ખોખડદળ નદીના પુલ નજીક હરીઓમ પાર્કમાં કાકા-ભત્રીજાને ધોકા વડે માર માર્યો

22 May 2020 05:22 PM
Rajkot Saurashtra
  • ખોખડદળ નદીના પુલ નજીક હરીઓમ પાર્કમાં કાકા-ભત્રીજાને ધોકા વડે માર માર્યો

મકાન ખાલી કરી જતા રહેવાનું કહી પાડોશી શખ્સો ધોકા-પાઇપ વડે તૂટી પડયા

રાજકોટ તા.22
ખોખડદળ નદીના પુલ પાસે હરી ઓમ સોસાયટીમાં રહેતા બાવાજી કાકા-ભત્રીજાને મકાન ખાલી કરવાનું કહી પાડોશીએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. ઘવાયેલા ત્રણેયને અત્રેની સિવિલમાં ખસેડાયા છે. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ખોખડદળ નદીમાં પુલ પાસે હરીઓમ પાર્ક-2માં રહેતા મહેન્દ્રપરી પરસોતમપરી ગૌસ્વામી (બાવાજી) (ઉ.વ.38) અને તેમના ભત્રીજા ઉત્સવપરી યોગેશપરી ગૌસ્વામી (ઉ.વ.18) અને ઉમંગપરી (ઉ.વ.20) તેમના ઘરે હતા ત્યારે પાડોશીમાં રહેતા કનુ કાઠી, જયરાજ કાઠી અને કુલદીપ કાઠીએ ધોકા પાઇપ વડે માર મારતાં અત્રેની સિવિલમાં ખસેડાયા છે.

આરોપીઓ અવાર-નવાર ઘર ખાલી કરી જતાં રહેવાની ધમકી આપી ઘર પાસે ગાળો બોલે છે. તેને આમ ન કરવાનું કહેતાં ગઇકાલે આરોપીએ ઘરમાં ઘૂસી મારામારી કરી હતી. આઠ દિવસ પૂર્વે પણ મારામારી કરી હતી. ઉત્સવપરી ધો.10 સુધી અભ્યાસ કરેલો છે. ઉમંગપરી કોલેજમાં અભ્યાસ કરે છે અને મહેન્દ્રપરી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મામલે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement