લોકશાહી નહી હિટલર શાહી તરફ પૂરપાટ ઝડપે આગળ વધી રહેલુ ગુજરાત : મનોજ રાઠોડ

22 May 2020 05:30 PM
Rajkot
  • લોકશાહી નહી હિટલર શાહી તરફ પૂરપાટ ઝડપે આગળ વધી રહેલુ ગુજરાત : મનોજ રાઠોડ

ખેડૂત નેતા પાલ આંબલીયાની થયેલી હાલત વિપક્ષ માટે લાલબતી સમાન, સામાન્ય માણસે તો વિરોધ કરવાનું જ ભૂલી જવુ પડશે

રાજકોટ તા.22
શું લોકશાહીમાં તંત્રને ઢંઢોળવાની સજા પોલીસની લાઠી મળે ? જો હા, તો તે લોકશાહી નહીં પરંતુ હિટલરશાહી ગણાશે અને ગુજરાત તે તરફ ધીમે-ધીમે નહીં પરંતુ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. આ વાતનો જીવતો-જાગતો પૂરાવો ખેડૂત નેતા પાલ આંબલીયાને વિરોધ કરવાની સજારૂપે મળેલા પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરિંગ પરથી મળી જાય છે તેવો રોષ પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે વ્યક્ત કર્યો હતો. તેમણે ખેડૂતોને પણ હાંકલ કરી હતી કે પાલ આંબલીયા ખેડૂતો માટે લડત આપી રહ્યા હોવાથી તેમની વ્હારે આવી એક થઈને સરકારની હિટલરશાહીનો ક્યારેય ન ભુલાય એવો જવાબ આપવો જોઈએ.
મનોજ રાઠોડે જણાવ્યું હતું કે ખેડૂતોનો અવાજ બનીને તંત્રને અરીસો બતાવવા ગયેલા નેતા પાલ આંબલીયાની થયેલી હાલત વિપક્ષ માટે જ નહીં પરંતુ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે કેમ કે આ ઘટનાથી એક વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે રાજ્યમાં સત્તાના સિંહાસન પર બેઠેલી સરકારને વિરોધ નહીં બલ્કે તેની વાહવાહી જ પસંદ છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને ડુંગળી, એરંડા અને કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ તેના પોષણક્ષમ તો ઠીક પરંતુ મુળગા ભાવ પણ ઉપજે તેવું નહીં લાગતાં પાલ આંબલીયા સહિતના ખેડૂતો આ જણસનું દાન વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવા આવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે ધરપકડ કર્યા બાદ તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા પરંતુ સાંજે તેમને ફરી પાછા ફિંગરપ્રિન્ટના નામે પોલીસ સ્ટેશને બોલાવી તેમની ધરપકડ કરી લીધી હતી. આ પછી પોલીસે પણ સરકારની કઠપૂતળી બની જઈને પાલ આંબલીયાને લીમડે બાંધી ઢોર માર માર્યો હતો. અહીં સવાલ એટલો જ છે કે જો કોઈ વ્યક્તિ દાન કરવા માગે તો શું તેને આ રીતે માર મારવાનો ? શું સરકારમાં વિરોધ સહન કરવાની શક્તિ જ નથી રહી ? જો આ રીતે જ રહેશે તો આગામી સમયમાં સરકારનો વિરોધ કરવાની કોઈ વ્યક્તિ હિંમત નહીં કરે અને સરકાર હિટલરની જેમ વર્તન કરી પ્રજાને રંજાડશે.


Loading...
Advertisement