આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે

27 May 2020 03:47 PM
Ahmedabad Gujarat
  • આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે

કોરોનાથી ખર્ચા વધ્યા; આવક ઠપ્પ થઈ ગઈ: દેવાની ચૂકવણી માટે 1500 કરોડનું નવું દેવું

ગાંધીનગર તા.26
કોરોનાને રોકવા લાવવામાં આવેલા બે મહિનાના લોકડાઉનથી ગુજરાત સરકારની નાણાકીય હાલત પર ગંભીર અસર પડી છે. રાજય સરકારે નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂા.1500 કરોડનો ઉપાડ કર્યો છે, અને આ સપ્તાહે વધુ 1000 કરોડની લોન લેશે. આથી દેવાના મુદલ અને વ્યાજની ચૂકવણી માટે દર મહીને રૂા.550 કરોડની ચૂકવણી કરવી પડશે. આ માટે તે રૂા.2500 કરોડનું દેવું અને બાકીના કેન્દ્રીય વેરા અને રિઝર્વ ફંડના હિસ્સાનો ઉપયોગ કરશે.

લોકડાઉનના કારણે રાજય સરકારના આવકના અંદાજો અસ્તવ્યસ્ત થઈ ગયા છે. કર્મચારીઓને પગાર અને દેવાની ચૂકવણી કરવાનું તેના માટે વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. ગુજરાત સરકાર રિપેમેન્ટમાં છૂટછાટ મેળવવા કેન્દ્ર અને આરબીઆઈનો સંપર્ક સાધશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બે મહિનાના લોકડાઉનથી સરકારની આવકને ભારે ફટકો પડયો છે. એ સામે ખર્ચા યથાવત છે. આ સંજોગોમાં રાજય સરકાર વ્યાજ જતું કરવા અથવા મોડેથી ચૂકવવાનો વિકલ્પ માંગશે.

ગુજરાતને આ મહિને કેન્દ્ર સરકારના ટેકસનો હિસ્સો અને કેન્દ્રીય યોજનાઓ માટે 1800 કરોડની ગ્રાન્ટ મળી છે. આ કારણે સરકારની સ્થિતિ થોડી સારી છે. ગેસ અને પેટ્રોલીયમ પ્રોડકટ પર વેટને કારણે પણ મહીને રૂા.600 કરોડ મળે છે. આ મહિને અમે પગાર અને દેવાની પુન: ચૂકવણી કરી શકીશું, પણ અમને કેન્દ્ર તરફથી છૂટછાટ નહીં મળે તો આવતા મહીને ચૂકવણી મુશ્કેલ બનશે.


Related News

Loading...
Advertisement