આત્મનિર્ભર ભારત અભિયાનનું ઉમદા ઉદાહરણ રાજવીકાળનું ગોંડલ

20 May 2020 01:17 PM
Gondal
  • આત્મનિર્ભર ભારત અભિયાનનું ઉમદા ઉદાહરણ રાજવીકાળનું ગોંડલ

પ્રજાવત્સલ રાજા ભગવતસિંહજીએ ગોંડલને દેશનું પ્રથમ ટેકસ ફ્રી રાજય બનાવ્યું હતું

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.20
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતવાસીઓને સંબોધતા આત્મનિર્ભર ભારત અભિયાન" ઉપર વાત નું વજન મુક્યું અને સંબોધન પૂરું થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં ધડા ધડ મેસેજ આવવા લાગ્યા કે કઈ વસ્તુઓ સ્વદેશી અને કઈ વસ્તુ ઓ વિદેશી. બીજા જ દિવસે શોશિયલ મિડીયાનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ સંકલ્પો પણ લેતા હોય તેવા વિડિયો અને ફોટાઓ અપલોડ થવાં લાગ્યાં. આજની યુવાપેઢી માટે "આત્મનિર્ભર" શબ્દ કદાચ નવો લાગશે અને "આત્મનિર્ભર"બનવા થી શું મેળવી શકાય તે કદાચ ખ્યાલ ન હોય.
પરંતુ "આત્મનિર્ભર ભારત અભિયાન" નું ઉમદા ઉદાહરણ રાજવી કાળનું ગોંડલ અને પ્રજા વત્સલ મહારાજા ભગવતસિંહજી ગણી શકાય. "આત્મનિર્ભર" ની વાત ને લઇ ને "ગોંડલ બાપુ" ના પ્રસંગો યાદ કરતાં નગરપાલિકા નાં શાશક પક્ષ નાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું કે 25 ઓગસ્ટ 1884ના રોજ યુવા અવસ્થામાં ગોંડલ ની રાજગાદી મહારાજા ભગવતસિંહજીએ સંભાળી ત્યારે સૌથી પહેલો સંદેશો પ્રજાજનોને આત્મનિર્ભર, સ્વાવલંબી અને સ્વદેશી નો આપ્યો હતો અને પોતાના રાજવી કાળમાં આ લક્ષ્યને પ્રજાના સહકારથી પૂર્ણ કર્યું. 1884માં ગોંડલ રાજ્યમાં એકલ દોકલ મિલથી લઈ નજીવા ધંધા રોજગાર હતા.ગોંડલ રાજ્ય બિલકુલ પરાવલંબી હતું "ગોંડલ બાપુ"સતાઆરૂઢ થતા જ જાણે સમગ્ર રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ "રાજા અને પ્રજા"બંન્ને એ નક્કી કર્યું કે લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ગોંડલમાં જ બનાવીએ....સંપૂર્ણ સ્વદેશી અપનાવીએ અને આ શુભ સંકલ્પ સાથે "મેડ ઇન ગોંડલ "ની મહેનત શરૂ થઈ.
"શ્રી ભગવતસિંહજી ધ મેકર ઓફ મોર્ડન ગોંડલ" પુસ્તક માં નિહાલસિંધે લખ્યું છે કે ગોંડલના રાજવી કાળ માં 2 રૂપિયા ફૂટ થી લઈને 50 રૂપિયા ફૂટ સુધીના ગાલીચા તૈયાર થતા હતા અને આવા કલામય ગાલીચા માટે કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું ગાલીચાની ઉન ને ગોંડલમાં જ રંગવામાં આવતી હતી. સિલ્વર જ્યુબિલી વર્કશોપમાં નાના સ્ક્રુ થી લઈ મોટી ગાડીઓ બનતી સુથારી કામ,લુહારી કામ તેમજ દરેક સંચાના સમાર કામ પણ થતા હતા. બાંધકામમાં ઉપયોગી તમામ નાની-મોટી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું. ડામર રસ્તા માટે જરૂરી પંપ, એન્જિન તેમજ પેપરવેઈટ તથા ડામર ઓગાળવા માટેના એન્જિનો તેમજ કૂવામાંથી પાણી ખેંચવાના પંપો,તોલમાપના સાધનો,સિમેન્ટ ના બુગદા, ગરાદ, લાદી, લોખંડી કામ માટેની કેચીઓ, હીટર, બોઇલર તથા કોટન ઉદ્યોગ તેમજ ફર્નિચર અને હાર્ડવેરનો તમામ સામાન ઉત્પાદીત થતો હતો.