ડોકટરો સુપર સ્પ્રેડર્સ બની શકે છે: હાઈકોર્ટને પત્ર લખતા સિવિલના તબીબ

25 May 2020 10:32 AM
Ahmedabad Gujarat
  • ડોકટરો સુપર સ્પ્રેડર્સ બની શકે છે: હાઈકોર્ટને પત્ર લખતા સિવિલના તબીબ

નોન-કોવિડ હોસ્પિટલમાં માસ્ક, પીપીઈ કિટ આપવામાં આવતી નથી સહિતની ફરિયાદો

અમદાવાદ તા.25
1200 પથારીની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા રેસીડેન્ટ ડોકટરોની ખરાબ હાલતનો મુદો ફરી ઉભો થયો છે, અને ગુજરાત હાઈકોર્ટે તેની નોંધ લીધી છે.

એક રેસીડેન્ટ ડોકટરે અજ્ઞાત રહી ગત સપ્તાહે હાઈકોર્ટને પત્ર લખી કામકાજ અને વ્યક્તિ સુરક્ષાની ખરાબ હાલત સામે ફરિયાદ કરી જણાવ્યું હતું કે, જો તે કોરોના વાયરસ માટે વધુ ટેસ્ટીંગની ફરિયાદ કરે તો તેમને ડરપોક અને કામચોર કહેવામાં આવે છે. આ ડોકટરે ભય વ્યક્ત કર્યો છે કે તે નોન-કોવિડ હોસ્પિટલ ખાતે કામ કરી રહ્યા હોય તે સુપર સ્પ્રેડર બની શકે છે.

પત્રમાં આ ડોકટરે જણાવ્યું હતું કે, 1200 બેડની હોસ્પિટલ 60 દર્દીઓ વહેંચવામાં આવ્યા છે. આ દર્દીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે, પણ એકબીજાથી નહીં. પત્રમાં જણાવાયું છે કે, શકય છે કે કોવિડ 19ના કેસમાં દરેક દર્દીમાં વાયરલ લોડ જુદો હોય, તેથી તેમના વચ્ચે પાર્ટીશન બનાવવામાં ન આવે તો એકબીજાના વાયરલ લોડ સામસામા સંસર્ગમાં આવતા તે કયારેય સાજા નહીં થાય. એક બોર્ડમાં 60માંથી માત્ર 34 10-12 દિવસની ટ્રીટમેન્ટ પછી રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. બાકીના હજુ પણ કોવિડ 19 પોઝીટીવ છે, કેમકે તે એકબીજાથી આઈસોલેટ નથી થયા.

આ ડોકટરે જણાવ્યું હતું કે અમને પીપીઈ કિટ કે એન-95 માસ્ક આપવામાં આવ્યા નથી. નોર્મલ ડિલીવરી કરવા અમને યોગ્ય ગ્લોવ્સ પણ આપવામાં આવ્યા નથી. નોન-કોવિડ કરતાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવવી વધુ સારી છે, કેમકે ત્યાં તમને પીપીઈ કિટ આપવામાં આવે છે.

અન્ય કેટલાક રેસીડેન્ટસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા પછી તેમના ટેસ્ટ કરાવવાની માંગણી કરતા પત્રમાં જણાવાયું છે કે, તમામ રેસીડેન્ટ ડોકટરોનો ટેસ્ટ કરાવી તેમના કોન્ટેકટ ટ્રેસ કરવા જોઈએ. એના બદલે તેમણે અમારી ટીકા કરી ચેતવણી આપી હતી કે તેમની કોન્ટેકટ હિસ્ટ્રી હશે તો પણ ટેસ્ટ નહીં કરાય.


Related News

Loading...
Advertisement