બંગાળના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું મમતા સાથે હવાઈ નિરીક્ષણ કરતા મોદી: 1000 કરોડની સહાય આવી

22 May 2020 03:42 PM
India
  • બંગાળના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું મમતા સાથે હવાઈ નિરીક્ષણ કરતા મોદી: 1000 કરોડની સહાય આવી

રાષ્ટ્રીય આપદા જાહેર કરવા દીદીની માંગ

કોલકતા તા.22
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ર્ચિમ બંગાળ અને ઓડીશામાં ‘અમ્ફાન’ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, મુખ્ય પ્રધાન મમતા બેનરજી એ દરમ્યાન તેમની સાથે રહ્યાં હતાં. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ વડાપ્રધાને રાજય માટે રૂા.1000 કરોડની તત્કાળ રાહતની જાહેરાત કરી જણાવ્યું હતું કે કેન્દ્રીય ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનીનો અંદાજ મેળવશે.

મોદીએ જણાવ્યું હતું કે મમતા બેનરજીની આગેવાનીમાં પશ્ર્ચિમ બંગાળ વાવાઝોડાથી ઉભી થયેલી કટોકટી સામે લડવા બનતા બધા પ્રયાસો કરી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે વાવાઝોડાએ બંગાળના મોટાભાગને અસર કરી છે. તમામ પગલા લેવાયા છતાં આપણે 80 લોકોના જીવન બચાવી ન શકયા. મોદીએ માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે લાખ અને ગંભીર રીતે ઈજા પામેલાને રૂા.50000ને સહાય આપવા જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં સમગ્ર દેશ પશ્ર્ચિમ બંગાળના ભાઈઓ અને બહેનોની સાથે છે.

તેમણે ખાતરી આપી હતી કે પુન: વસવાટ અને પુન: નિર્માણ માટેની તમામ મુશ્કેલીઓ હલ કરાશે. અમે પશ્ર્ચિમ બંગાળ આગળ વધે તેમ ઈચ્છીએ છીએ. અગાઉ વડાપ્રધાન જયારે કોલકાતા એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે મુખ્યપ્રધાને તેમનું સ્વાગત કર્યુ હતું. એ પછી તેમણે મોદીને વાવાઝોડા અમ્ફાનને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગણી કરી હતી. મોદી અને મમતાએ એક જ હેલીકોપ્ટરમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું, તેમની સાથે કેન્દ્રીય પ્રધાનો, ધર્મેન્દ્ર પ્રધાન, બાબુલ સુપ્રિયો, પ્રતાપચંદ્ર સારંગી અને દેવશ્રી ચૌધરી પણ બન્ને નેતાઓ સાથે જોડાયા હતા.


Loading...
Advertisement