ગુજરાતમાં 363 નવા પોઝીટીવ સાથે 13000નો માર્ક પાર કરતો કોરોના: મૃત્યુઆંક પણ 800થી વધુ નોંધાયો

23 May 2020 11:42 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં 363 નવા પોઝીટીવ સાથે 13000નો માર્ક પાર કરતો કોરોના: મૃત્યુઆંક પણ 800થી વધુ નોંધાયો

અમદાવાદની કેન્સર હોસ્પીટલના ફેકલ્ટી સહિત 102 કોરોના પોઝીટીવ: અમદાવાદમાં એક દિવસ 225 નોંધાયા બાદ ફરી 275: 392 ડિસ્ચાર્જ: ટેસ્ટ વધતા પોઝીટીવ ધડાધડ જાહેર થવા લાગ્યા

રાજકોટ:
ગુજરાતમાં કોરોનાએ દૈનિક 300થી વધુ કેસની એક ગતિ પકડી લીધી હોય તેમ વધુ એક દિવસ ગઈકાલે રાજયમાં અમદાવાદમાં નવા 275 કેસ સાથે કુલ 363 પોઝીટીવ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસ 13273 થયા છે. જયારે વધુ 29 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 802 થયો છે. જયારે ગઈકાલે રાજયમાં વધુ 392 લોકો ડિસ્ચાર્જ થતા કુલ 5880 લોકો ડિસ્ચાર્જ થયા છે. આમ રાજયમાં કોરોના અને તબીબી જગત એક બીજા પર સ્કારે કરવા મથે છે પણ કોઈ સરસાઈ સ્થાયી શકયા નથી.

રાજયના આરોગ્ય સચિવ જયંતિ નટરાજને સ્વીકાર્યુ કે વેન્ટીલેયર પરના દર્દીઓની સંખ્યા વધીને 63 થઈ છે તેઓએ ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 44.3% હોવાનો દાવો કરતા વધતા પોઝીટીવ કેસ માટે છેલ્લા 24 કલાકમાં થયેલા 6410 ટેસ્ટને પણ જવાબદાર ગણાવ્યા હતા. આમ અમદાવાદ અને અન્ય હોટસ્પોટમાં ઘણા કોરોના પોઝીટીવ ધરબાયેલા હોવાનું પણ આડકતરી રીતે સ્વીકારી લેવાયુ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1.72 લાખ કોરોના ટેસ્ટ થયા છે અને 13273 પોઝીટીવ જાહેર થયા છે. અમદાવાદમાં ગુરુવારે 225 કેસ નોંધાયા બાદ ફરી એક વખત કાલે 275 કેસ નોંધાતા આ મેગા સીટીમાં કોરોના પર અંકુશનો આનંદ કે હાશકારો ક્ષણજીવી રહ્યો છે તો સુરત (29), વડોદરા (21) અને સાબરકાંઠામાં (11) ડબલ ડીજીટમાં નવા કેસ નોંધાયા છે.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ, ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટમાં તબીબો સહીત 102 લોકો કોરોના સંક્રમીત થયા હોવાનું જાહેર થતા જબરો આંચકો લાગ્યો. 500 બેડની આ સરકારી કેન્સર ઈન્સ્ટીટયુટમાં રાજયભરમાંથી કેન્સરની સારવાર માટે દર્દીઓ આવે છે. અહી રોજ 50-60 દર્દીઓની સારવાર લોકડાઉન સમયે પણ થઈ હતી. હવે દર્દીઓના ઓપરેશન કે અન્ય સંપર્કથી તબીબી સ્ટાફમાં કોઈ કોરોનાગ્રસ્ત બન્યા હોય અને આ સંક્રમણ આગળ વધ્યુ હોય તેમ છતાં એલર્ટ ન થયું તે પ્રશ્ન છે.

કેન્સર વિશ્વના તમામ ડિપાર્ટમેન્ટ, રેડીયોલોજી, એનેસ્થેસીયા, ઓન્કોલોજી, પેથોલોજી, સર્જીકલ, મેડીકલ ટેકનીશ્યન અને વહીવટી વિભાગમાં કામ કરતા સ્ટાફને પોઝીટીવ જાહેર થયા છે. જયાં 11 તો ફેકલ્ટી નિષ્ણાંત તબીબો છે.

