કોઠારીયા રોડ ઉપર બાવાજી યુવાનના ગુન્હામાં આરોપીનો જામીન પર છૂટકારો

22 May 2020 05:15 PM
Rajkot Saurashtra
  • કોઠારીયા રોડ ઉપર બાવાજી યુવાનના ગુન્હામાં આરોપીનો જામીન પર છૂટકારો

રાજકોટ તા.22
રાજકોટમાં રહેતા સુરેશ નારણભાઇ ગૌસ્વામીએ રાજીડેમ પોલીસ સ્ટેશનમાં તેઓના દિકરા રાહુલ તેઓના મિત્રો દિવ્યરાજ ઉર્ફે દેવુ શકિતસિંહ જાડેજા, દેવેન્દ્ર ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજા, દિવ્યેશ રાજુભાઇ લાવડીયા તથા વિમલ ઉર્ફે જયરાજ કાળુભાઇ મંડ સાથે હરીદર્શન મોલ પાસે બેઠા હતા. ત્યારે જયુ આહિર અને દિવ્યરાજસિંહ જાડેજા સાથે બોલાચાલી થયેલ અને ત્યારે આ આરોપીઓએ ગુજરનાર રાહુલને ઢીકાપાટુનો માર મારેલ અને દિવ્યરાજસિંહએ નેફામાંથી છરી કાઢી જયરાજ ઉર્ફે જયુ મંડને આપેલ અને બાકીના ત્રણેય જણાએ વિમલને પકડી રાખેલ અને જયુ મંડએ છરીના ઘા રાહુલને મારેલ હતા.

આ બનાવની જાણ ફરિયાદીને નજરે જોનાર સાહેદ પ્રતિપાલસિંહ જાડેજાએ જાણ કરતા તેઓ સિવિલ હોસ્પિટલે પહોંચેલ અને ત્યાં તેના પુત્રનું મોત નિપજયાનું તેઓને જાણ થતા તેઓએ તાત્કાલીક આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ આઇપીસી કલમ 302, 504, 114નો ગુન્હો નોંધેલ અને પોલીસ તપાસ હાથ ધરેલ હતી. જેમાં તા.21/1/2020ના રોજ દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુ શકિતસિંહ જાડેજા, દેવેન્દ્ર ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજા, દિવ્યેશ રાજુભાઇ લાવડીયા તથા વિમલ ઉર્ફે જયરાજ કાળુભાઇ મંડની ધરપકડ કરી રીમાન્ડની માંગણી સાથે રજુ કરી મુદામાલ છરી કબ્જે કરી આરોપીને જેલ હવાલે કરેલ હતા અને તપાસના અંતે આરોપી વિરૂઘ્ધ પુરાવો હોય ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરેલ હતો.

ઉપરોકત આરોપીઓ પૈકી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજાએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી અને બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયાએ એવી રજુઆત કરેલ હતી કે આ કામમાં આરોપી દિવ્યરાજએ ગુજરનારને કોઇ હથિયારથી ઇજા કરેલ નથી અને બનાવના અંતમાં તેઓ સ્થળ ઉપર આવેલ હતા.
ઉપરોકત સંજોગોમાં પ્રિન્સી સેશન્સ જજએ આરોપીના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાની રજુઆતો, રજુ થયેલ ચૂકાદાઓ અને પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ઘ્યાને લઇ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દેવો શકિતસિંહ જાડેજાને રૂા.25,000ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.


Loading...
Advertisement