ઉપલેટામાં ક્નટેનરના નશાખોર ડ્રાઈવરે અકસ્માતની હારમાળા સર્જી : 11 વાહનો ઉડાવ્યા : મોટુ નુકશાન

22 May 2020 12:43 PM
Dhoraji
  • ઉપલેટામાં ક્નટેનરના નશાખોર ડ્રાઈવરે અકસ્માતની હારમાળા સર્જી : 11 વાહનો ઉડાવ્યા : મોટુ નુકશાન

નશામાં ધૂત ચાલકને લોકોએ ઢોર માર માર્યો : આરોપીની ધરપકડ : પોલીસ તપાસ

ઉપલેટા,તા. 22
ઉપલેટા શહેરનાં ધોરાજી રોડ પર બસ સ્ટેન્ડ ચોક નજીક ગોપાલ નમકીન ભરેલું ક્નટેનર પસાર થયેલ હતું. ક્નટેનરનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાથી રોડ પર રહેલાં લગભગ 11 જેટલા વાહનોને હડફેટે લઇ નુકસાની કર્યાની ફરિયાદ ઉપલેટા પોલીસમાં નોંધાયેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગોપાલ નમકીનના ટ્રક જીજે 03 એટી 2397ના ચાલક રમેશભાઈ કારાભાઈ વાણીયા (સગર) રે. અમરદળ,તા. રાણાવાવ એ દારુના નશામાં પોતાની ગાડી ચલાવી ધોરાજીથી ઉપલેટા ડીલીવરી માટે આવી રહ્યો હતો. તે દરમ્યાન બસ સ્ટેન્ડ ચોક નજીક તેમણે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યા બાદ રોડ પર લગભગ અડધો કિલોમીટરના એરીયામાં પાર્કિંગ કરેલા વાહન 3 ફોર વ્હીલ તથા 8 મોટર સાઈકલ હડફેટે લઇ મોટી નુકસાની કરેલ હતી. બાદમાં ઘટનાસ્થળ પર લોકોના ટોળાએ એકઠા થઇ જતાં ક્નટેનરને રોકી આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરતા ઉપલેટા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
તે દરમ્યાન એકઠા થયેલા લોકોએ નશાની હાલતમાં ધુત ડ્રાઈવરને ઢોર માર માર્યા બાદ આ અંગેની ફરિયાદ નિમેષભાઈ મહેશભાઈ જોષી પોતાના મોટર સાયકલ નં. જીજ 03 એફએમ 6399ને ટ્રક નીચે કચડી 30,000ની નુકસાની તેમજ ઉપરોક્ત વાહનોમાં અંદાજે 3 થી 4 લાખ રુપિયાનુ નુકસાની થયાની ફરિયાદ ઉપલેટા પોલીસમાં નોંધાવતા ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થયેલ નથી. અને આ અંગેની તપાસ પો.જ. વાઘમશીભાઈ ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement