મુંબઇ-અમદાવાદનો ચેપ : ઝાલાવાડમાં કોરોનાના વધુ પાંચ કેસ

22 May 2020 10:35 AM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • મુંબઇ-અમદાવાદનો ચેપ : ઝાલાવાડમાં કોરોનાના વધુ પાંચ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભય વધારતા ઘરવાપસી કરતા લોકો : મૂળી પંથકમાં 3, લખતર અને દાળમીલ સોસાયટીમાં 1-1 કેસ : અરૂણ સોસાયટી સીલ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જ દિવસમાં વધુ પાંચ પોઝીટીવ કેસ કોરોનાના નોંધાતા કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 20એ પહોંચી છે. જિલ્લામાં છેલ્લા એક જ સપ્તાહમાં 17 કેસો નોંધાવા સાથે જિલ્લામાં કોરોના સંક્રમણનો ઉછાળો આવ્યો છે. તો સુરેન્દ્રનગર શહેરમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના સતત પોઝીટીવ કેસો વધી રહ્યા છે. તે જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે. સતત વધતા કોરોના વાયરસના પોઝીટીવ કેસોએ તંત્રની ઉંઘ હરામ કરી નાંખી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આ જિલ્લામાં જે કોઇ લોકોના સંક્રમણના ભરડામાં છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી મોટાભાગની અન્ય રાજય કે અન્ય શહેરની છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 17થી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં પાંચ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર દાળ મીલ સોસાયટીમાં 56 વર્ષના વૃઘ્ધ મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેમને સારવાર અર્થે બે દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી દાણાવાળા ટીંડોળા ઇન્ગ્રોડી ગામમાં કોરોના વાયરસએ પ્રવેશ મેળવ્યો છે. અહીં વીમાભાઇ છોટાભાઇ ભટ્ટ (રહેવાસી મૂળી) સોનલબેન (ઉ.વ.26) (ગામદાણાવાળા) હાલ પ્રેગનન્સીની હાલતમાં તાલુકો મૂળી ગીરીરાજસિંહ જેઠવા (ટીંડાળા તાલુકો મૂળી) નાગર ખાન મલેક (ઇન્ગ્રોડી તાલુકો લખતર) કોરોનાથી સંક્રમીત બનયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાની દાળમીલ સોસાયટીમાં મહિલાનો પોઝીટીવ રીપોર્ટની ટ્રાવેલ માહિતી મુંબઇ તરફની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયેલા જેમાં 3 મૂળી અને એક લખતર કોરોના વાયરસના 4 પોઝીટીવ કેસોના દર્દીની ટ્રાવેલ્સ વિગત અમદાવાદ તરફની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં આ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે.

પ્રવાસીઓથી જોખમ
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. જિલ્લામાં રોજ બરોજ ટેસ્ટીંગ દરમ્યાન કોરોના વાયરસના પોઝીટીવ કેસો ધરાવતા દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં 189 ટેસ્ટીંગ દરમિયાન પાંચ લોકોને કોરોના વાયરસના પોઝીટીવ લક્ષણો દેખાયા છે અને આ લોકોના રિપોર્ટ પણ પોઝીટીવ આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં ફફડાટા ફેલાવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં લોકોની ભારે સંખ્યામાં ભીડ થઇ રહી છે. કોરોના સંક્રમણનો ખતરો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતો જતો હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. એક સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 17 થી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

અરૂણ સોસાયટી
ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસ પ્રવેશ મેળવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં આવેલ અરૂણ સોસાયટીની 56 વર્ષીય મહિલાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા બે દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડીને આ મહિલાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી દાળમીલ રોડ પર અરૂણ સોસાયટીમાં મહિલા રહેતા હતા અને મુંબઇથી આવ્યા હતા.

આ સોસાયટીમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાતા સોસાયટી હાલ બંધ કરવામાં આવી છે અને આ મહિલા જે લોકોના સંપર્કમાં આવ્યા છે તેમના પણ ટેસ્ટીંગ કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો કવોરેન્ટાઇન પણ અમુક લોકોને કરવામાં આવશે તેવુ જાણવા મળી રહ્યું છે.


Loading...
Advertisement