કાલથી બધુ નોર્મલ: સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ, નિયંત્રણો પાછા ખેંચાયા

21 May 2020 03:07 PM
Rajkot Gujarat
  • કાલથી બધુ નોર્મલ: સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ, નિયંત્રણો પાછા ખેંચાયા

કોરોનાનો ડર દૂર કરીને લોકોને સામાન્ય પરિસ્થિતિમાં વ્યસ્ત કરી દેવાનો સરકારનો વ્યુહ: સરકારી કચેરીઓ તથા નિગમોમાં જુના-નવા તમામ કામો હાથ પર લેવાની સૂચના

રાજકોટ તા.21
લોકડાઉન-4માં સરકારે ઘણીબધી છુટછાટો આપી દીધા બાદ હવે તમામે તમામ વ્યવહારો નોર્મલ કરવાની દિશામાં આગળ વધવાનો વ્યુહ અપનાવાયો હોય તેમ તમામ સરકારી કચેરીઓ, નિગમોમાં પણ કામગીરી સામાન્ય દિવસો જેવી બનાવી દેવાના આદેશો કરવામાં આવ્યા છે. લોકડાઉન અંતર્ગતના નિયમો પાછા ખેંચી લેવામાં આવ્યા હોવાના નિર્દેશ છે.

માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોના લોકડાઉનમાંથી સરકાર સંપૂર્ણપણે લોકોને મુક્તિ આપવાના માર્ગે આગળ ધપી રહી છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે સરકારી કચેરીઓથી માંડીને ખાનગી વેપારધંધા સુધી સર્વત્ર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. લોકડાઉન-4માં ઘણી રાહતો અને છૂટછાટો આપવામાં આવી હોવા છતાં સરકારી કચેરીઓ તથા સરકારી સાહસોમાં આંશિક નિયંત્રણો લાગુ રહ્યા હતા. પરંતુ આ અંકુશો પણ પાછા ખેંચવાનો વ્યુહ અપનાવવામાં આવ્યો છે.

સરકારી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચલાવવા અને કર્મચારીઓને રોટેશનથી બોલાવવાના આદેશને પાછો ખેંચવામાં આવ્યો છે અને હવે તમામ કર્મચારીઓને કચેરીઓમાં બોલાવાની સૂચના આપવામાં આવી છે. સરકારી કચેરીઓમાં અરજદારોના કામો પણ સામાન્ય દિવસોની જેમ શરુ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ જ રીતે જાહેર સાહસોના કર્મચારીઓ તથા નિગમોના કર્મચારીઓ માટે પણ સમાન સૂચના જારી થઈ છે. લોકડાઉનના નિયંત્રણો પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. અરજદારોના પેન્ડીંગ તથા નવા કામને પણ ફટાફટ હાથ ધરવાની સૂચના જાહેર થઈ છે.

અંદાજીત બે મહિનાથી કોરોના લોકડાઉનને કારણે વેપાર-ધંધાથી માંડીને સરકારી કચેરીઓના વહીવટ પણ સ્થગીત જેવી દશામાં મુકાઈ ગયા હતા. પ્રારંભીક દિવસોમાં કોરોના કામગીરી સિવાયની કચેરીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી ત્યારપછી છૂટછાટોમાં 50 ટકા કર્મચારીઓથી કામ ચલાવવા અને રોટેશન મુજબ કર્મચારીઓને તેડાવવાનો નિયમ દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ તમામ નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા છે અને સામાન્ય દિવસો જેવી નોર્મલ પરિસ્થિતિ લાગુ પાડવાની તૈયારી કરવામાં આવી છે.


Loading...
Advertisement