સીનીયર તબીબોને જલ્સા; ઈન્ટર્નીઓ પર સમગ્ર ભાર: હોબાળો

22 May 2020 12:26 PM
Ahmedabad Gujarat
  • સીનીયર તબીબોને જલ્સા; ઈન્ટર્નીઓ પર સમગ્ર ભાર: હોબાળો

સીનીયર ડોકટરો કોરોના દર્દીઓની સારવાર-સંભાળ જુનિયરોનાં ભરોસે છોડી દેતા હોવાના મામલે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ઉહાપોહ

અમદાવાદ તા.22
કોરોનાના પ્રકોપમાં ગુજરાતમાં અમદાવાદ હોટસ્પોટ છે અને કોરોના કેસની સંખ્યા 10,000 સુધી પહોંચવામાં છે ત્યારે સરકારી હોસ્પીટલમાં સીનીયર તબીબો જલ્સા કરે છે અને કામનો સંપૂર્ણભાર જુનિયરો પર નાખી દેવામાં આવ્યો હોવાનો ઉહાપોહ છે.

સીવીલ હોસ્પીટલોનાં ઈન્ટર્ની ડોકટરો એવો આરોપ મુકી રહ્યા છે કે સીનીયર તબીબો કયાંય દેખાતા નથી. કામનો તમામ બોજ ઈન્ટર્ની તબીબો પર ઝીંકી દેવાયો છે. ઈન્ટર્ની તબીબો પણ કોરોનાની ઝપટે ચડયા છે. દર્દીઓનાં સીધા સંપર્કમાં આવતા આવા 13 તબીબો કોરોનાની ઝપટે ચડી ગયા છે. હોસ્પિટલોમાં તબીબોને વ્યવહારૂ ધોરણે કામ સોંપવાની જરૂર છે. સીનીયર તબીબો અનુભવી હોય છે ત્યારે મુખ્ય કામ તેઓએ સંભાળવા જોઈએ. ઈન્ટર્ની તબીબો માત્ર તાલીમી હોય છે અને સહાયક જ બની શકે. સીનીયરો આવતા ન હોવાથી દર્દીઓ પર પણ જોખમ વધી જાય છે. ઉપરાંત ઈન્ટર્ની પર કામનો અત્યાધિક બોજો આવી ગયો છે.

એશીયાની સૌથી મોટી અમદાવાદ સીવીલ હોસ્પીટલનાં ઈન્ટર્ની તબીબોએ એવો બળાવો ઠાલવ્યો છે કે અમદાવાદમાં દર્દીના મોત મામલે વિવાદ સર્જાતો હોવા છતાં સીનીયર તબીબો વોર્ડમાં દર્દીઓ પાસે આવતા નથી. ઈન્ટર્નીઓ પર કામનું મોટુ ભારણ છે. એક સપ્તાહમાં 13 ઈન્ટર્ની તબીબોને ચેપ લાગ્યો છે પીપીઈ કીટ પહેરીને ખાધાપીધા વિના સળંગ 8 કલાક ફરજ બજાવવી પડે છે. અગાઉ સાત દિવસ બાદ સાત દિવસનો કવોરન્ટાઈન સમય અપાતો હતો તે ઘટાડીને પાંચ દિવસે કરી દેવાયો છે.કલાર્કનાં કામમાં પણ અમને લગાડી દેવામાં આવે છે.

ગુરૂવારે ઈન્ટર્ની ડોકટરો ખુલ્લેઆમ મેદાને આવ્યા હતા.સીનીયર તબીબો વિશે ફરીયાદ કરી હતી. જયારે ડીન ડો.પ્રણવ શાહે હાથ ખંખેરી લીધા હતા.સીનીયર તબીબોની ડયુટીની બાબત પોતાના કાર્યક્ષેત્રમાં ન હોવાનું જણાવી દીધુ હતું. જયારે મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જે.પી. મોદી સમગ્ર મુદ્દે અજાણ હોવાનું કહ્યું હતું. સીનીયર તબીબોએ એવો બચાવ કર્યો હતો કે ઈન્ટર્નીઓને માત્ર સહાયક જેવી કામગીરી જ સોંપવામાં આવી છે.

ઈન્ટર્નીઓને નવી ગાઈડલાઈન સામે પણ વાંધો છે. નવા નિયમ મુજબ કોરોના વોર્ડમાં દસ દિવસની ફરજ બાદ પાંચ દિવસ કવોરન્ટાઈનની છૂટ આપવામાં આવી છે. જે અગાઉ સાત સાત દિવસ હતી જોકે સ્થાનિક તંત્રે સાત દિવસની ડયુટીનો નિયમ પાછો લાગુ કરી દીધો છે.


Loading...
Advertisement