લોકડાઉનમાં બેંક ડિપોઝીટ 2.8 લાખ કરોડ વધી, ધીરાણ 1.36 લાખ કરોડ ઘટયું

22 May 2020 04:54 PM
India
  • લોકડાઉનમાં બેંક ડિપોઝીટ 2.8 લાખ કરોડ વધી, ધીરાણ 1.36 લાખ કરોડ ઘટયું

રિઝર્વ બેંકે પ્રવાહિતતા વધારવા અનેક પગલાં લીધા છતાં લોનની માંગમાં ઘટાડો

મુંબઈ તા.22
8 મે સુધી ત્રણ પખવાડીયામાં બેંક ડિપોઝીટમાં રૂા.2.8 લાક કરોડનો વધારો થયો છે, જયારે આ ગાળામાં બેંક ધીરાણ રૂા.1.2 લાખ કરોડ ઘટયું છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ આ કારણે બેન્કીંગ સિસ્ટમમાં વધારાના 3.4 લાખ કરોડ ઉમેરાયા છે, અને એથી બેંકોના રોકાણમાં ઉછાળો આવ્યો છે.
લોકડાઉન શરૂ થયાના થોડાક દિવસોમાં 27 માર્ચે બેંક ડિપોઝીટ રૂા.135.7 લાખ કરોડ હતી. એના પખવાડીયા પછી, 10 એપ્રિલે ડિપોઝીટનો આંકડો વધી રૂા.131.1 લાખ કરોડ થયો હતો. એ પછીના બીજા બે પખવાડીયામાં 8 મે સુધીમાં ડિપોઝીટ વધી રૂા.138.5 લાખ કરોડ થઈ હતી. મતલબ કે 27 માર્ચ પછીના 3 સપ્તાહમાં ડિપોઝીટ રૂા.2.8 લાખ કરોડ વધી હતી.
6 સપ્તાહમાં બેંકોની ડિપોઝીટ 2% વધી હતી, જયારે સમગ્ર 2019-20 (27 માર્ચ સુધી)માં બેંક ડિપોઝીટ માત્ર 7.9% વધી હતી. આ આંકડા સૂચવે છે કે લોકડાઉનમાં બેંક ડિપોઝીટ માટે લોકોનો લગાવ વધ્યો હતો. મોટાભાગના નાણાં બાંધી મુદતની થાપણમાં ગયા હતા. 8 મેએ બેંકોની ફીકસ્ડ ડિપોઝીટમાં રૂા.123.9 લાખ કરોડ જમા હતા. 27 માર્ચની સરખામણીએ આમાં રૂા.4.4 લાખ કરોડનો વધારો થયો હતો..
જો કે કરન્ટ અને સેવિંગ્સ ડિપોઝીટ બેલેન્સ રૂા.1.6 લાખ કરોડ ઘટી રૂા.14.6 લાખ કરોડ હતી. એપ્રિલમાં બેંક ધિરાણમાં ઘટાડો અસાધારણ નથી, પણ આ વખતના ઘટાડાને નોંધપાત્ર બનાવતું પગલું એ છે કે માર્ચમાં નાણાકીય વર્ષના અંતભાગમાં ધીરાણ વધતું હોય છે એ આ વખતે જોવા મળ્યું નહોતું. એ કારણે 2019-20માં ક્રેડીટ ગ્રોથ માત્ર 6.1% નોંધાયો હતો. 2018-19માં એ સામે 13% વધારો થયો હતો.
ગત સપ્તાહે એસબીઆઈ ચેરમેન રજનીશકુમારે જણાવ્યું હતતું કે એપ્રિલ 2020માં સરકારી બેંકોની ડિપોઝીટમાં 1.25 લાખ કરોડનો વધારો થયો હતો. આ સૂચવે છે કે લોકો બચતની સલામતી માટે બેંકો પસંદ કરી રહ્યા છે. દરમિયાન, ક્રેડીટ ગ્રોથને વેગ આપવા રિઝર્વ બેંકે લિકિવડીટી વધારતા પગલાં લીધા હોવા છતાં લોકડાઉનમાં બેંકોની બાકી લોનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો. મહામારી અને લોકડાઉનથી ભવિષ્ય બાબતે અનિશ્ર્ચિતતા ઉભી થતાં લોન માટેની માંગ ઓસરી રહી છે તેનો આ સંકેત છે.
આરબીઆઈના ડેટા મુજબ નોન ફૂડ ક્રેડીટ પેટે બાકી લોનમાં 27 માર્ચથી 8 મે દરમિયાન 1.32% નો અથવા 1.36 લાખ કરોડનો ઘટાડો થયો હતો. બીજી રીતે કહીએ તો આવી લોન રૂા.1.36 લાખ કરોડથી ઘટી હતી.
અલબત, નાણાપ્રધાન નિર્મલા સીતારામને 12 મેએ ટવીટ કરી જણાવ્યું હતું કે સરકારી બેંકોએ 1 માર્ચથી 8 મે સુધીમાં રૂા.5.95 લાખ કરોડની લોન મંજુર કરી હતી.
આરબીઆઈના ડેટા મુજબ આ ગાળામાં લોનમાં રૂા.1.46 લાખ કરોડનો વધારો જોવાયો હતો. આ જોતાં મંજુર થયેલી અને વિતરણ કરાયેલી લોનની રકમમાં રૂા.4.5 લાખનો તફાવત હતો.
જો કે સરકારના આંકડા માત્ર જાહેર ક્ષેત્રની બેંકોને સ્પર્શે છે, જયારે રિઝર્વ બેંકના આંકડા તમામ વ્યાપારી બેંકોના ધીરાણને આવરી લે છે.


Loading...
Advertisement