રાજકોટ: કલેકટર ઓફિસના ઉચ્ચ અધિકારીના મામલતદાર પુત્રીને કોરોના પોઝિટિવ : અમદાવાદથી પરત આવ્યા હતા

25 May 2020 11:18 AM
Ahmedabad Gujarat Rajkot
  • રાજકોટ: કલેકટર ઓફિસના ઉચ્ચ અધિકારીના મામલતદાર પુત્રીને કોરોના પોઝિટિવ : અમદાવાદથી પરત આવ્યા હતા

૨૭ વર્ષીય જાનકી પટેલ હાલ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેઓ અમદાવાદમાં મામલતદાર છે: અમદાવાદમાં શ્રમિકોને ‘વતન વાપસી’ કાર્યવાહીમાં ફરજ પર હતા: શનિવારે તાવ આવ્યો હતો, અમદાવાદથી રાજકોટ આવતા સીધા જ હોસ્પીટલમાં પહોંચી ગયા: પતિનો રીપોર્ટ નેગેટીવ

રાજકોટ તા.25
રાજકોટમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે.રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં ડાયરેકટર (અધિક કલેકટર) જે.કે.પટેલની મામલતદાર પુત્રી જાનકી પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સનસનાટી મચી છે. જોકે જાનકી પટેલ અમદાવાદમાં મામલતદાર છે શ્રમિકોને વતન વાપસીની કાર્યવાહીમાં ફરજ સોંપવામાં આવી હતી અને તે દરમ્યાન ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં આજે લેવાયેલા કુલ સેમ્પલમાંથી બેના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા તેમાં એક રાજકોટ અને એક જસદણનાં જંગવડનો કેસ હતો. રાજકોટના કેસને લાગે વળગે છે ત્યાં સુધી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર જે.કે.પટેલની પુત્રી જાનકી પટેલને કોરોના પોઝીટીવ આવ્યો છે. જાનકી પટેલ અમદાવાદનાં અસારવાનાં મામલતદાર છે અને શ્રમિકોને વતન વાપસીની કાર્યવાહીની ફરજ પર હતા. 27 વર્ષિય જાનકી પટેલને શનિવારે તાવના લક્ષણો માલુમ પડયા હતા.

ગઈકાલે અમદાવાદથી રાજકોટ આવ્યા હતા રાજકોટ આવતા વેત જ સીધા ક્રાઈસ્ટ હોસ્પીટલમાં દાખલ થઈને કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જે આજે પોઝીટીવ આવ્યો હતો. મહત્વની વાત એ છે કે તેમના પતિનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યુ છે કે જાનકી પટેલ અમદાવાદથી નીકળ્યા ત્યારે જ કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાના કારણે, પિતાના ઘેર આવવાના બદલે સીધા જ હોસ્પીટલે પહોંચી ગયા હતા એટલે અન્ય કોઈને રાજકોટમાં ચેપ લાગ્યાનું કે તેમની સાથે સંપર્કમાં આવ્યાનું માલુમ પડયુ નથી જોકે અમદાવાદમાં તેઓ અન્ય કોઈના સંપર્કમાં આવ્યા હતા કે કેમ તે વિશે અમદાવાદ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે.રાજકોટમાં નવો કેસ આવવાને પગલે આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે.


Related News

Loading...
Advertisement