હાઈકોર્ટના નિરીક્ષણને નિતીન પટેલે ખુદ પર પ્રહાર તરીકે જોયા ? જબરી ચર્ચા

25 May 2020 05:34 PM
Ahmedabad Gujarat
  • હાઈકોર્ટના નિરીક્ષણને નિતીન પટેલે ખુદ પર પ્રહાર તરીકે જોયા ? જબરી ચર્ચા

હું 65 વર્ષનો થવા આવ્યો છું છતાં પણ કોરોનાની ચિંતા વગર સતત દોડુ છું : મારા કુટુંબીજનો ના પાડે છે છતાં પણ કામ કરું છું : નાયબ મુખ્યમંત્રીએ પોતાની વ્યથા ઠાલવી દીધી

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના પોઝીટીવ અને સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંક અંગે ગુજરાત હાઈકોર્ટે જે રીતે રાજ્ય સરકારને ભીંસમાં લીધી છે તેમાં હવે રાજ્યનું રાજકારણ ભળી ગયું હોવાના સંકેત છે અને નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા શ્રી નીતિન પટેલ નિશાન બન્યા હોવાની ચર્ચા ગાંધીનગરમાં થઇ રહી છે. ગત સપ્તાહે હાઈકોર્ટે આકરા શબ્દોમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે રીતે કોરોના સામેની કામગીરી ચાલે છે અને જે રીતે તેના એક બાદ એક કિસ્સાઓ બહાર આવતા જાય છે તેની સામે આક્રોશ વ્યક્ત કરતાં રાજ્ય સરકાર સ્તબ્ધ થઇ ગઇ છે અને હાઈકોર્ટે કેટલાક આકરા શબ્દોનો પ્રયોગ કરતાં સરકાર માટે મુશ્કેલી વધી હતી. સુત્રોના જણાવ્યા મુજબ હાઈકોર્ટની સમગ્ર સુનવણી અને જે પ્રશ્ર્નો ઉઠેાવ્યા છે તેના જવાબ તૈયાર થઇ રહ્યા છે. મુખ્યમંત્રી આવાસે એક બેઠક મળી હતી અને તેમાં એક-એક મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી. હાઈકોર્ટે વ્યક્ત કરેલા નિરીક્ષણો વધુ પડતા આકરા હોવાનું સરકારે અનુભવ્યું છે પરંતુ હાઈકોર્ટના નિરીક્ષણમાં કદાચ શબ્દો આકરા હોય તે પણ જે કહ્યું છે તેમાં ભાગ્યે જ ઇન્કાર થઇ શકે તેમ છે. ગઇકાલે આ અંગે ખુદ નિતીન પટેલને જવાબ આપવા આવવું પડ્યું અને તેઓએ પાંચ-પાંચ વખત સિવિલની મુલાકાત લીધી હતી તેવું નિવેદન કરવું પડ્યું જો કે શ્રી પટેલે હાઈકોર્ટની તમામ કાર્યવાહીને પોતાના પર અંગત લઇ લીધી હોય અથવા હાઇકોર્ટના તારણના આધારે તેઓને નિશાન બનાવાશે તેવો ભય લાગતો હોય તે રીતે મારી ઉંમર 64 વર્ષની છે.આગામી 22 તારીખે મને 65મુ બેસશે, મને ઘર બહાર ન જવા મારા કુટુંબના સભ્યો પણ જણાવે છે છતાં પણ હું પાંચ-પાંચ વખત સિવિલમાં ગયો છું. સતત સ્થિતિનું મોનીટરીંગ કરું છું.
મને મુલાકાતો ટાળવાની તબીબી સલાહ હોવા છતાં પણ હું સતત મીટીંગો કરતો રહું છું. આમ શ્રી પટેલે રાજ્ય સરકાર નહીં પણ પોતાનો બચાવ વધુ કર્યો હોવાની છાપ ભાજપમાં સર્જાઇ છે અને તેની જબરી ચર્ચા છે. ઉપરાંત નિતીન પટેલ પાંચ વખત ગયા તેમાં એક વખત તો ધમણ-1ના લોન્ચીંગ માટે ગયા હતા તેવો પણ વ્યંગ થઇ રહ્યો છે હવે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે તે સમયે નિતીન પટેલનો કેટલો બચાવ થશે તેના પર પણ સૌની નજર છે.

