સૌરાષ્ટ્રમાં વધુ 15 પોઝીટીવ: જુનાગઢમાં એક સાથે 6 કેસથી ફફડાટ

23 May 2020 03:11 PM
Junagadh Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં વધુ 15 પોઝીટીવ: જુનાગઢમાં એક સાથે 6 કેસથી ફફડાટ

અન્ય રાજયોમાંથી સૌરાષ્ટ્રવાસીઓની વતન વાપસીને પગલે કોરોના વાયરસે પાંખો ફેલાવી: છેલ્લા 18 કલાકમાં સુરેન્દ્રનગર-2, રાજકોટ-4, મોરબી-1, જુનાગઢ 6 અને અમરેલી-2 પોઝીટીવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ: વિસાવદરનાં બરડીયા ગામે એક જ કુટુંબનાં પાંચ સભ્યો પોઝીટીવ આવતા કલેકટર, ડીડીઓ આરોગ્ય વિભાગની ગાડીઓ દોડી: અમદાવાદ પરિવારને તેડવા ગયેલા કેશોદનાં બેંક મેનેજરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો: સાવરકુંડલાનાં નાના ઝીંઝુડા ગામના મહિલાની ટ્રાવેલ હીસ્ટ્રી નીલ છતાં કોરોનાનો ચેપ લાગ્યો.

રાજકોટ તા.23
કોરોના વાયરસની મહામારીમાં અમલી બનેલા લોકડાઉનના સમય ગાળામાં હાલ લોકડાઉન 4 માં છૂટછાટ મળતા જનતામાં એક તરફ હાશકારો છે તો, બીજી તરફ કોરોના બિમારીની ચિંતા પેઠી છે દિવસે-દિવસે સૌરાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા 12 કલાકમાં પાંચ જીલ્લા મળી કુલ 15 પોઝીટીવ દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાની વિગતો બહાર આવી છે. અન્ય રાજયોમાંથી સૌરાષ્ટ્રવાસીઓ પરત ફરતાં તેમના સંક્રમણથી પણ કેસો વધી રહ્યા છે. અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર,રાજકોટ, મોરબી, જીલ્લામાં આજે કોરોનાં પોઝીટીવ દર્દીઓ નોંધાતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

રાજકોટનાં જંગલેશ્વરમાં ગત તા.18 ના રોજ 73 વર્ષનાં કોરોના સંક્રમીત થતા દાખલ કરાયા હતા. ગોસીયા મસ્જીદ પાસેથી ડઝન લોકોને સરકારી હોસ્ટેલમાં કવોરન્ટાઈન કરાયા હતા. જેમાં એક મહિલા અને પુરૂષને પણ લઈ જવાયા હતા તેમાંથી એક મહિલા એક પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો રાજકોટ જીલ્લાનાં જસદણ અને આટકોટમાં પર કોરોના પોઝીટીવની એન્ટ્રી થઈ છે.જેમાં જસદણમાં કોઠીના નાકા તરીકે ઓળખાતા વિસ્તારમાં શ્રીનાથજી ચોકમાં મંજુબેન કિશોરભાઈ પટેલ ઉ.વ.50 જે બે દિવસ પહેલાં જ મુંબઈથી આવ્યા હતા. તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મંજુલાબેનનાં પુત્રો, પતિ, કારના ડ્રાઈવરને સમરસ હોસ્ટેલ રાજકોટ ખાતે કવોરન્ટાઈન કરેલ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે વહેલી સવારે બે કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. વઢવાણ વિસ્તારમાં મહાવીરભાઈ ઘનશ્યામભાઈ સોલંકી ઉ.વ.19 અને લખતર તાલુકાનાં તાવી ગામનાં ધનાબેન સમીરભાઈ બુટીયા ઉ.વ.35 નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનાં 22 કેસો સામે આવ્યા છે.

મોરબી જીલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ સાથે વેપાર-ધંધા ખુલી ગયા છે. ત્યારે અન્ય રાજયોમાંથી લોકો મોરબી શહેર જીલ્લામાં આવી રહ્યા છે. મુંબઈથી ભત્રીજા વહુ સાથે મોરબી આવેલા સોમૈયા સોસાયટીનાં વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેને આઈસોલેશન વિભાગમાં સારવારમાં રખાયા છે તેમની ભત્રીજી વહુ સહીત કુલ 124 લોકોને કવોરન્ટાઈન કરાયા છે.

જુનાગઢ જીલ્લાના બરડીયા ગામે આજે એક જ કુટુંબનાં પાંચ સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વિસાવદર તાલુકાના બરડીયા ગામના વતની હાલ મુંબઈ દહિંસરથી વતન બરડીયા ગામે આવેલા પરિવારને હોમ કવોરન્ટાઈન કરેલ અને તેના સેમ્પલો ગત તા.17 ના રોજ લેવામાં આવ્યા હતા જેનાં રીપોર્ટમાં બે મહિલા બે પુરૂષો અને 12 વર્ષનાં તરૂણનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગામમાં ફફડાટ ફેલાયો છે.આરોગ્ય વિભાગ કલેકટર, ડીડીઓ, બરડીયા દોડી ગયા છે અને આ વિસ્તારને ક્ધટેનમેન્ટ કરવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત જુનાગઢ જીલ્લાનાં કેશોદ એસ.બી.આઈ બેંક શાખાનાં મેનેજર ગત તા.9મીએ પોતાની પત્નિ અને પુત્રને લેવા અમદાવાદ ગયા હતા અન તા.21 મીએ કેશોદ પરત ફર્યા હતા અને હોમ કવોરન્ટાઈન થયા હતા તેમનો સેમ્પલ લેતાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જુનાગઢ જીલ્લામાં કુલ 24 કેસો નોંધાયા છે. 4 ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

અમરેલી જીલ્લામાં પણ આજે વધુ બે પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમા સાવરકૂંડલાના નાના ઝીંઝુડા ગામના 45 વર્ષિય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમની ટ્રાવેલ હીસ્ટ્રી નથી છતા કોરોનાં લક્ષણો દેખાતા તેમને સીવીલ હોસ્પીટલ ખસેડી સેમ્પલ લેતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી તાલુકાનાં ચાડીયા 42 વર્ષિય પુરૂષ કે જે તા.20મીએ બાપુનગરથી અમરેલી આવ્યા હતા અને તેમને તાવ ઉધરસનાં લક્ષણો જણાતા તેમના સેમ્પલો લેવાતા રીપોર્ટ પોઝીટીવ આવતા અમરેલી જીલ્લામાં કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રભરનાં જીલ્લાઓમાં અન્ય રાજયોમાંથી સૌરાષ્ટ્રવાસીઓ વતનમાં પરત ફરતા તેમના સંક્રમણથી પણ સૌરા.માં કોરોના પોઝીટીવના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આમ છેલ્લા 12 કલાકમાં સૌરાષ્ટ્રમાં 15 પોઝીટીવ કેસોનો વધારો થયો છે.


Related News

Loading...
Advertisement