ઉનામાં માસ્ક વગર બહાર નીકળેલા 22 વ્યકિતઓ ઝપટે : દંડની વસુલાત

22 May 2020 12:31 PM
Veraval
  • ઉનામાં માસ્ક વગર બહાર નીકળેલા 22 વ્યકિતઓ ઝપટે : દંડની વસુલાત

દુકાનદારને પણ માસ્ક વગર કામ કરતા દંડ કરતી પાલિકા

ઉના તા.22
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન 4 જાહેર કરાયેલ તેમાં મોટાભાગના વેપારીઓને છુટછાટ આપવામાં આવેલ છે. ત્યારે ઊના શહેરમાં આવેલ તમામ વેપારીઓની દુકાનમાં નગરપાલીકા દ્વારા નં. 1 તેમજ 2 નંબરના સ્ટીકર દુકાનના બહારના ભાગે લગાડવામાં આવ્યા છે. ત્યારે એક દિવસે એકી એટલે કે નંબર 1 નો વારો અને બીજા દિવસે નં. 2 ના સ્ટીકર ધરાવતા દુકાનદારો પોતાની દુકાન ખોલવામાં આવે જેથી બજારમાં લોકોની ભીડ ન થાય અને લોકોની સલામતી અને સાવચેતી રહે તે માટે નગરપાલીકા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. અને આ તમામ દુકાનમાં વેપારી તેમજ આવતા ગ્રાહકોને ફરજીયાત માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ રાખવા સુચના આપવામાં આવી છે. જો કે આ સુચનાનુ પાલન ન કરે તો તેવોને દંડ ફટકારવામાં આવે છે. જ્યારે આજે સવારથી નગરપાલીકાના દ્વારા ફોટા તેમજ વિડીયોગ્રાફી કરી તમામ દુકાનો પર તેમજ શહેરની બજારો અને જુદા જુદા વિસ્તારોમાં નજર રાખવામાં આવેલ
અને સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ન પહેરેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં માસ્ક ન પહેરેલ હોય તેવા 22 વ્યક્તિઓને રૂ. 100 નો દંડ ફટકારેલ. જેમાં ન.પા. દ્વારા કુલ રૂ. 2800 ની વસુલાત કરવામાં આવી હતી. તેમજ દુકાનદારો નિયમનું ઉલંધન કરનારા બે વેપારીઓને નોટીસ દ્વારા સુચના આપવામાં આવી હતી. આમ શહેરમાં જો કોઇ માસ્ક પહેર્યા વગરના તેમજ જાહેરમાં બહાર નિકળશે તેમજ જાહેરમાં થુકશે તેવોને દંડ ફટકારવામાં આવશે તેવું નગર પાલીકા ચિફઓફીસ પાર્થિવભાઇ પરમારએ જણાવેલ હતું.


Loading...
Advertisement