જસદણમાં ઓડ ઇવનનો ઉલાળીયો : બજારો ધમધમી

22 May 2020 12:47 PM
Jasdan
  • જસદણમાં ઓડ ઇવનનો ઉલાળીયો : બજારો ધમધમી

1-2 નંબરના સ્ટીકરો લગાડાયા છતા વેપારીઓનો વિરોધ

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.22
જસદણમાં તંત્ર દ્વારા ઓડ ઇવન પદ્ધતિ અમલમાં મૂકવા સામે વેપારીઓમાં વિરોધ વચ્ચે કેટલાક વેપારીઓએ પણ આ નિયમોનો ઉલાળીયો કરીને દુકાનો ખોલી હતી.
જસદણ પ્રાંત અધિકારીએ વેપારીઓની બોલાવેલી બેઠકમાં ઓડ ઇવન પદ્ધતિ મુજબ દુકાનો તારીખ 21-5 થી ખોલવાનું જાહેર કરવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા એક નંબર અને બે નંબર ના સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા. આ પધ્ધતિનો જસદણના વેપારી આલમમાં પણ વિરોધ ઉઠવા પામ્યો છે. બીજી બાજુ પ્રથમ લોક ડાઉન થઈ લઈને ચોથા લોક ડાઉન સુધી કરિયાણાની દુકાનો તેમજ ખેત ઓઝારોની દુકાનો દરરોજ તંત્ર દ્વારા અડધો દિવસ ખુલી રાખવા દેવામાં આવતી હતી પરંતુ જીવન જરૂરિયાતની કહી શકાય તેવી કરિયાણાની દુકાનોને પણ હવેથી ઓડ ઇવન પદ્ધતિ મુજબ દરરોજ ને બદલે એકતરા દુકાનો ખોલવાનું તંત્રએ જાહેર કરતા કરિયાણાના અને ખેત ઓઝારના વેપારીઓ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા ઇચ્છતા નાગરિકોમાં પણ વહીવટી તંત્ર સામે રોષ ફેલાયો છે. જોકે ઘણા વેપારીઓએ ઓડ ઇવન પદ્ધતિનો ઉલળીયો કરીને દુકાનો ખોલી હતી. કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે તંત્ર ઓડ ઇવન પદ્ધતિનો કડક અમલ કરાવે અથવા આ પદ્ધતિ નાબૂદ કરી દરરોજ નિયત સમય સુધી તમામ પ્રકારના ધંધાની દુકાનો ખુલી રાખવા દેવી જોઈએ. અદ્ધવચ્ચે ની સ્થિતિ હોવાથી દ્વિધા સર્જાય છે. ગામડેથી ખરીદી કરવા આવતા નાગરિકો અને ગામડાના વેપારોનોને પણ મુશ્કેલી સર્જાય છે. જસદણમાં બજાર સાંકડી હોવાથી એકી બેકી પધ્ધતિને લીધે લોકો બે દિવસ સુધી બહાર નીકળે અને વધારે ભીડ ટ્રાફિક સમસ્યા થાય છે. બીજી બાજુ જો આ પદ્ધતિનો અમલ કારવાનો જ હોય તો ચોક્કસ વિસ્તારોમાં સ્ટીકર મારવાને બદલે સમગ્ર જસદણ શહેરની તમામ દુકાનોમાં સ્ટીકર મારીને કડક અમલ કરાવવો જોઈએ તેવો સુર નાગરિકોએ વ્યક્ત કર્યો હતો.


Loading...
Advertisement