જાણીતા જયોતિષ બેજાન દારુવાલાને કોરોના પોઝીટીવ: અત્યંત ગંભીર

23 May 2020 04:10 PM
India
  • જાણીતા જયોતિષ બેજાન દારુવાલાને કોરોના પોઝીટીવ: અત્યંત ગંભીર

નસ્તૂર દારુવાલાની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીતમાં માહિતી આપી: દેશ-વિદેશમાં ગણેશજીના ઉપાસક અને પ્રખર ભવિષ્યવેતા તરીકે જાણીતા બનેલા પારસી કુટુંબના બેજાન દારુવાલા અમદાવાદની અપોલો હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ: તબીબો તમામ પ્રયાસો કરે છે :છાતીમાં ઈન્ફેકશનની ફરિયાદ બાદ સઘન સારવારમાં: પુત્ર નસ્તૂર દારુવાલા સહિતનું કુટુંબ અમદાવાદની હોટેલમાં કવોરન્ટાઈન

રાજકોટ તા.23
દેશ અને વિદેશમાં નામાંકીત જયોતિષી તરીકે લોકચાહના મેળવનાર અને ભગવાન ગણેશજીના પ્રખર ઉપાસક બેજાન દારુવાલાનું સ્વાસ્થ્ય અત્યંત કટોકટીભર્યું હોવાનું જાણવા મળે છે અને તેઓ કોરોના પોઝીટીવ છે. અમદાવાદની અપોલો હોસ્પીટલમાં તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

બીજી તરફ બેજાન દારુવાલાના પુત્ર નસ્તૂર દારુવાલા અને તેમનું કુટુંબ પણ હાલ અમદાવાદની એક હોટેલમાં કવોરન્ટાઈન થઈ ગયું છે. શ્રી બેજાન દારુવાલાને ફેફસામાં ભારે ઈન્સ્પેકશન હોવાનું પ્રાથમીક તારણ આવ્યું છે. અપોલો હોસ્પીટલમાં તેઓને આઈસીયુમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેમના પુત્ર નસ્તૂર દારુવાલાએ આજે સાંજ સમાચાર સાથેની એક ખાસ વાતચીતમાં આ માહિતી આપતા જણાવ્યું કે અમો સમગ્ર કુટુંબ ગણેશજી સમક્ષ પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમોને પણ કવોરન્ટાઈન થવાની ફરજ પડી છે અને અપોલો હોસ્પીટલ દ્વારા પિતાના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓને શ્વાસની તકલીફ હતી અને કોરોનાના પ્રાથમીક લક્ષણો જણાતા તુર્ત અપોલો હોસ્પીટલમાં દાખલ કરાયા હતા જયાં તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઈ રહ્યું છે. તબીબો તેમના માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને અમો પણ અત્યંત ચિંતાગ્રસ્ત છીએ. શ્રી નસ્તૂર દારુવાલાએ કહ્યું કે અમારે પણ કવોરન્ટાઈન થવાની જરૂર પડી છે અને તેથી હોસ્પીટલ સતાવાળાઓ સાથે દૂરથી જ સંપર્કમાં છીએ. શ્રી દારુવાલાના સ્વાસ્થ્ય અંગે અમદાવાદની અપોલો હોસ્પીટલે હજુ કોઈ બુલેટીન બહાર પાડયું નથી.

1931માં મુંબઈમાં જન્મેલા પારસી ફેમીલીના શ્રી બેજાન દારુવાલા ભગવાન ગણેશની પ્રખર ઉપાસનાથી એક જાણીતા જયોતિષી તરીકે નામના મેળવી છે. તેઓ વ્યક્તિના ચહેરા અને તેમના શરીરના તરંગના આધારે ભવિષ્ય ભાખવામાં અત્યંત સફળ રહ્યા છે. તેઓના ચાહકોમાં હિંદી ફિલ્મ જગતના અનેક જાણીતા ચહેરા, સામાજીક, ઔદ્યોગીક અને રાજકીય ક્ષેત્રના લોકો પણ છે અને દેશ-વિદેશમાં પણ તેઓની જબરીખ્યાતી છે.

તેઓ અનેક અંગ્રેજી અને ગુજરાતી સહિતના અખબારોમાં નિયમિત રીતે જયોતિષ-ભવિષ્ય અંગેની કલમ લખતા રહ્યા છે અને તેઓ થોડા દિવસ પહેલા જ સક્રીય હતા. પોતાના હસમુખા સ્વભાવ અને રંગીન કપડા પહેરવાથી પણ તેઓ જાણીતા બન્યા છે. અમદાવાદના શાહીબાગમાં તેઓ તેમના પુત્ર સાથે રહે છે.


Related News

Loading...
Advertisement