મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ: રાષ્ટ્રપતિ શાસન?

26 May 2020 11:01 AM
India World
  • મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ: રાષ્ટ્રપતિ શાસન?

દેશના કોરોનાગ્રસ્ત રાજયોમાં હવે કેન્દ્રની સીધી દખલની તૈયારી: કોરોનાની સતત વણસી રહેલી સ્થિતિમાં ભાજપ મેદાનમાં: ફડણવીસની સાંજે પ્રેસ કોન્ફરન્સ: શરદ પવાર રાજયપાલ કોશીયારી પાસે દોડી ગયા: મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય દખલ થાય તો ગુજરાતમાં પડઘાની શકયતા: દિલ્હી કોઈપણ રીતે કોરોના સ્થિતિ વણસવા દેવા માંગતું નથી: આગામી બે કે ત્રણ દિવસ મહત્વના

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્ર અને તામીલનાડુમાં વધતા જતા કેસ તથા અમદાવાદ-મુંબઈ જેવા દેશ વ્યાપારી-હબ જે રીતે કોરોનામાં ભીસાયા છે તેની ચિંતા કેન્દ્ર માટે સતત વધી રહી છે અને હવે ત્રણ રાજયો ગુજરાત-અમદાવાદ અને તામીલનાડુ માટે કેન્દ્ર કોઈ ખાસ વ્યુહ રચના કરે તેવી શકયતા નકારાતી નથી.

ખાસ કરીને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે. રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે ભાજપના નેતાઓ સક્રીય થયા છે. પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાંજે પત્રકાર પરિષદ યોજી રહ્યા છે તો એનસીપી વડા શરદ પવાર રાજયપાલને મળવા દોડી ગયા હતા. જો કે રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોઈ દખલગીરી થાય તો ગુજરાતમાં તેના પડઘા પડી શકે છે.

દિલ્હીના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાજયની કોરોના સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે તથા નિષ્ણાંતો પાસેથી રિપોર્ટ પણ મેળવી રહ્યા છે. દેશમાં પ્રારંભમાંજ ઈન્દોર-જયપુર-ચેન્નઈ-બેંગ્લોરમાં પ્રારંભમાં સતત વધુ કેસ હોવા છતાં જે રીતે સ્થાનિક રાજય સરકારને મ્યુનીસીપલ તંત્રએ કોરોનાને અંકુશમાં લીધો તે ‘મોડેલ’ ની ચકાસણી થઈ રહી છે.

કેન્દ્ર સરકારે હાલમાં જ આ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. કેન્દ્રની નજર દેશના વ્યાપારી પાટનગર જેવા મહારાષ્ટ્ર પર છે. આ રાજયમાં ભાજપના નેતા અને પુર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ તો ગઈકાલે રાજયપાલ ભગતસિંઘ કોનીયારીને મળીને જે રીતે કોરોનાની સ્થિતિ વણસતી જાય છે તેને આગળ ધરી રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી.

રાણેની આ મુલાકાત બાદ તુર્તજ એનસીપી વડા શરદ પવાર પણ રાષ્ટ્રપતિ પાસે દોડી ગયા હતા તે સૂચક છે. શ્રી રાણેએ જણાવ્યું કે જો રાષ્ટ્રપતિ શાસન લાદી ન શકાય તો પછી હોસ્પીટલોના વધુ સારા સંકલન માટે સૈન્યને સોપી દેવી જોઈએ. દિલ્હીથી મળતા સંકેત મુજબ કેન્દ્ર કંઈક મહત્વના પગલા લેવાની તૈયારીમાં છે અને દરેક રાજય માટે અલગથી વ્યુહરચના બનાવી રહ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉ આ રાજયોમાં કેન્દ્રીય ટીમ મોકલીને સ્થિતિનો અંદાજ મેળવ્યો હતો અને નિષ્ણાંતો જે રીતે કોરોનામાં હજુ ‘પીક’ બાકી છે તેવી ચેતવણી આપી છે જે સૌથી મોટી ચિંતા છે અને ફકત દૂરથી રાજયોની પરિસ્થિતિ જોવાનું સ્વીકાર્ય નથી.


Related News

Loading...
Advertisement