આત્મનિર્ભર યોજના બધુય અધ્ધરતાલ: નાના ધંધાર્થીઓને 1 લાખની લોન મળે તો પણ 4-5 મહિના નિકળી જશે

22 May 2020 05:11 PM
Rajkot Saurashtra
  • આત્મનિર્ભર યોજના બધુય અધ્ધરતાલ: નાના ધંધાર્થીઓને 1 લાખની લોન મળે તો પણ 4-5 મહિના નિકળી જશે

સરકારી ગાઈડલાઈન મુજબ 31-8 સુધીમાં ફોર્મ સ્વીકારવાના છે: સ્ક્રુટીની કરીને 31-10 સુધીમાં મંજુરી પ્રક્રિયા તથા 15-11 સુધીમાં લોન આપવાની છે: કુલ અરજદારોમાંથી માંડ 10 ટકાની લોન મંજુર થવાનો બેંકરોનો નિર્દેશ: કેન્દ્રની જેમ રાજય સરકાર ‘ગેરેંટર’ બને તો યોજના સફળ થઈ શકે

રાજકોટ તા.22
કોરોના લોકડાઉનને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા નાના ધંધાર્થીઓને એક લાખ સુધીની લોન અપાવવા માટે રાજય સરકારે વ્યાજ સબસીડી યોજના જાહેર કરી છે પરંતુ લોન મંજુર થાય તો પણ તેના નાણા હાથમાં આવતા ચાર-પાંચ મહિના જેવો લાંબો સમય નીકળી જાય તેમ છે. એટલુ જ નહિં એક લાખની લોન માટે અરજી કરનારા માંડ દસ ટકા લોકોને તેનો લાભ મળે તેવો પ્રાથમીક અંદાજ મુકાય રહ્યો છે.

સહકારી બેન્કો તથા મંડળીઓ મારફત નાના ધંધાર્થીઓને એક લાખ સુધીની લોન આપવા માટે ગુજરાત સરકારે આત્મ નિર્ભર લોન સહાય યોજના જાહેર કરી હતી લોન પરના આઠ ટકા વ્યાજમાંથી 6 ટકામાંથી રાજય સરકાર 6 ટકા સબસીડી આપવાની છે. એટલે માત્ર 2 ટકાના વ્યાજે લોન આપીને નાના ધંધાર્થીઓની આર્થિક ખેંચ દુર કરાવવાનાં ઉદેશ સાથે યોજના જાહેર કરવામાં આવી હતી.

સહકારી બેંકોના સુત્રોએ એમ કહ્યું છે કે કોરોના સંકટમાં ઘેરાયેલા નાના ધંધાર્થીઓને આર્થિક તકલીફમાંથી બહાર કાઢવા માટે રાજય સરકારની લોન યોજનાનો ઉદેશ ઘણો જ સારો છે.પરંતુ લોકોની માનસીકતા તથા કેટલીક વહીવટી ગુંચ-સમસ્યાઓને કારણે યોજના સંપૂર્ણ સફળ થાય તેમ નથી.

સહકારી બેંકોને લાગેવળગે છે ત્યાં સુધી તેની પાસેનાં તમામ નાણાં થાપણદારોનાં છે એટલે તેમાંથી આડેધડ લોન ન આપી શકે સહકારી બેંકો પોતપોતાનાં નિયમો આધારીત લોન અરજી મંજુર કરવાની છે. લોન વાંચ્છુક વાસ્તવમાં ધંધાર્થી છે કે કેમ અને લોનના નાણા પરત ચુકવી શકવા માટે ક્ષમતા ધરાવે છે કે કેમ તે ચકાસીને જ લોન આપવી કે કેમ તેનો નિર્ણય લેશે. ફોર્મ લેનારા ઘણા લોકો એવુ માને છે કે એક લાખની સરકારી સહાય છે. એક વર્ગની નાણા ભરવાની દાનત નથી. આવા તમામ પાસાઓને ધ્યાને રાખીને જ બેંકો લોન મંજુરીનો નિર્ણય લેશે. બેંકો પણ બિઝનેસ કરવા જ બેઠી છે. નાણા પરત આપવાની ક્ષમતા ધરાવતા અરજદારોને બેંક નિશ્ર્ચિતપણે લોન આપશે લોન મંજુર કરતા પૂર્વે જ તમામ બેંકો પોતપોતાની રીતે લોન પોલીસી નકકી કરશે.

બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગકારોને સહાયભુત થવા માટે લોન સામે ‘સરકારી ગેરેંટી’જાહેર કરી છે. ગુજરાત સરકાર પણ નાના ધંધાર્થીઓ માટે આ પ્રકારની ગેરેંટી આપે તો યોના સફળ થઈ શકે અને સહકારી બેંકો પણ બહુ ચિંતા કર્યા વગર લોન આપે.

સુત્રોએ એમ પણ કહ્યું હતું કે સરકારની ગાઈડલાઈનને ગણતરીમાં લેવામાં આવે તો લોનના નાણાં ધંધાર્થીનાં હાથમાં કયારે આવશે. તે વિશે કાંઈ કહી શકાય તેમ નથી. પ્રવર્તમાન ગાઈડલાઈન પ્રમાણે 21/5 થી 31-8 સુધી અરજદારોને ફોર્મ આપીને સ્વીકારવાનાં છે. 31/10 સુધીમાં સ્ક્રુટીની કરીને અરજી મંજુર કરવી કે કેમ તે નકકી કરીને સરકારમાં જાણ કરવાની છે અને 15/11 સુધીમાં લોન આપવાની છે. આ ગાઈડલાઈનમાં કોઈ બદલાવ ન થાય તો જે અરજદારોની લોન મંજુર થાય તેને લોનનાં નાણા હાથમાં આવવામાં પણ ચાર-પાંચ મહિના લાગી જાય તેમ છે.

મોટાભાગની સહકારી મંડળીઓ ‘હાથ ઉંચા’ કરવાની તૈયારીમાં!‘ખોટનો ધંધો બને’
નાના ધંધાર્થીઓને એક લાખ સુધીની આત્મ નિર્ભર લોન આપવા માટે રાજય સરકારે સહકારી બેંકો ઉપરાંત સહકારી સંસ્થાઓને પણ સુચવ્યુ છે. બેંકો તો મને કમને અને સક્ષમ લોકોને જ લોન આપવાનાં મૂડમાં છે બીજી તરફ સહકારી મંડળી તો હાથ ઉંચા કરી દેવાની તૈયારીમાં છે.

રાજકોટની સૌથી મોટી ગણાતી સહકારી મંડળીએ તો યોજનામાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. અન્ય એક જાણીતી મંડળીનાં હોદેદારે નામ નહિં દેવાની શરતે કહ્યું કે મંડળીઓ માટે ખોટનો ધંધો બને તેમ છે. બેંકો તથા મંડળીઓનાં ધંધામાં ફેર હોય છે. મંડળીઓનો મુખ્ય ધંધો ડેઈલી બચતનો હોય છે. ઉંચુ વ્યાજ આપતી હોય છે. સરકારી યોજનામાં સામેલ થયા તો એક-સવા ટકાની નુકશાની થાય તેમ છે. એટલે ખોટનો ધંધો કરવાની તૈયારી નથી.

સુત્રોએ કહ્યું કે મોટાભાગની સહકારી મંડળીઓ આંતરીક ચર્ચા દરમ્યાન યોજનામાં સામેલ નહિં થવાનો સુર દર્શાવી રહ્યા છે. ફોર્મ પણ છપાયા નથી એટલે ઉતરતા કરવાનો સવાલ નથી.


Loading...
Advertisement