ગુજરાતમાં રીકવરી રેટ-140% વધ્યો: દેશના કુલ કોરોના મોતમાં ગુજરાતના 22%
કોરોના અને તબીબી આલમ વચ્ચે જંગ ચાલે છે
ગુજરાતમાં કોરોના પોઝીટીવના સતત વધતા જતા કેસમાં છેલ્લા 24 કલાકમાં એકલા અમદાવાદમાં 25 મૃત્યુ થયા. હવે અમદાવાદમાં કોરોના- મહામારીમાં મુકાબલો કરવા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત થયેલા એડી. ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાના જણાવ્યા મુજબ તા.5 મેના રોજ અમદાવાદ શહેરનો રીકવરી રેટ 15.85% હતો જે સમયે ગુજરાતનો 22.11% અને દેશનો 28.62% હતો પણ તેમના સમયમાં જે બહુપાંખીયો વ્યુહ અપનાવાયો તેના કારણે અમદાવાદમાં રીકવરી રેટ 140% વધી શકયો છે અને તા.21 મેની સ્થિતિમાં અમદાવાદનો રીકવરી રેટ 38.1% ગુજરાતનો 42.15% અને ભારતનો 41.06% છે.

જો કે ગુપ્તા એ એ વાતનો જવાબ ન આપ્યો પણ અમદાવાદ મ્યુ. અધિકારીઓ સ્વીકારે છે કે દર્દીને ડિસ્ચાર્જ કરવાથી જે નવી નીતિ આઈસીએમઆરએ અપનાવી છે તેના કારણે પણ રીકવરી રેટ- દેશભરમાં ઉંચો ગયો છે. પણ ગુજરાતમાં ડેથ રેટ દેશમાં ઉંચો છે. દેશના કુલ 11% કેસ ગુજરાતમાં પણ મૃત્યુના રાષ્ટ્રીય આંકમાં 22% ફાળો ગુજરાતનો છે.

કેન્સર હોસ્પીટલના સ્ટાફે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવાનું મુનાસીબ માન્યું
તંત્ર પાસે ટેસ્ટની માંગ કરનારને ‘બીકણ’ કહેવાયા: ખુદ તબીબી આલમ જ ચિંતામાં
ગુજરાતમાં સરકારી હોસ્પીટલમાં કોરોનાના સતત વધી રહેલા કેસ છતાં આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ ટેસ્ટ નહી કરતા અહીના તબીબી અને પેરા મેડીકલ સ્ટાફમાં આક્રોશ છે અને અનેક તબીબો તથા અન્ય સ્ટાફે હવે ખુદના ખર્ચ ખાનગી લેબમાં પોતાનો ટેસ્ટ કરાવીને ખુદની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

હોસ્પીટલના સૂત્રોના જણાવ્યા મુજબ એક તબીબે ખુદનો ટેસ્ટ કરવાનો આગ્રહ રાખતા તેને ‘બીકણ’ કહેવામાં આવ્યો હતો. તેજ તબીબ બાદમાં કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને ગઈકાલે એક જ દિવસમાં 19 લોકો પોઝીટીવ જાહેર થતા સ્ટાફે મેનેજમેન્ટ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. વાસ્તવમાં અહીની કુલ 1200 બેડની સરકારી હોસ્પીટલ છે જેમાં કેન્સર હોસ્પિટલ એક ભાગ છે. તેથી અમદાવાદની હોસ્પીટલના કોરોનાનું સંક્રમણ મહત્વનું છે. ઉપરાંત અહી 17 લોકો રેડઝોનમાંથી ફરજ બજાવવા આવતા હતા. કેન્સર હોસ્પીટલમાં પણ દર્દીઓની તાકીદની સારવાર તેઓએ ચાલુ રાખી હતી. તેઓ ખુદ પોઝીટીવ હોવાની જાણ ન હતી અને તેમના નિવાસે જતા હતા.


Related News

Loading...
Advertisement