સોરઠમાં કોરોનામાં રાહત : વધુ 4 દર્દી સ્વસ્થ

26 May 2020 11:43 AM
Junagadh Saurashtra
  • સોરઠમાં કોરોનામાં રાહત : વધુ 4 દર્દી સ્વસ્થ

પ્રેમપરા-બરડીયાનાં દર્દીઓ નોર્મલ થતા રજા; હવે 17 દર્દીઓ સારવારમાં : 281 સેમ્પલોનો રિપોર્ટ પેન્ડીંગ

જૂનાગઢ,તા. 26
ગઇકાલે પણ કોરોનાનો એકપણ કેસ જૂનાગઢ અને જિલ્લામાં પોઝીટીવ નોંધાયો ન હતો. તેની સામે સિવિલમાં દાખલ પ્રેમપરા (વિસાવદર) અને બરડીયા (વિસાવદર) સહિતના ચાર દર્દીઓ સ્વસ્થ થઇ જતાં તેઓને ડીસ્ચાર્જ કરી દેવાયા હતા. મુંબઈથી બરડીયા આવેલ પ્રૌઢે હોસ્પિટલને દંડવત કરી જણાવ્યું હતું કે કોરોનાનો ડર રાખ્યા વગર હિંમતથી સામનો કરવાથી 100 ટકા સારુ થઇ શકે છે.

દહીંસર (મુંબઈ)માં હીરાનો વ્યવસાય કરતા મુકેશભાઈ વઘાસીયા-બરડીયામાં આવેલ તેને તા. 7-5નાં કોરોના પોઝીટીવ આવતા સિવિલ જૂનાગઢમાં દાખલ કરેલ તેમજ તા. 16-5નાં પ્રેમપરાના વિલાસબેન તથા કિશોરભાઈ વઘાસીયા સહિત ત્રણને કોરોના પોઝીટીવ આવતાં જૂનાગઢ સિવિલમાં દાખલ કરાયા હતાં. જેઓને ગઇકાલે સ્વસ્થ થઇ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. મુકેશભાઇ વઘાસીયા દહીંસરના જણાવ્યા મુજબ તબીબો, મેડીકલ સ્ટાફની મહેનતની આભારની લાગણી વ્યક્ત કરી દંડવત કર્યા હતા. હિંમત રાખવાથી 100 ટકા સારુ થઇ જવા પામ્યું છે. ડર રાખવાની કોઇ જરુરત નથી. હવે તેઓ હોમક્વોરેન્ટાઈન કરાયા છે. હજુ 17 દર્દીઓ સારવાર નીચે રખાયા છે.

જૂનાગઢ જિલ્લામાં કુલ 25 પોઝીટીવ કેસ આવ્યા હતાં તેના સંપર્કમાં આવેલા અનેક શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તેમાં 174નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ગઇકાલે 171 સેમ્પલ મોકલાયા છે. કુલ 281 જેટલા સકેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ છે.

ગઇકાલે વિસાવદરનાં પ્રેમપરા બરડીયાનાં મળી કુલ ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાતા હવે 17 દર્દીઓને સારવાર અપાઈ રહી છે. આગામી દિવસોમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે તેમ જાણવા મળેલ છે. રજા અપાયેલા ચારેય દર્દીઓને સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે.

કુલ 26 પોઝીટીવ કેસ જિલ્લામાં નોંધાયેલ તેમાં 16 સિવિલમાં અને 9ને ભવનાથની સનાતન ધર્મશાળામાં આઈસોલેશનમાં હતાં. સિવિલમાંથી અત્યાર સુધીમાં 8ને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે સનાતન ધર્મશાળામાં 9 દર્દી રહ્યા છે. કુલ 17 દર્દીઓ સારવાર નીચે રહ્યા છે. છેલ્લા બે દિવસમાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.


Related News

Loading...
Advertisement