22 ખરિફ જણસીના ટેકાના ભાવ વધારવા દરખાસ્ત: મગફળીમાં 185; કપાસમાં 260 વધવાની શકયતા

25 May 2020 10:51 AM
Ahmedabad Gujarat
  • 22 ખરિફ જણસીના ટેકાના ભાવ વધારવા દરખાસ્ત: મગફળીમાં 185; કપાસમાં 260 વધવાની શકયતા

કેન્દ્રીય કૃષિ કમિશન દ્વારા સરકારને ભલામણ કરાય: આખરી નિર્ણય કેબિનેટ લેશે: વિવિધ ખરીફ પાકોમાં કિવન્ટલે રૂા.50થી 755 સુધીનો વધારો થવાની ધારણાં

અમદાવાદ તા.24
ખરીફ પાકોની સિઝન નજીક આવી રહી છે અને ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ અને પ્રાઈઝ (સીએસીપી-કૃષિ કમિશને) કેન્દ્ર સરકારને આગામી ખરીફ સીઝનમાં મુખ્ય 22 પાકોનાં ટેકાનાં ભાવમાં પણ 13 ટકા સુધીનો વધારો કરવાની ભલામણ કરી છે. કમિશનની દરખાસ્ત ઉપર કેન્દ્રીય કેબીનેટ કમીટીમાં ચર્ચા થશે અને તેને આખરી ઓપ આપવામાં આવશે.

દેશમાં કોરોના મહામારીનાં સંકટ વચ્ચે ખેત પેદાશોની માંગમાં મોટો ઘટાડો થયો છે અને ખેડૂતો પણ પોતાની કિંમતી જણસ સમયસર વેચાણ કરી શકયા નથી ત્યારે ટેકાના ભાવમાં સમયસર વધારો કરીને ખેડૂતોને આડકતરી રીતે સરકાર મદદ કરે તેવી સંભાવના છે.

કમિશન દ્વારા આ વર્ષે મુખ્ય 22 ખેત પાકોનાં ટેકાનાં ભાવમાં પ્રતિ કિવન્ટલ રૂા.53થી લઈને રૂા.755 સુધીનો વધારો કરવાની દરખાસ્ત કરી છે. જેમાં સૌથી વધુ વધારો અળસીનાં ટેકાનાં ભાવમાં રૂા.755નો કરવામાં આવશે. જયારે સૌથી ઓછો વધારો ડાંગરનાં ભાવમાં રૂા.53નો કરવામાં આવશે. દેશમાં ડાંગરનું છેલ્લા બે-ત્રણ વર્ષથી વિક્રમી ઉત્પાદન થઈ રહ્યું હોવાથી સરકાર ખેડૂતોને બીજા પાક તરફ વાળવા ઈચ્છી રહી છે.

ગુજરાતનાં મુખ્ય ખરીફ પાક કપાસ અને મગફળીની વાત કરીએ તો કપાસના ટેકાનાં ભાવમાં કિવન્ટલે રૂા.260થી 275નો વધારો કરવામાં આવશે, જયારે મગફળીનાં ટેકાના ભાવમાં રૂા.185નો વધારો કરવામાં આવશે. કઠોળ પાકોમાં પણ આયાત નિર્ભરતા ઘટાડવા સરકાર રૂા.150થી300નો વધારો કરશે.


Related News

Loading...
Advertisement