યુટ્યુબ VS ટિકટોક : ‘આત્મનિર્ભર’ યુઝર્સનો વર્ગવિગ્રહ!

21 May 2020 12:02 PM
India Technology
  • યુટ્યુબ VS ટિકટોક : ‘આત્મનિર્ભર’ યુઝર્સનો વર્ગવિગ્રહ!
  • યુટ્યુબ VS ટિકટોક : ‘આત્મનિર્ભર’ યુઝર્સનો વર્ગવિગ્રહ!

કેરીમિનાટીના યુટ્યુબ વીડિયોએ ભારતભરમાં ચકચાર મચાવી છે. કેટલાક દિવસોથી ‘બેન ટિકટોક’ ટવીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ગુગલ પ્લે સ્ટોર પર ટિકટોક એપ્લિકેશનના રેટિંગ્સ 4.6 માંથી ઘટીને 1.3 સુધી આવી ગયા છે. જે કામ આખો દેશ અને સરકાર ન કરી શકી, એ ફક્ત અજય નાગર ઉર્ફે કેરીમિનાટીના એક વીડિયોએ કરી આપ્યું છે! દેશભરમાં ‘ટિકટોક હટાવો ચળવળ’ની મોટા પાયે શરૂઆત થઈ ગઈ છે.

*પાછલા ચાર મહિનાઓની અંદર ભારતમાં લોકડાઉનને કારણે ટિકટોક યુઝર્સમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આપણા દેશના 20 કરોડ યુઝર્સ હાલ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યા છે, જે ભારતમાં ટિકટોકના સૌથી વધુ વપરાશકર્તા હોવા તરફ ઇશારો કરે છે. આશ્ચર્યજનક વાત એ છે કે સમગ્ર વિશ્વમાં તેને કુલ બે અબજ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આટલા ટૂંકાગાળાની અંદર સૌથી વધુ ડાઉનલોડ અને યુઝર્સ મેળવનારી આ પહેલીવહેલી એપ્લિકેશન છે!

*ટિકટોકની આખી કોન્ટ્રોવર્સીના મૂળિયામાં રહેલા આમિર સિદ્દીકીના ભાઈ ફૈઝલ સિદ્દીકીના ટિકટોક અકાઉન્ટ પર તાજેતરમાં પ્રતિબંધ લાગી ગયો છે. તેણે થોડા સમય પહેલા એક એવો વીડિયો બનાવ્યો હતો, જેમાં તે સ્ત્રી પર એસિડ ફેંકતો નજરે ચડે છે. આવા વાહિયાત અને હિંસાત્મક કોન્ટેન્ટને કારણે તેના વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર જુવાળ ફાટી નીકળ્યો છે. અને હા, આ પહેલો કિસ્સો નથી જ્યાં લોકોની લાગણી દુભાઈ હોય. ‘ટીમ ફૈઝુ 07’ના સભ્યો એટલે કે ફૈઝલ ખાન, અદનાન ખાન, હસનૈન, ફૈઝ બલોચ સહિતના કુલ પાંચ ટિકટોક સ્ટાર્સ પર ભૂતકાળમાં કોર્ટ-કેસ દાખલ કરવામાં આવ્યા હતાં. આઠ મહિના સુધી એમના અકાઉન્ટ્સ પર બેન લાદી દેવામાં આવ્યો હતો!

*ટિકટોકનો શા માટે વધુ વિરોધ થઈ રહ્યો છે એ સમજવાની અહીં જરૂર છે. રેખા શર્મા (નેશનલ કમિશન ઑફ વુમન ચેરમેન) લખે છે કે ટિકટોક પર ભારતનું યુવાધન મોટેભાગે માર-ધાડ, બળાત્કાર, એસિડ અટૈક, દગો અને બદલાની જ વાતો કરે છે. તેઓ પોતાના જીવનનો સૌથી વધુ પ્રોડક્ટિવ ટાઇમ કારકિર્દી ઘડવાને બદલે પોતાના અમુક-તમુક ફોલોઅર્સની ચાહના પાછળ બગાડે છે. વળી, ટિકટોકમાં મગજ લગાડવાની પણ કોઈ જરૂરિયાત નથી હોતી. ટિકટોક પર 15-20 સેકન્ડનો વીડિયો બનાવવા અને પ્રેક્ષકોને ગમવા માટે ફક્ત શરીર સૌષ્ઠવ તથા સારા દેખાવ સિવાય બીજા કશાયની આવશ્યકતા નથી હોતી. પરિણામસ્વરૂપ, સોશિયલ મીડિયા યુઝર્સમાં એકબીજા માટે વેરભાવ અને ઇર્ષા વધે છે!

