#Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ

26 May 2020 03:33 PM
Ahmedabad Gujarat Rajkot
  • #Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ

પરપ્રાંતીયોની વ્યથા, ધમણ-1ની નિષ્ફળતા અને એન-95 મુદે મીડીયાની સત્યતાને પડકારવા યુવા ભાજપનો પ્રયાસ: ગુજરાત યુવા ભાજપના પ્રમુખ ઋત્વીજ પટેલના નેતૃત્વમાં ગુજરાતના મીડીયાએ કોરોના કટોકટી સમયે પ્રજા સમક્ષ મુકેલા સત્યથી અકળાઈને કરેલી ટવીટર ઝુંબેશ સામે મુખ્યમંત્રી લાલઘૂમ: તમામને ખખડાવ્યા: છેલ્લા 24 કલાકમાં મીડિયાના અહેવાલને ભાજપના ત્રાજવે તોલવાનો પ્રયાસ થયો: ધારાસભ્યો પણ જોડાયા: મુખ્યમંત્રીના ખ્યાલમાં આવતા જ તાત્કાલિક ટવીટર ઝુંબેશ બંધ કરાવી

રાજકોટ તા.26
ગુજરાતમાં કોરોના કટોકટી સમયે સર્જાયેલા વિવાદ અંગે રાજયના મિડીયાએ જે સત્ય રજુ કરતા અને પ્રજાલક્ષી અહેવાલ આપ્યા તેનાથી સરકાર માટે અત્યંત મુશ્કેલ સ્થિતિ થઈ હોય તેવા સંકેત છે. ખાસ કરીને રાજયમાં કોરોના હોટસ્પોટ બની ગયેલા અમદાવાદમાં જે રીતે અત્યંત એકટીવ અને કોરોના વોરીયરની જેમ કામ કરી રહેલા મ્યુ.કમિશ્નર વિજય નેહરાની રાતોરાત બદલી કરવામાં આવી તેના ઘેરા પડઘા પડયા હતા.

તો આ ઉપરાંત ગુજરાતમાં એક તરફ કોરોના સામેની આરોગ્ય તૈયારીમાં જે રીતે કટોકટી સર્જાઈ અને ખાસ કરીને વેન્ટીલેટરના અભાવે દર્દીઓના મોત થયા તે વચ્ચે ઓચિંતા જ ધમણ-1 વેન્ટીલેટરનું હાઈફાઈ લોન્ચીંગ તથા તેની તેવી જ નિષ્ફળતા ઉપરાંત રાજયમાં પરપ્રાંતીય કટોકટી હલ કરવામાં જે રીતે રાજય સરકારે અભિગમ અપનાવ્યો અને મીડીયાએ તેના અહેવાલ છાપ્યા તેનાથી પ્રજા સમક્ષ સત્ય જતા ગુજરાત યુવાભાજપના નેતાઓએ ટવીટર પર #Stop Targeting Gujarat હેશટેગથી ગુજરાતના મીડીયા સામે જે રીતે પ્રશ્ન ઉઠાવ્યા અને મીડીયાની ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતાને ભાજપના ત્રાજવે તોલવાનો પ્રયત્ન કર્યો તે બુમરેંગ થઈ રહ્યો છે.

છેલ્લા બે દિવસમાં આ હેશટેગ પર મીડીયાની માહિતીને ખોટી ઠરાવવા માટે ગુજરાત યુવા ભાજપના કેટલાક અગ્રણીઓએ ધરખમ પ્રયત્ન કર્યા હતા. જો કે જે રીતે કોરોનાની પરિસ્થિતિમાં ગુજરાત હાલ પસાર થઈ રહ્યું છે તેનાથી રાજયમાં આગામી સમયમાં કેવી પરિસ્થિતિ હશે તે પણ પ્રશ્ન છે. આ સમયે યુવા ભાજપના અગ્રણીઓએ મીડીયાને ટાર્ગેટ બનાવ્યુ તેના પડઘા પડયા છે અને ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આકરા શબ્દોમાં ઉંચકાવીને કોની મંજુરીથી આ પ્રકારની ઝુંબેશ ચલાવી તે પ્રશ્ન પૂછતા યુવા ભાજપના નેતાઓના ચહેરા ઝાંખા પડી ગયા છે.

ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ યુવા ભાજપના કેટલાક નેતાઓએ મોવડીમંડળને વ્હાલા થવા માટે આ પ્રકારનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતમાં એક તરફ કોરોના કાબુમાં આવતુ નથી તે સમયે યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વીક પટેલ અને તેના સાથીદારોએ મીડીયા દ્વારા ધમણ-1 ખાનગી લેબમાં કોરોના ટેસ્ટીંગ મુદે રાજય સરકારની વિરોધાભાસી નીતિ અને જે રીતે હવે માસ્કના વેચાણમાં સરકારે પહેલા પ્રજાને લુંટાવા દીધી અને હવે સસ્તા ભાવે માસ્કની જાહેરાત કરી તે અંગે મીડીયાએ કરેલા ઘટ્ટસ્ફોટથી અફસેટ બનેલા યુવા ભાજપના નેતાઓને મુખ્યમંત્રીએ આકરી ભાષામાં ખખડાવી નાંખ્યા હોવાનું ભાજપના સૂત્રએ જણાવ્યું છે.

જેમાં અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલએ ગુજરાત એ શ્રમિકો માટે સૌથી વધુ ટ્રેન દોડાવી તેવો દાવો કર્યો હતો પરંતુ ભાડા કોણે આપ્યા તે અંગે મૌન સેવ્યુ હતું. ધમણ-1 વેન્ટીલેટર અંગે સરકારના અધિકારીઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને મીડીયાએ તેને વાચા આપી હતી તે સમયે હકીકતથી અફસેટ થયેલા જગદીશ વિશ્વકર્મા નામના ભાજપના નેતાએ મીડીયાને જૂઠુ સાબીત કરાવવા પ્રયત્ન કર્યો.

ભાજપ આઈટી સેલના ડો. પંકજ શુકલા એ પરપ્રાંતીય અંગે મીડીયાને ખોટુ પાડવા પ્રયત્ન કર્યો. પરંતુ વાસ્તવિકતા જનતાએ જોઈ હતી. યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વીક પટેલ હતો. ગુજરાતનું મીડીયા વેચાઈ ગયુ છે ત્યાં સુધીના આક્ષેપ કર્યા અને ટીઆરપી વધારવા પ્રયાસ કરે છે તેવો આક્ષેપ કર્યો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કે જે ખરેખર કોંગ્રેસ આક્ષેપ કરે છે તેને મીડીયા આગળ ધરે છે પણ આ આક્ષેપ અંગે પણ મીડીયા સામે જે આક્ષેપબાજી કરી તેની સામે મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે.

રૂા.65માં માસ્ક વહેચવાના સરકારના નિર્ણયમાં વાસ્તવમાં રાજયમાં 300થી400 રૂપિયામાં માસ્કના ધોમ કાળાબજાર થયા તેને ભુલાવી દેવા ભાજપના સાંસદ રમેશભાઈ ધડુકે ફકત સરકારની વાહવાહ કરવા ટવીટ કર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની ગંભીર નોંધ લીધી હતી અને આજે તમામને ખખડાવીને મોવડીમંડળની મંજુરી વગર આવા ટ્રેન્ડ ન ચલાવવા સ્પષ્ટ સૂચના આપી છે. સરકારે એક તરફથી વિવાદ શાંત પાડવા પ્રયત્ન કરે છે ત્યારે યુવા ભાજપના નેતાઓએ કરેલા પ્રયત્નોથી સોશ્યલ મીડીયામાં પણ અવળો પ્રત્યાઘાત પડયા છે.

મને પૂછયા વગર ટવીટ કરવામાં આવ્યું છે: ધારાસભ્યએ પોતાની આઈટી કુશળતા જાહેર કરી
અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે તેમના ટવીટ અંગે કહ્યું કે, મને પૂછયા વગર જ ટવીટ કરવામાં આવ્યું છે. મીડીયા સમાજનો આઈનો છે. ખરેખર જાગૃતિ માટે મીડીયા જરૂરી છે. મને પૂછયા વગર કોઈએ આ ટવીટ કર્યુ છે અને તે ભુલ છે. આવી જ રીતે યુવા ભાજપના નેતાઓ એક બાદ એક ખુલાસા કરવા લાગ્યા છે.

ઋત્વીજ પટેલની શાન ઠેકાણે આવી: મીડીયાને ટાર્ગેટ કરવાનો મારો ઈરાદો નથી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વીજ પટેલને તેમના આ અભિયાન બદલ આકરી ભાષામાં ખખડાવ્યા હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું તે પછી તેને ટવીટ કરીને ઈલેકટ્રોનીક કે કોઈ મીડીયાને ટાર્ગેટ કરવાનો મારો ઈરાદો ન હતો. મીડીયા તો લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે. વ્યક્તિગત રીતે હું મીડીયાને સન્માનથી જોવ છું તેવા શબ્દો સાથે લાગણી દુભાવી હોય તો દીલગીર છું તેવુ પોલીટીકલ વિધાન પણ કરી નાંખ્યું હતું.


Related News

Loading...
Advertisement