ધોરાજીમાં કોરોનાની મહામારી વચ્ચે દુર્ગંધયુક્ત અને ડહોળા પાણીનું વિતરણ થઇ રહ્યાની ફરિયાદ

22 May 2020 12:44 PM
Dhoraji
  • ધોરાજીમાં કોરોનાની મહામારી વચ્ચે દુર્ગંધયુક્ત અને ડહોળા પાણીનું વિતરણ થઇ રહ્યાની ફરિયાદ

શુધ્ધ પીવાનું પાણી પૂરૂ પાડવામાં નગરપાલિકા નિષ્ફળ : માલ સામાનના ખોટા બીલો મંજૂર થતા હોવાનો આક્ષેપ : શહેર ભા.જ.પ. પ્રમુખ દ્વારા પ્રાદેશિક કમિશનરને આવેદનપત્ર

ધોરાજી,તા. 22
ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે દુર્ગંધયુક્ત અને ડહોળા પાણીનું વિતરણ થઇ રહ્યાની ફરિયાદો ઉઠી છે. આ પ્રશ્ર્ને પગલા લેવાની માંગણી સાથે શહેર ભાજપના પ્રમુખ વિનેશ માથુકીયાએ નગરપાલિકાની કચેરીઓનાં પ્રાદેશિક કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ અંગે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનેશ માથુકીયાએ જણાવેલ છે કે શહેરના નગરજનોને શુધ્ધ પીવાનું પાણી પુરું પાડવામાં નગરપાલિકા નિષ્ફળ નિવડેલ છે.
પાણી શુધ્ધ કરવા માટે આવતા માલ-સામાનનાં ખોટા બિલો મંજૂર કરવામાં આવે છે પણ પાણી શુધ્ધ થતું નથી અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં એકાંતરા અને અમુક વિસ્તારમાં પાંચથી છ દિવસે પાણી વિતરણ કરવામા આવે છે.
શહેરમાં નવી પાણીની પાઈપલાઈનનું કામ પણ પૂર્ણ થયેલ છે જે વિષયે નગરપાલિકા દ્વારા કોઇપણ જાતની કામગીરી થતી નથી જો નવી પાઈપલાઈન દ્વારા વિતરણ કરવામાં આવે તો દરેક વિસ્તારમાં બે દિવસે પાણી સપ્લાય થઇ શકે તેમ છે.
આ ઉપરાંત શહેરમાં સરકારની ગ્રાન્ટમાંથી રોડ રસ્તાના કામો મંજુર થયેલ હતા જે પૈકી હાલ લોકડાઉન દરમ્યાન ડે ડામરનાં કામ ચાલુ થયા છે તેમાં નિયમ મુજબ ક્વોલીટીનો અભાવ તથા રોડ બન્યા પછી પ્રેસીંગ માટે જે રોલર ચલાવવાનું હોય તે કામ કરવામાં આવતું ન હોવાથી રોડનું કામ નબળુ થાય છે ને સરકારનાં નિયમ વિરુધ્ધ ઉંચી ઓનમાં આવેલ ટેન્ડર મંજુર કરી કામ આપવામાં આવેલ છે.તો આની તપાસ કરી કોન્ટ્રાક્ટરનાં બિલ હાલમાં મંજુર ન કરવા માંગણી છે.
શહેરમાં આવેલ જનતા બાગની અંદર ઉભેલા મોટા ભાગનાં વૃક્ષોનું છેદન કરી તેમાંથી મળેલ ખૂબ મોટા ભાગનો લાકડાનો જથ્થો કોઇપણ જાતની કાર્યવાહી કર્યા વગર નગરપાલિકાનાં જ વાહનો દ્વારા સગેવગે કરવામાં આવેલ છે. આ વિષયે ધોરાજી શહેરનાં સામાજિક કાર્યકર ગંભીરસિંહ વાળા દ્વારા તપાસ કરવા માંગણી કરેલ છે. જેનો આજ સુધી કોઇ ઉકેલ આવેલ નથી. આ બાબતે સત્તાધીશો અને કર્મચારી દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ છે જેથી આ બાબતે પગલાં લેવા તેઓએ માંગ કરી છે.


Loading...
Advertisement