આલેખન-પરખ ભટ્ટ : ઓકે, તો આખા ઘટનાક્રમને સમજવા માટે થોડાક પાછળ જઈએ. 8મી મેના રોજ કેરીમિનાટી ઉર્ફે અજય નાગર નામના પોપ્યુલર યુટ્યુબરની ચેનલ પર એક વીડિયો અપલોડ થાય છે, જેનું નામ છે, ‘યુટ્યુબ વર્સેસ ટિકટોક : ધ એન્ડ’! જોતજોતામાં આ વીડિયો 80 મિલિયન (8 કરોડ) વ્યુઝ પાર કરીને ભારતનો સૌથી વધુ જોવાયેલો નોન-મ્યુઝિકલ વીડિયો બની જાય છે. ફક્ત આટલું જ નહીં, તેના પર આવેલા લાઇક્સ પણ અત્યારસુધીના કોઈપણ વીડિયો પર આવેલા લાઇક્સની સરખામણીમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળ્યા.

વાસ્તવમાં કેરીમિનાટીનો આ વીડિયો આમિર સિદ્દીકી નામના ટિકટોક યુઝરે યુટ્યુબર્સ પર કરેલા આરોપોની સ્પષ્ટતા છે. કેરીમિનાટી વર્ષોથી ઘણા લોકોને રોસ્ટ કરતો આવ્યો છે. તેણે આમિર સિદ્દીકીને જે રીતે રોસ્ટ કર્યો એ જોઈને ભારતીયો તેના ફેન થઈ ગયા.

વીડિયોમાં વાત પણ મુદ્દાની હતી. ટિકટોક માટે 15 સેકન્ડના વીડિયો બનાવવા અને યુટ્યુબ માટે દસ-પંદર મિનિટના એપિસોડનું કોન્ટેન્ટ વિચારવું એ બંને તદ્દન અલગ બાબત છે, આમ છતાં ટિકટોક યુઝર્સ પોતાને મહાન દર્શાવતાં આવ્યા છે. કેરીમિનાટીએ પોતાની આગવી શૈલીમાં આમિર સિદ્દીકી સહિત તમામ પોપ્યુલર ટિકટોક સ્ટાર્સને પોતાના યુટ્યુબ વીડિયોમાં ધોઈ નાંખ્યા. ભારતીયોએ અજય નાગરના વીડિયોને ઢગલા મોઢે શેર કરીને તેને રાતોરાત પોતાના ખભા પર ઊંચકી લીધો. 8મી મે પર તેના યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ હતાં, 1 કરોડ! જે આજે વધીને 1.8 કરોડ સુધી પહોંચી ગયા છે. પરંતુ એનાથી અજાણતાં જ એક બહુ મોટી ભૂલ થઈ ગઈ, જેના કારણે યુટ્યુબે તેના આ સૌથી વધુ જોવાયેલા વીડિયોને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધો.

કેરીમિનાટીના વીડિયોને કારણે ગે-લેસ્બિયન કમ્યુનિટીનું દિલ દુભાયું. ‘મીઠાઈ કી દુકાન પર 200 રૂપિયે મેં બિક જાયેગા’ જેવા વિધાનોને કારણે તેના વીડિયોને ઘણા લોકોએ રિપોર્ટ કર્યો. યુટ્યુબની પોલિસીનું ખંડન થવાથી તેનો વીડિયો અચાનક જ એક દિવસ હટાવી લેવામાં આવ્યો. પરિણામસ્વરૂપ ભારતીયો વધુ ગિન્નાયા. એક બાજુ આપણે ત્યાં આત્મનિર્ભરતાનો દૌર શરૂ થયો છે જ્યાં ટિકટોક જેવી ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાની વાતો ચાલી રહી છે. બીજી બાજુ, કેરીમિનાટીના હટાવી લેવામાં વીડિયોએ આ વિવાદમાં વધારો કર્યો. લોકોએ ટવીટર પર ‘બેનટિકટોક’નો મારો ચલાવીને કેરીમિનાટીનો ભરપૂર સપોર્ટ કર્યો અને હજુ પણ કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે પણ ટવીટર પર ટિકટોકને પ્રતિબંધિત કરવાની વાત ટોપ ટ્રેન્ડિંગમાં છે. એક પછી એક ઘણા બોલિવૂડ, ટીવી સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સર્સ કેરીમિનાટીને ટેકો આપી રહ્યા છે.

અહીં વાત ફક્ત આમિર સિદ્દીકી કે એના જેવા ટિકટોક સ્ટાર્સની જ નથી! વાત મૂલ્યો અને સિદ્ધાંતોની છે. દેશનો યુવાવર્ગ આજે હમઉમ્ર માણસ પાસેથી ઘણું બધું શીખે છે. 22 વર્ષનો યુવાન જ્યારે પોતાના જેવડી વયના જ યુવાનને ટિકટોકના દારૂના નશાની એક્ટિંગ કરતા અથવા ગર્લફ્રેન્ડને મારતાં-પીટતાંનો એક્ટ કરતા જોશે ત્યારે સ્વાભાવિકપણે તેના મગજ પર ઊંધી અસર થવાની જ છે. કહેવાતાં ‘બૌદ્ધિકો’ અહીં એવું કહી શકે કે આવો ખતરો તો પ્રત્યેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો છે, છતાં પીટાય છે ફક્ત ટિકટોક જ કેમ? કારણકે વ્હાલુડાઓ, ટિકટોકમાં આ ન્યુસન્સનું પ્રમાણ સૌથી વધારે છે. યુટ્યુબ પર પોતાના કોન્ટેન્ટ થકી પ્રસિદ્ધિ મેળવવા માટે અમુક વખત વર્ષો લાગી જતાં હોય છે. જ્યારે ટિકટોકમાં પ્રસિદ્ધિ મેળવવા માટેની અતિશય લોભામણી અને પ્રમાણમાં વધુ સહેલી છે. ત્યાં દેખાવ અને લક્ઝરી વધુ મહત્વની છે. આથી જ યુવાનો વચ્ચે ઇર્ષા અને દેખાદેખી પેદા થાય એવી સંભાવના પણ ત્યાં વધુ હોય છે.

ગયા વર્ષની વાત કરૂ તો ટિકટોક પર અવારનવાર વાહિયાત કોન્ટેન્ટ અને વિવાદાસ્પદ વીડિયો મૂકીને લાઇમલાઇટમાં આવેલી ‘ફૈઝુ 07’ની ટીમના પાંચ મેમ્બર્સમાંથી ત્રણના અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં એમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રદ્રોહનો આરોપ એમના પર લાગ્યો હતો. 8 મહિના સુધી ફૈઝલ ખાન સહિત ટીમના મેમ્બર્સના અકાઉન્ટ ટિકટોક પર બેન રહ્યા હતાં. ત્યારથી આ ટુકડીને ટિકટોકની વંઠેલી પ્રજા ગણવામાં આવે છે. જોકે, એમની હરકતો પણ આ પ્રકારની જ છે. કોમવાદ ફેલાય, લોકો પોતાના દેશથી વિમુખ થાય, યુવાનો ધર્મના ભેદભાવ કરતા શીખે એવા પ્રકારનું કોન્ટેન્ટ તેઓ અપલોડ કરતા હતાં અને હજુ પણ અલગ અલગ રીતે છાશવારે કરતા રહે છે.

દરેક કોન્ટેન્ટ પોતપોતાની જગ્યાએ છે. કોણ વધારે મહેનત કરે છે અને કોણ ઓછી, એની તુલના આવી રીતે વાદ-વિવાદમાં પરિણમે એ વાત જ પહેલા તો સદંતર ખોટી! અને હા, તમે પણ અગર આ વિવાદમાં કારણ વગર સમય બગાડી રહ્યા હો તો થોભી જજો, કારણકે તમે જેમનો પક્ષ તાણી રહ્યા છો એ તો પોતાના ટિકટોક વીડિયો અથવા યુટ્યુબ વીડિયોમાંથી લાખો રૂપિયાની કમાણી કરી લે છે, પરંતુ તમને એમાંથી કોઈ ભાગ મળવાની કોઈ શક્યતા નથી! આગામી સમયમાં પણ અનેક બ્રાન્ડસ, બોલિવૂડ સેલિબ્રિટી અને કંપનીઓ ટિકટોક તથા યુટ્યુબ પ્લેટફોર્મ પર પોતાના માર્કેટિંગ માટે પૈસા રોકવાની જ છે!

એટલું ખરૂ કે, ટિકટોક યુઝર્સે વિવાદ છેડીને પોતાના પગ પર જ કુહાડો મારી લીધો છે. ઘરમાં બેસીને પોતાની પ્રોડક્ટિવિટીને સાચી દિશામાં ખર્ચવાને બદલે અન્યોને જોઈને વીડિયો બનાવ્યે રાખવામાં સમજદારી નથી. અજય નાગરના એક યુટ્યુબ વીડિયોએ ઘણા ભારતીયોની મનની વાત બહાર લાવવાનું કામ કર્યુ છે, એ સત્ય છે.
bhattparakh@yahoo.com


Loading...
Advertisement