ગુજરાતમાં જૂનની શરૂઆતમાં વાવાઝોડાના ડબલ ધમાકાનું જોખમ

26 May 2020 11:04 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં જૂનની શરૂઆતમાં વાવાઝોડાના ડબલ ધમાકાનું જોખમ

લક્ષદ્વીપ ટાપુઓ પર અને સોમાલિયા-એડનના દરિયાઈ સકર્યુલેશન- વાવાઝોડામાં ફેરવાઈ જવાની શકયતા: દરિયાની સપાટીનું તાપમાન 30-31 ડિગ્રી હોઈ, વાવાઝોડું બનવા આદર્શ મનાય છે: વાવાઝોડાનું કેન્દ્ર ગીર-સોમનાથ બને તેવી શકયતા: 30 મે પછી કાંઠાળ કર્ણાટક-કેરળમાં ભારે વરસાદની શકયતા: વિભાગની નજર લક્ષદ્વીપ નજીક સર્જાયેલા સકર્યુલેશન પર

અમદાવાદ તા.26
પશ્ચિમ બંગાળમાં અમ્ફાન નામના વાવાઝોડાની અસર પુરી થઈ ત્યાં આગામી સપ્તાહ જૂનના પ્રારંભમાં અરબી સમુદ્રમાં બે જુદી જુદી દિશામાં સીસ્ટમ ઉભી થઈ છે અને તેના પગલે 3 જૂન પછી ગુજરાતમાં વાવાઝોડાનો ડબલ ધમાકો થવાની દૂરની સંભાવના છે.

હવામાનને લગતી વિવિધ એજન્સીઓના અહેવાલ પ્રમાણે હાલ ગુજરાતના પશ્ચિમ ભાગે અરબી સમુદ્રમાં એક નવી સાઈકલોન પેટર્ન રચાઈ રહી છે, અરબી સમુદ્રમાં સોમાલિયા અને એડન નજીક સકર્યુલેશનના કારણે લો-પ્રેસર સર્જાઈ વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. આવું બનશે તો ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થઈ શકે છે.

જાણકારોનું કહેવું છે કે 3 જૂને વાવાઝોડુ આવશે તો તેનું મુખ્ય કેન્દ્ર ગીર-સોમનાથ હોઈ શકે છે, જેના પગલે પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

અરબી સમુદ્રમાં બીજું એક વાવાઝોડું લક્ષદ્વીપના ટાપુમાં ઉભું થઈ શકે છે, જે 31 મે થી બેંગાલુરુ, ગોવા અને મહારાષ્ટ્ર થઈ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે.

હવામાનની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં બે વાવાઝોડાની શકયતા છે. જો કે સાચું ચિત્ર ચાર-પાંચ દિવસ પછી જાણવા મળશે. હાલમાં લક્ષદ્વીપ અને સોમાલીયા-એડનના દરિયામાં સકર્યુલેશન સ્થિર છે, એ કઈ રીતે આગળ વધે છે તેના પર ભારતીય હવામાન ખાતાની નજર છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શરુઆતમાં દક્ષિણ-પુર્વ ખાડી અને ચાંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસુ લાવનારા સુપર સાયકલોન અમ્ફાન બંગાળના ઉપસાગરે જોઈ લીધું. હવે ભારતના મુખ્ય ભૂભાગમાં કેરળ કાંઠે ચોમાસુ બેસે એ પહેલાં અરબી સમુદ્ર આશ્ચર્ય સર્જવા જઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ચોમાસામાં ચાર દિવસના વિલંબની ગણતરી કરી જણાવ્યું છે કે ચોમાસુ 5 જૂને આવશે. પરંતુ સોમાનિયા તટથી દૂર નિરંકુશ ચક્રવાત ઉભું થવાની શકયતા છે એ જોતાં ભારતમાં ચોમાસાના આગમનને અસર થઈ શકે છે.

એથીય વિશેષ, કેરળના કાંઠેથી દર અને લક્ષદ્વીપ પર દક્ષિણ પુર્વ અરબી સમુદ્રમાં સ્થિર થયેલો ચક્રવાત કેટલાય દિવસોથી આઈએમડીની નજર હેઠળ છે. કેટલાય વૈશ્વિક મોડેલો મુજબ આ ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં લો-પ્રેસરમાં પરિવર્તિત થશે અને લક્ષદ્વીપ આસપાસ દક્ષિણ પુર્વ અરબી સમુદ્રના ઉષ્ણ પાણી પર ધનિષ્ટ બની શકે છે ત્યાં આગળ દરિયાની સપાટીનું તાપમાન 30-31 ડીગ્રી સેલ્સીયસ છે. વાવાઝોડું પેદા થવા માટે આટલું તાપમાન આદર્શ ગણાય છે.

આઈએમડીએ જણાવ્યું હતું કે, આજથી ગુરુવાર સુધી દક્ષિણ ઉપદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 30 મે થી લક્ષદ્વીપ પર અને દક્ષિણ ઉપદ્વીપમાં છૂટાછવાયાથી માંડી ભારે વરસાદ અને કર્ણાટક-કેરળના કાંઠે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

દરમિયાન, અન્યત્ર ચોમાસુ ક્રમબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. માલદીવ્સમાં ચોમાસાનો માહોલ બંધાઈ ચૂકયો છે ત્યાં સામાન્ય રીતે એની મધ્યમાં ચોમાસુ બેસે છે.


Related News

Loading...
Advertisement