કોરોનાને મહાત કરવા ગુજરાત આપશે પંચગવ્યમાંથી બનેલી દવા

27 May 2020 12:16 PM
Ahmedabad Gujarat Rajkot
  • કોરોનાને મહાત કરવા ગુજરાત આપશે પંચગવ્યમાંથી બનેલી દવા

ગૌમૂત્ર, છાણ સહિતના પંચગવ્ય પાવડરની કિલનીકલ ટ્રાયલ રાજકોટથી શરૂ થશે: ડો. કથીરીયા: ચીન, કોરિયાની હોસ્પિટલો, ગૌમૂત્ર ધરાવતી દવાનો ઉપયોગ કરતી હોવાનો અમદાવાદના ડોકટરનો દાવો

રાજકોટ તા.27
ગૌમૂત્ર અને ગાયના છાણથી કેટલીક બીમારીઓની સારવારની અસરકારકતા આયુર્વેદમાં વર્ણાવાઈ છે. ગામમાંથી મળતા પાંચ પદાર્થો-દૂધ, માખણ, ઘી, છાણ અને મૂત્રનો વેદોમાં પંચગમ્ય તરીકે ઉલ્લેખ થયો છે અને ભારતમાં યુગોથી વપરાય છે.

હવે આ પદાર્થોમાંથી બનાવાયેલી દવા કોવિડ 19ની સારવારમાં અસરકારક છે કે નહીં. તે જાણવા પ્રયોગ થશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે એલોપેથીક દવાઓના પરીક્ષણ માટે વપરાતા પ્રોટોકોલ મુજબ પંચગવ્યમાંથી બનેલી દવાનો પણ ટેસ્ટ થશે.

કથીરીયાએ જણાવ્યું હતું કે પંચગવ્ય મેડીસીન ભારતમાં સદીઓથી જાણીતી છે, પણ આધુનિક વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં પ્રસ્થાપિત નથી. વિશ્વ આજે જયારે કોરોનાની રસી શોધી રહ્યું છે ત્યારે પંચગવ્ય દવા અસરકારક સારવાર અથવા ઉપચાર બની શકે.

પંચગવ્યથી ટ્રાયલ દેશની 10 હોસ્પિટલોમાં થશે. શરૂઆત રાજકોટ સિવિલ હોસ્પિટલથી થશે. એ પછી અમદાવાદ અને સુરતની સરકારી હોસ્પિટલો એને અનુસરશે. પુણે, હૈદરાબાદ અને જોધપુરમાં પણ ટ્રાયલ થશે.

તેમણે જણાવ્યું હતું કે કિલનીકલ ટ્રાયલમાં સંપતી આપનારા દર્દીઓને આ દવા અપાશે અને પ્રગતિ વૈજ્ઞાનિક રીતે નોંધવામાં આવશે. આધુનિક કિલનીકલ ટ્રાયલના નિયમો મુજબ સરખામણી અને વિશ્ર્લેષણ કરાશે. આવી ટ્રાયલ પુરી થયા પછી વૈજ્ઞાનિક અને તબીબી સમુદાયના પીઅર રિવ્યુ માટે તે સંશોધન પત્રમાં પ્રસિદ્ધ કરાશે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પુર્વ પ્રિન્સીપાલ ડો. હિતેશ જાનીએ જણાવ્યું હતું કે પહેલીવાર શાસ્ત્રીય દવાની કિલનિકલ ટ્રાયલ થશે. આ બે-ત્રણ દિવસમાં શરૂ થશે અને 15 દિવસનો પ્રોટોકોલ રહેશે.

ડો. જાનીએ જણાવ્યું હતું કે દર્દીના વાયરસ લોડ દરરોજ લઈ ટાઈપલાઈન મુજબ પરિણામોની ખાતરી કરાશે. આનાથી દવાની સચોટતા જાણવામાં મદદ મળશે. હાલમાં અમે દવા દાણાના સ્વરૂપે તૈયાર કરી છે. એ દૂધના પાવડર જેવી છે, જેની દૂધ અથવા પાણી સાથે એ લઈ શકાય.

અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાના કેટલાય દર્દીઓની સારવાર કરનારા ડો. સૌમિલ સંઘવીએ જણાવ્યું હતું કે અસરકારક ઈન્ટ્રાગ્રેટેડ દવા માટે સમય પાકી ગયો છે. એ મહત્વની નથી કે કોઈ સુશ્રુષા પદ્ધતિમાંથી એ આવે છે. એલજીવીપી ખાતે આયુર્વેદીક વિભાગ છે, જયાં કોરાનાના 40 દર્દીઓની સારવારમાં આયુર્વેદીક દવાનો ઉપયોગ કરાયો છે.

વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય તો આયુર્વેદીક દવાનો વધુ વિશ્ર્વાસ સાથે ઉપયેગ થઈ શકે. કોરોનાનો ઉપચાર કરી શકે તેવા પૌષધીય ગુણો ધરાવવા માટે ગૌમૂત્ર જાણીતું છે. વાસ્તવમાં ગૌમૂત્ર પણ એક હિસ્સો હોઈ તેવી દવાઓની હાલમાં કોરિયા અને ચીનથી આયાત કરવામાં આવે છે. ત્યાંની હોસ્પિટલો કોવિડ 19 દર્દીઓની સારવારમાં એનો ઉપયોગ કરી રહી છે.

જો કે ડો. દીપક વડોદરીયાના મત મુજબ પંચગવ્યમાંથી બનેલી દવાઓ બીમારી અટકાવવા માટે ઉપયોગી છે, પણ કોરોનાના દર્દીઓ એકયુટ રેસ્પીરેટરી સમસ્યાથી પીડાતા હોઈ તેમને તત્કાળ રાહતની જરૂર હોય છે, અને એ માટે એલોપેથીક દવાઓ સારા પરિણામ આપે છે. હાલમાં એલોપથી એકમાત્ર વિકલ્પ છે, અને ત્યાં સુધી વૈજ્ઞાનિક પુરાવા ન મળે ત્યાં સુધી હું એલોપેથીક દવાઓ પસંદ કરીશ.


Related News

Loading...
Advertisement