કોરોના પોઝીટીવના ગંભીર દર્દી પર પ્રથમ વખત ટોસિલિઝુમેબ ઇન્જેકશનનો ઉપયોગ : સ્થિતિ સુધરી

21 May 2020 11:30 AM
Bhavnagar Gujarat
  • કોરોના પોઝીટીવના ગંભીર દર્દી પર પ્રથમ વખત ટોસિલિઝુમેબ ઇન્જેકશનનો ઉપયોગ : સ્થિતિ સુધરી

ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં દર્દીને ઇન્જેકશન આપ્યું : જામી ગયેલા રકતકણો છુટા પડયા અને હાલત સારી

(વિપુલ હિરાણી)ભાવનગર તા.21
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતા બંધ થવાને કારણે દર્દીનું મૃત્યુ થવાની સ્થિતિ ઉભી થાય છે.ત્યારે આ પરિસ્થિતિને અટકાવવા ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મંગાવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને આપી તેનો જીવ બચાવવા પ્રયત્નશીલ બની છે.અમદાવાદ, સુરત, વડોદરા બાદ આજે ભાવનગરમાં પણ પ્રથમ વખત કોરોના પોઝિટિવ દર્દીને આ ઇન્જેક્શન અપાયું હતું.

આ અંગેની વધુ વિગતો આપતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વિકાસ સિંહાએ જણાવ્યું હતું કે આ ઇંજેક્શનની કિંમત 40,000 રૂપિયા છે અને દર્દીને આવા બે ડોઝ આપવા પડે છે. આજે ભાવનગરના કોરોના પોઝિટિવ દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી શરૂ થતાં તેને આ ઈન્જેકશન અપાયું હતું. આ ઇન્જેક્શનની કિંમત કરતા દર્દીનો જીવ મહત્વનો છે તેમ સમજી આ ઇન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ દવાના ખૂબ સારા પરિણામ મળ્યા છે. પરંતુ ઇન્જેક્શન આપવા અંગેના યોગ્ય માપદંડ પૂર્ણ કરતાં અને ગંભીર પ્રકારના દર્દીઓને જ જરૂર લાગે તો આ ઇંજેક્શન અપાશે. આનાથી દર્દીની રિકવર થવાની શક્યતાઓ વધી જાય છે.

આ અંગે ડો.ઇલાબહેન હડિયલે જણાવ્યું હતું કે આ ઇન્જેક્શન કોઈપણ દર્દીને નથી આપી શકાતું. કોરોનાની બીમારી ગંભીર બને ત્યારે તેને અટકાવવા આનો ઉપયોગ થાય છે. જ્યારે દર્દીની અચાનક તબિયત બગડે અને તેને વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થાય અને જો દર્દી મેડિકલ અંગેના યોગ્ય માપદંડ પરિપૂર્ણ કરતો હોય તેવાં સંજોગોમાં જ આનો ઉપયોગ કરવામાં આવે છે જેથી દર્દીઓને વેન્ટીલેટરની જરૂરિયાતની શક્યતાઓ ઘટી જાય છે.

દર્દીની સ્થિતિ સામાન્ય હોય અને એકદમ જ તેને શ્વાસ ચડવા લાગે, લોહી જામી જાય કે અચાનક જ કણો છુટા પડવા લાગે તેવા સંજોગોમાં ટોસિલિઝુમેબ અસરકારક સાબિત થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોના વાયરસના ગંભીર સંક્રમણના કિસ્સામાં ઉપચાર માટે આ ઈન્જેકશનનો ઉપયોગ વિશ્વભરમાં પ્રાયોગિક રીતે થઈ રહ્યો છે.


Loading...
Advertisement