દ્વારકાનાં મૂળવાસર ગામે યુવાનની કરપીણ હત્યા

22 May 2020 05:20 PM
Jamnagar
  • દ્વારકાનાં મૂળવાસર ગામે યુવાનની કરપીણ હત્યા

જૂના મનદુ:ખ પ્રશ્ને 4 શખ્સો હથિયારોથી તૂટી પડયા: હૂમલામાં ત્રણને ઇજા : પોલીસ તપાસનો ધમધમાટ

જામખંભાળીયા તા.22
દેવભૂમિ દ્વારકા તાલુકામાં ગત્ મોડી સાંજે છોકરી બાબતે તકરારનું મનદુખ રાખી એક પરિવાર ઉપર ચાર શખ્સો છરી તથા લોખંડના પાઈપ વડે તૂટી પડયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે ચાર શખ્સો સામે મનુષ્યવધની કલમ સહિતનો ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર ઘટનાની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા થી આશરે સતર કિલોમીટર દૂર આવેલા મુળવાસર ગામે રહેતા દેવલબેન વેજાભા લખુભા માણેક નામના 36 વર્ષના હિન્દુ વાઘેર મહિલા ગઈકાલે ગુરૂવારે મોડી સાંજે તેમના ઘરે અન્ય પરિવારજનો સાસુ સુંદરબેન લખુભા માણેક તથા સસરા લખુભા માણેક તેમજ ભાણેજ દિનેશભા નાગશીભા સુમણીયા (ઉ. વ. 20) વિગેરે તેમના ઘરે હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા કરશનભા જેસાભા ભઠ્ઠડ, અર્જુનભા કરશનભા ભઠ્ઠડ, વેજાભા ખેંગારભા ભઠ્ઠડ, તથા કાયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સો એકાએક ધસી આવ્યા હતા. છરી, લોખંડના પાઈપ, તથા લાકડી જેવા ઘાતક હથિયારો સાથે આવેલા આ શખ્સોએ આ સ્થળે રહેલા દીનેશભા નાગશીભા સુમણીયા સાથે આજથી આશરે બે માસ પૂર્વે થયેલી છોકરી બાબતની તકરારનો ખાર રાખી, તેમના ઉપર તૂટી પડ્યા હતા. આરોપી શખ્સોએ દિનેશભાના કપાળના ભાગે, તથા છાતીના ભાગે અને પેટના ભાગે છરીના બેફામ ઘા ઝીંકી દેતા તેમના આંતરડા બહાર આવી ગયા હતા.

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા દીનેશભા (ઉ. વ. 20) નું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના ઘરના અન્ય સભ્યો ઉપર પણ આરોપીઓએ હુમલો કરતા દેવલબેન માણેક, સાસુ સુંદરબેન તથા સસરા લખુભાને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે દેવલબેન માણેક (ઉ. વ. 37) ની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 302, 325, 324, 449, 114 તથા જી.પી. એક્ટ ની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પી. એસ. આઈ. વી. વાગડિયાએ હાથ ધરી છે. નિર્મમ હત્યાના આ બનાવે નાના એવા મુળવાસર ગામમાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરાવી છે.


Loading...
Advertisement