નિતીનભાઈની પોલીટીકલી ઇમ્યુનિટી મજબૂત છે : ભાજપમાં ચર્ચા
કોરોનામાં હવે રાજ્ય સરકારે જનતાને તેની ઇમ્યુનિટીના ભરોસે મૂકી દીધી હોય તેવા સંકેત છે. અમદાવાદમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેમાં હવે રાજ્ય સરકાર શું જવાબ આપે છે તે પણ પ્રશ્ન છે. અગાઉ એવું કહેતી હતી કે વધુ ટેસ્ટ કરીએ અને વધુ પોઝીટીવ આવે તે સારું છું પરંતુ હવે જયંતિ રવિ આ દલીલ કરતાં નથી તે પણ સૂચક છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સૌથી વધુ અપસેટ છે. કોરોના પૂરો થયા પછી રાજકીય ઉથલપાથલમાં તેમને અસલામતી દેખાતી હોવાનું જો કે ભાજપના વર્તુળો ઇન્કાર કરે છે અને કહે છે કે જેમ કોરોના વાઈરસ હર્ડ ઇમ્યુનિટીનો સિધ્ધાંત લાગુ પડે છે તેમ રાજકારણમાં પણ નિતીનભાઈની પોલીટીકલી ઇમ્યુનિટી હવે પોલીટીકલ વાઈરસનો મુકાબલો કરીને મજબૂત થઇ ગઇ છે અને તેથી તેમને કાંઇ વાંધો નહીં આવે.

રાજ્ય સરકાર કઇ પણ સારુ કરે તો કેમ પ્રશ્ન ઉભા થાય છે ?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં લેવાની પધ્ધતિ અંગે અનેક પ્રકરારના મતભેદ છે. અમદાવાદમાં સ્થિતિ હેન્ડલ ન થઇ તેના માટે તો વિજય નહેરાને રાજ્યના સૌથી મોટા મહાનગરમાંથી સીધા ગામડાની ચિંતા કરવા મોકલી દેવાયા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં રાજ્ય સરકાર જે કાંઇ નિર્ણયો કે જાહેરાતો કરે છે તેની સામે પ્રશ્ન ઉભો થાય છે એટલું જ નહીં વારંવાર ખુલાસા પણ કરવા પડે છે. પહેલા ગુજરાત આત્મ નિર્ભર યોજના જાહેર થઇ તો તેમાં ખુદ સરકારે ખુલાસો કરવો પડયો કે આ યોજનામાં સરકારની ભૂમિકા ફક્ત વ્યાજ સબસિડી પૂરતી જ છે બાકી બેન્ક જાણે અને અરજદાર જાણે,લોન આપવી કે નહીં, કેટલી આપવી, ક્યારે આપવી, કઇ રીતે આપવી તે બધું બેંક નક્કી કરશે. અગાઉ મુખ્યમંત્રીએ ફક્ત અરજી જ કરવાની છે, કોઇ કાગળ આપવાના નથી તેવી જાહેરાત કરી હતી પણ બેન્કો તેનાથી વિરુધ્ધ નિયમો બનાવી રહી છે. વાસ્તવમાં સરકારનો ઇરાદો સારો હતો તો પણ હવે આ યોજનાના અમલ અંગે પ્રશ્ન છે.
ખુદ ભાજપના સહકારી અગ્રણી જયંતિભાઈ ઢોલનો જે કહેવાતો વીડિયો વાઈરલ થયો છે તેમાં પણ જે રીતે યોજના અંગે શબ્દો ઉચ્ચારાણા તેનાથી ભાજપના સહકારી આગેવાનો શું વિચારે છે તે બહાર આવી ગયું છે. આ વિવાદ પુરો નથી થયો ત્યાં જ હવે માસ્કનો વિવાદ ચાલુ થયો છે. રાજ્યમાં ત્રણ મહિનાથી કોરોના ચાલુ છે. હવે રાજ્ય સરકારે સસ્તા માસ્કની યોજના અમલમાં મુકી તો અગાઉ શા માટે આ વિચાર ન કર્યો તે પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. હવે છેલ્લે કોરોના વોરિયર સેલ્ફીએ આઈડીયા ઓકે હોય તો પણ કોરોના સામેની લડાઈની ગંભીરતા થાળી વગાડવાથી લઇ સેલ્ફી લેવા જેવા કાર્યક્રમોથી ઓછી થાય છે તેવી છાપ પણ છે.


Related News

Loading...
Advertisement