉદ્યોગ સંગઠનો તથા અન્ય વર્ગો પાસેથી વિગતો એકત્રીત કરી છે. સૂચનો મેળવ્યા છે અને તેના આધારે બે થી ત્રણ સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, લોકડાઉન 4.0 કરતા પણ તેમાં વધુ છુટછાટો આપવામાં આવશે. અત્યારે બજારો-દુકાનો સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ્ટ છે તેમાં બે કલાકનો વધારો કરી દેવામાં આવશે. સાંજે 6 વાગ્યા સુધી બજારો-દુકાનો ખુલ્લી રાખવાની છુટ્ટ આપવામાં આવશે. આ જ રીતે રાત્રી કરફયુનો સમય પણ ઘટાડવામાં આવશે. અત્યારે સાંજે 7થી સવારે 7નો સમય છે તે ઘટાડીને રાત્રે 9થી સવારે 6નો કરવામાં આવશે.

આ ઉપરાંત રેડ તથા ક્નટેનમેન્ટ ઝોનમાં પણ ઘણી છુટછાટો આપવામાં આવશે. વધારાની આર્થિક પ્રવૃતિઓની છુટ અપાશે. આ જ રીતે ધાર્મિક સ્થળો માટે પણ કેટલીક છુટ્ટછાટો મળવાની શકયતા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં કોરોના કેસો ઘટતા ન હોવાથી રોગચાળો કાબુમાં આવ્યાનુ કહી શકાય તેમ નથી એટલે સરકાર લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના મૂડમાં નથી. જો કે, સરકાર એવુ માને છે કે બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા હળવા-આકરા લોકડાઉનથી આમ આદમી લોકોમાં ઘણી સમજ આવી ગઈ છે. કોરોના સામે જાગૃત બન્યા છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ જેવા નિયમનોનું સ્વૈચ્છીક રીતે પાલન કરવા લાગ્યા છે એટલે પ્રવર્તમાન નિયમનામાં વધુ છુટછાટો આપવામાં કોઈ વાંધો નથી.પ્રવર્તમાન લોકડાઉન 4.0 31મી મે સુધી છે.

હજુ ત્રણ દિવસ બાકી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારની પણ નવી ગાઈડલાઈન આવી જશે અને તેના આધારે સરકાર નિયમનો હળવા બનાવવાના વિવાદ કરશે. આ વખતે તો રાજય સરકારે અગાઉ જ ફીડબેક મેળવીને તૈયારી કરી રાખી છે. ગત વખતની જેમ એક દિવસ એવો નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ ઉત્પન્ન નહીં થાય. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર લોકડાઉનના નિર્ણયો લેવાની સતા રાજયોને જ આપવાની વિચારણા કરી રહી છે.


Related News

Loading...
Advertisement