ગાંધીધામના રહેણાંક મકાનમાં ધમધમતી જુગારની કલબ પર દરોડો : 11 પત્તાપ્રેમી ઝડપાયા

22 May 2020 02:11 PM
kutch
  • ગાંધીધામના રહેણાંક મકાનમાં ધમધમતી જુગારની કલબ પર દરોડો : 11 પત્તાપ્રેમી ઝડપાયા

19.73 લાખનો મુદામાલ કબ્જે લઇ તપાસ આદરતી પોલીસ

ભૂજ તા.22
લોકડાઉન અને સતત વધી રહેલા કોરોના વાઇરસના દર્દીઓ વચ્ચે ગાંધીધામના શહેરના વોર્ડ 7-સીના પ્લોટ નંબર 133માં આવેલા એક મકાનમાં ચાલતી ધાણી પાસાની જુગાર ક્લબ પર સ્થાનિક ગુન્હાશોધક શાખાએ દરોડો પાડી,જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.
આ મકાનમાં રહેતો નવીન બાબુલાલ ઠક્કર બહારથી જુગારીઓને ઘરે બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો. પૂર્વ બાતમીના આધારે એલસીબીએ ત્રાટકીને જુગટું રમી રહેલાં 11 ખેલીને દબોચી લીધાં હતા.
આરોપીઓ પાસેથી 3.41 લાખની રોકડ, 15.75 લાખની કિંમતના વિવિધ 5 વાહનો અને 57 હજારના 12 સ્માર્ટ ફોન મળી કુલ 19.73 લાખની ચીજવસ્તુ મુદ્દામાલ તરીકે પોલીસે કબ્જે કરી છે. પોલીસે પકડેલાં ખેલીઓમાં જુગારધામના સંચાલક નવીન બાબુલાલ ઠક્કર, વાસુદેવ કેવલરામ નાનપણી, હરાધન બુધરામ ભગત, કિશોર પોપટભાઈ સોલંકી, ભુરીભાઈ ધનુમલ હોથચંદાણી, અજયસિંહ હકુભા સોઢા, દિપક કરસન ડાંગર, લક્ષ્મણ રામભાઈ જાજણી, મયૂર ધીરજલાલ ઠક્કર, નટુભાઈ મુળજીભાઈ ઠક્કર અને રાજુ ઈશ્વરભાઈ રામજાણીનો સમાવેશ થાય છે.
દરમ્યાન, ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ભાનુશાલી નગરમાં આવેલા રીલાયન્સ મોલ સામે છકડા સ્ટેન્ડ પાસે તીનપત્તી વડે રૂપિયાની હારજીત કરતી ત્રિપુટીને 6990ની રોકડ રકમ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલાં ખેલીઓમાં ધર્મેશગીરી હિરાગીરી ગોસ્વામી, વાસુદેવ મુળજી ઠક્કર અને સલીમ જુમા ઓડીયાણાનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement