આત્મનિર્ભર લોન માટે સાત કોઠા વિંધવા પડશે

23 May 2020 12:15 PM
Ahmedabad Gujarat
  • આત્મનિર્ભર લોન માટે સાત કોઠા વિંધવા પડશે
  • આત્મનિર્ભર લોન માટે સાત કોઠા વિંધવા પડશે

માત્ર આધાર પર ગેરેન્ટર વિના લોન આપવાની સરકારની જાહેરાત ‘લોલીપોપ’ સમાન; લોનવાંચ્છુઓનો બળાપો;અનેક શરતો પુરી કરવાનું લગભગ અશકય:બેંકો બે મિલકત ધરાવતા જામીન સહીત જુદા જુદા 6 થી 10 દસ્તાવેજો માંગી રહી છે. રીક્ષાચાલક-ફેરિયાઓ પાસે પુરાવા કયાંથી હોય? જામીન કોણ પડે?

અમદાવાદ તા.23
કોરોના મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટમાંથી વેપાર ઉદ્યોગને બહાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મી મેના રોજ 20 લાખ કરોડના પેકેજની ઘોષણા કર્યા બાદ 14 મી મેના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનુસરણ કરીને નાના ધંધાર્થીઓ માટે એક લાખ સુધીની લોનમાં વ્યાજ સબસીડી આપતી આત્મનિર્ભર ગુજરાત લોન સહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ લોન મેળવવા માટે સાત કોઠા વિંધવા પડે તેવી હાલત સર્જાઈ છે. ફોર્મ વિતરણ શરૂ થવા સાથે જ નીતિ નિયમો વિશે ઉહાપોહ શરૂ થયો છે.

નીચલા મધ્યમ આવક જુથમાં આવતા લોકો તથા કુશળ કારીગરો, ફેરીયાઓ, નાના ધંધાર્થીઓ વગેરેને એક લાખ સુધીની લોનની આ યોજના મુખ્યમંત્રીએ ટવીટ પણ કરી હતી. અરજદારને કોઈપણ જાતની ગેરેંટી વિના લોન આપવાનું જાહેર કરાયું હોવા છતાં બેંકો દ્વારા જુદી જુદી શરતો લાગુ પાડવામાં આવી રહી હોવાથી બહુ ઓછા લોકોને તેનો લાભ મળી શકે તેમ હોવાનો ઘાટ સર્જાયો છે.

ઓટો રીક્ષા ડ્રાઈવર અમીત શર્માએ આત્મનિર્ભય યોજનાને લોલીપોપ ગણાવતા એવો બળાપો ઠાલવ્યો હતો કે ફોર્મમાં જ ઘણી શરતો દર્શાવવામાં આવી છે. બે જામીન આપવા પડશે અને તે બેંકના સભાસદ હોવા ઉપરાંત તેઓ પાસે માલીકીની મિલકત હોવી જોઈશે. મારા જેવા નાના માણસમાં જામીન કોણ પડશે? સરકારે સહાય કરવી જ હોય તો વ્યવહારૂ નિયમો હોવા જોઈએ.

કોરોનાથી કંગાળ બનેલા નાના ધંધાર્થીઓમાં એક લાખની લોન મળવાની જાહેરાતથી ઉત્સાહ ઉભો થયો હતો પરંતુ નીતિ નિયમોથી પાણીઢોળ થઈ ગયુ છે.
આત્મ નિર્ભર લોન સહાય યોજના જાહેર કરતી વખતે મુખ્યમંત્રીના સચીવ અશ્ર્વીનીકુમારે એવુ કહ્યું હતું કે ફોર્મ મફત હશે.સહકારી બેંકોની 2400 બ્રાંચ સહીત 9000 સ્થળોએથી ફોર્મ મળશે. 31 ઓગસ્ટ સુધીમાં ફોર્મ લઈને પાછા આપવાના થશે.સરકારનાં સતાવાર નિવેદનમાં એમ કહેવાયું છે કે 8 માંથી 6 ટકા વ્યાજ સરકાર ભોગવશે કોઈ ગેરેન્ટરની જરૂર નહિં હોય. ત્રણ વર્ષમાં લોનના નાણાં પરત ચુકવવા પડશે. પ્રથમ 6 મહિના હપ્તા ભરવામાંથી મુકિત મળશે.

સરળ લોન પ્રક્રિયાની જાહેરાત છેતરામણી હોવાનો લોન વાંચ્છુકો દાવો કરી રહ્યા છે. કારણ કે બેંકો દ્વારા ઈસ્યુ કરાયેલા ફોર્મમાં બે જામીનની અને તેની પાસે માલીકીની મિલકતો હોવાની શરત મુકવામાં આવી છે. પાનકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા, ધંધાનો પુરાવો, જામીનની માહીતી આપવી પડશે. તથા એડવાન્સ ચેક પણ આપવા પડશે.

લોન વાંચ્છુકો એવો બળાપો કાઢે છે કે લોક ડાઉનમાં ઘર ચલાવવા નાણાં ઉછીનાં લેવા પડયા હતા.ઉપરાંત નવેસરથી ધંધો કરવા માટે નાણાનો ઉપયોગ કરવાનું નકકી કર્યું હતું. પરંતુ આકરી શરતોને ધ્યાને લેતાં કેટલાંક લોકોને લોન મળી શકશે કે તે સવાલ છે આજ રીતે એક જ ઘરમાં રહેતા અને બે જુદા જુદા નાના ધંધા કરતા ભાઈઓ કે પરિવારમાંથી માત્ર એકને જ લોન આપવાની શરત રાખવામાં આવી છે.વાસ્તવમાં બે લોકોની આવક ભેગી કરીને ગુજરાન ચલાવાતું હોય છે.
નાના ધંધાર્થીઓના કહેવા મુજબ ફોર્મમાં 6 થી 10 પુરાવાઓ માંગવામાં આવી રહ્યા છે તે ભેગા કરવાનું શકય નથી.

સોફાસેટ બનાવતાં ઘનશ્યામ સોલંકીએ એવો આક્રોશ દર્શાવ્યો કે સરકારે માત્ર સાદી અરજી કરીને જ લોન મેળવવાની વાત કરી હતી.માત્ર આધારકાર્ડ અનિવાર્ય ગણાવ્યુ હતું. પરંતૂ બેંકોએ ઘણા બધા નિયમો ઉમેરી દીધા છે. આ નિયમોનું પાલન ઘણુ મુશ્કેલ છે.


Related News

Loading...
Advertisement