રાજેન્દ્રસિંહ જાડેજા એ વધુમાં કહ્યું કે ગોંડલ રાજ્યમાં ખાણનો ઉદ્યોગ પણ સારો ખીલ્યો હતો. તેથી પથ્થરો પણ આયાત કરવાની જરૂર ના હતી. કારખાનાઓમાં વીજળીના થાંભલા, રેલિંગ, ચશ્મા, સુડીસપ્પા,સ્ટવ, અનાજ દળવાની ઘંટી, ઓઇલ એન્જિન અને ચિચોળા પણ બનતા. ગોંડલ ના છાપખાનામાં એ સમયે ટાઈપ ફાઉન્ડ્રી, બ્લોક મેકિંગ,લિથો પ્રિન્ટિંગ,સોનેરી બાઇન્ડિંગ, એમ્બોસિંગ, ટિકિટ કટીંગ અને પ્રિન્ટિંગ વગેરે કામો થતા હતા. ટાઈપની મેટ્રિસો કે જે એ સમયે પરદેશથી આયાત થતી હતી તે પણ ગોંડલમાં જ ઇલેક્ટ્રો પ્રોસેસથી તૈયાર કરવામાં આવતી હતી. છાપકામ માટેના કાગળો, જસત અને ત્રાંબાના બ્લોક, તકતીઓ, શિલાલેખ, નાના-મોટા નકશાઓ, શિક્ષણ સાહિત્યના સાધનો પણ ગોંડલમાં બનતા. પ્લાસ્ટર ઓફ પેરિસ જેવું પ્લાસ્ટર ગોંડલ રાજ્યનું વિખ્યાત થયેલ. ભારત વર્ષની નાની મોટી હોસ્પીટલોમાં તે સમયે જીવ વિજ્ઞાનના પ્રયોગમાં લેવામાં આવતું. લાકડાના રમકડા, ઉનની ધાબડી, દાંતની ચુડીઓ, મોજીરાની ઘંટીઓ અને ઓરસીયા તેમજ ચામડાનો ઉદ્યોગ પણ હતો.મીનારી કામ, જીક-સતારાનું કામ, રેશમી બાંધણીઓ વખણાતી. ગ્રામ્ય ઉદ્યોગોમાં ચિનાઈ માટી જેવા માટીના વાસણો, સુતરના બારીક વણતરના કામો પણ વખણાતા હતા. ગોંડલ રસશાલા ની દવા હિન્દુસ્તાન તેમજ વિદેશમાં પણ નિકાસ થતી હતી. રાજ્યમાં વિલાયત દવાઓ પણ બનતી હતી. નાહવા અને ધોવાના સાબુ પણ બનતા તથા લોખંડની તિજોરી, સંચા, સોનુ તોલવાના કાંટા પણ બનતા હતા. તમામ ચીજવસ્તુઓ ગોંડલ ઉત્પાદન કરતું અને સ્વાવલંબી બન્યું હતું. આત્મનિર્ભર ગોંડલને રાજવી કાળમાં ખૂબ જ સમૃદ્ધ અને વિકાસશીલ અને લોકોને તમામ સ્વદેશી વસ્તુઓ વાપરી વિદેશ જેવી સગવડતા પ્રાપ્ત થતી હતી. રાજાનો ઉમદા સંકલ્પ અને પ્રજાની મહેનતથી ગોંડલે પ્રથમ દરજ્જો પ્રાપ્ત કરેલ.
પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજીએ 60વર્ષ શાસન કરેલ અને 50 વર્ષ શાસનકાળને પૂર્ણ થતા 25 ઓગસ્ટ 1934ના "સુવર્ણ મહોત્સવ" પ્રસંગે "આત્મનિર્ભર ગોંડલ"ને સંપૂર્ણ ભારતનું પ્રથમ ટેક્સ ફ્રી રાજ્ય બનાવ્યું હતું.ગોંડલ સર્જક પ્રજાવત્સલ મહારાજા ને લોકોએ સોનેથી તોળીયા હતા. ભારતના ઇતિહાસમાં શિવાજી મહારાજ પછીનો આ પ્રથમ પ્રસંગ હતો અને એ સોનાને પ્રજાના કલ્યાણ અર્થે વાપરવાનો વિશ્વનો પ્રથમ પ્રસંગ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની "આત્મનિર્ભર" ની અપીલ એ ગોંડલ નરેશ ભગવતસિંહજી ની દેન ગણી શકય તેવું રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું.


Loading...
Advertisement