ચમત્કાર! ધર્મેન્દ્ર રોડની દુકાનના નંબર રાતોરાત બદલાઇ ગયા

23 May 2020 05:06 PM
Rajkot
  • ચમત્કાર! ધર્મેન્દ્ર રોડની દુકાનના નંબર રાતોરાત બદલાઇ ગયા
  • ચમત્કાર! ધર્મેન્દ્ર રોડની દુકાનના નંબર રાતોરાત બદલાઇ ગયા

1ના સ્થાને 2 અને 2ની જગ્યાએ 1 નંબરના સ્ટીકર લાગી ગયા : કોર્પોરેશન નંબર બદલાવી ગયાનું કથન પણ વિવાદ વચ્ચે બંને દુકાનો ખુલ્લી

રાજકોટ તા.23
લોકડાઉન 4.0માં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. શહેરમાં દુકાનો અને વેપાર ધંધા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે મનપા દ્વારા ઓડ-ઇવનની શરતો મુજબ દુકાન ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાં પણ તમામ દુકાનોમાં એકડા-બગડાના સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ કોર્પોરેશનની મોટી ભુલ સામે આવી છે.

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલ બે દુકાનોના નંબર રાતો રાત બદલાઇ ગયા, ધર્મેન્દ્ર રોડ પર આવેલ રોયલ સૂઝ નામની દુકાનમાં નંબર 1 હતો અને તેની બાજુની દુકાન જીન્સ કલબનો 2 નંબર હતો. પરંતુ રાતો રાત નંબર બદલાય જતાં રોયલ સૂઝ નંબર-2 થઇ ગયો અને જીન્સ કલબનો 1 નંબર થઇ ગયો છે. હાલ આ ભૂલને કારણે મોટો વિવાદ સર્જાયો હતો.

રોયલ સૂઝના માલિક વિનેશભાઇ મોટવાણીએ જણાવ્યું કે ગઇકાલનો નંબર 2 હોવાથી દુકાન બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજે દુકાન આવ્યા ત્યારે 2 નંબર જોતા આશ્ચર્ય થયું. તા.20ના કોર્પોરેશન દ્વારા સ્ટીકર મારવામાં આવ્યા હતા. વિનેશભાઇ પાસે તે દિવસનો 1 નંબરનો ફોટો પણ પુરાવા રૂપે છે. આ ભૂલ સર્જાતા વિનેશભાઇએ ફોન દ્વારા ફરિયાદ કરી પરંતુ કોઇએ ફોન ન ઉપાડતા તેઓ રૂબરૂ કોર્પોરેશને ગયા હતા. આજે શનિવાર હોવાને કારણે કોર્પોરેશનનું કામ બંધ હતું.

વિનેશભાઇએ વધુમાં જણાવ્યું કે તેમની બાજુની દુકાન એટલે કે જીન્સ કલબના માલિકે કહ્યું કે આ ભૂલ પાછળ કોર્પોરેશન જવાબદાર છે. આ સ્ટીકર કોર્પોરેશને જ બદલાવ્યું છે. આજે બેય દુકાન વિવાદને કારણે ખુલી રહી. કોર્પોરેશનની ભૂલને કારણે આજે વેપારીઓએ હેરાન થવુ પડયું હતું.


Related News

Loading...
Advertisement