રાહત: અમદાવાદમાં પોઝીટીવ કેસમાં ઘટાડો

22 May 2020 04:12 PM
Ahmedabad Rajkot Saurashtra
  • રાહત: અમદાવાદમાં પોઝીટીવ કેસમાં ઘટાડો

ગુજરાતમાં કોરોનાને બ્રેક મારવામાં સફળતા? પ્રથમ સંકેત: મે માસમાં પ્રથમ વખત સૌથી ઓછા 225 પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધાયા, રાજયમાં કુલ 371 નવા કેસ: સુરત-વડોદરા બાદ હવે મહેસાણા-બનાસકાંઠામાં ડબલ ડીજીટ કેસ નોંધાયા: કુલ 24ના મોત: ટેસ્ટમાં વધારો

રાજકોટ: ગુજરાતમાં ગઈકાલે સાંજે પુરા થતા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 371 કેસ નોંધાયા છે. આમ રાજયમાં 300થી વધુ દૈનિક કેસ જળવાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે પણ એક સારા સંકેતમાં રાજયમાં કોરાનાના હોટસ્પોટ જેવા અમદાવાદમાં મે માસમાં પ્રથમ વખત સૌથી ઓછા કોરોનાના 225 નવા કેસ નોંધાતા આ મહાનગરમાં કોરાનાને કંટ્રોલમાં લેવાના પ્રયાસો સફળ થયા હોવાના પ્રથમ સંકેત મળ્યા છે. આમ મે માસમાં પ્રથમ વખત આ મહાનગરમાં કોરોના પોઝીટીવ 250 થી નીચે ગયા છે. અમદાવાદ ગ્રામ્યમાં 8 નવા કેસ સાથે જીલ્લામાં કુલ 233 કેસ નોંધાયા છે.

છેલ્લે આ મહાનગરમાં 2- મેના રોજ 250 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં વધુ 17 મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી મૃત્યુ આંક પણ નીચો જ રહ્યો છે. તા.17 તથા 18 મેના રોજ 31 મૃત્યુ તા.19ના રોજ 21 અને તા.20ના રોજ 26 મૃત્યુ થયા છે.

અમદાવાદમાં કુલ 9309 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે એકટીવ કેસ 5223 છે. જયારે 612 મૃત્યુ આ શહેરોમાં થયો છે. જો કે અમદાવાદની સિવિલ હોસ્પીટલ મૃત્યુમાં ઉંચી રહી છે.

રાજયમાં એકંદર કોરોનાનું 12910 કેસ અને 773 મૃત્યુ થયા છે. સુરતમાં વધુ 34, વડોદરામાં વધુ 24 કેસ નોંધાયા છે તો મહેસાણામાં 13 નવા કેસ બહાર આવ્યા છે.
રાજયમાં રીકવરી રેટ સતત ઉંચો જઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 269 લોકો રીકવર થઈને ઘરે ગયા છે. રાજયમાં કુલ 1,66,152 ટેસ્ટ થયા છે જેમાં 12910 પોઝીટીવ દર્દી મળ્યા છે.


Loading...
Advertisement