લોકડાઉન-4ના પ્રથમ દિવસે જ વધુ 395 પોઝીટીવ: અમદાવાદની સિવિલમાં ડિસ્ચાર્જ કરતા મોત વધુ નોંધાયા

20 May 2020 11:48 AM
Ahmedabad Gujarat Rajkot
  • લોકડાઉન-4ના પ્રથમ દિવસે જ વધુ 395 પોઝીટીવ: અમદાવાદની સિવિલમાં ડિસ્ચાર્જ કરતા મોત વધુ નોંધાયા

પ્રથમ વખત ગુજરાતમાં 21 જીલ્લામાં એક સાથે પોઝીટીવ નોંધાયા: મૃત્યુ આંક 719 થયો: કચ્છમાં 21 પોઝીટીવ; મુંબઈથી આવતા કચ્છીઓ કેરીયર બની ગયાનો ભય:

રાજકોટ:
ગુજરાતમાં લોકડાઉન-4ના પ્રારંભે જ કોરોનાએ તેની સ્પીડ વધારી હોય તેમ વધુ 395 પોઝીટીવ કેસ નોંધાતા રાજયએ કુલ પોઝીટીવ કેસની સંખ્યા 12141 થઈ છે અને ગઈકાલના કુલ 26 મૃત્યુ થતા રાજયમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા 719 થઈ છે અને 239 ડિસ્ચાર્જ થતા કુલ 5043 ડિસ્ચાર્જ થયા છે. કોરોના પોઝીટીવમાં અમદાવાદમાં 262 કેસ નવા નોંધાતા આ મહાનગર બહુ ઝડપથી એક સપ્તાહમાં જ કોરોનાના 10000 કેસ સુધી પહોંચે તો આશ્ર્ચર્ય થશે નહી અને આ મહાનગરમાં કુલ 576 મૃત્યુ થયા છે.

સુરત અને વડોદરામાં અનુક્રમે 29 અને 18 કેસ સાથે તે હોટસ્પોટ બની રહી છે પણ સૌની ચિંતામાં ગઈકાલે રાજયના 33માંથી 21 જીલ્લામાં કોરોના પોઝીટીવ નોંધાયા છે જે અત્યાર સુધી એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં વધુ જીલ્લામાં પોઝીટીવ કેસ આવ્યા હોવાનું નોંધાયું છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે કચ્છમાં સૌથી વધુ 21 પોઝીટીવ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા મુંબઈ કચ્છી મૂળ લોકો વતન પરત આવી રહ્યા છે અને તે આ જીલ્લાને કોરોનામાં સમેટી રહ્યો છે. ગઈકાલના કેસ સાથે કચ્છમાં કોરોના પોઝીટીવના કુલ બાવન કેસ તથા એક મૃત્યુ થયુ છે અને હાલ 45 એકટીવ કેસ છે તો સૌરાષ્ટ્રના 7 જીલ્લામાં કાલે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

બીજી તરફ અમદાવાદમાં હવે સતત વધતા જતા કેસોમાં સિવિલ અને એસવીપી હોસ્પીટલમાં નવા દર્દીઓને સમાવવાની જગ્યા નથી અને તેથી નવી યુ.એન.મહેતા હોસ્પીટલને કોવિડ હોસ્પીટલમાં ક્નવર્ડ કરવામાં આવી છે.

અમદાવાદમાં એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની પદ્ધતિ જ પ્રશ્ન ઉઠાવવા ભણી છે અને અહી ડિસ્ચાર્જ કરતા મૃત્યુ આંક ઉંચો ગયો છે.

સિવિલમાં માર્ચ માસથી કોરોનાના પ્રથમ કેસ આવ્યો તે બાદ તા.19 મે સુધીમાં જે દર્દીઓ સ્વસ્થ થઈને પરત ગયા તેના કરતા મૃતકોની સંખ્યા વધતા અહી કોરાનાના કુલ 338 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે તેની સાથે 343 મૃત્યુ પામ્યા છે જે આ મહાનગરમાં ખાનગી સહિતની અન્ય તમામ હોસ્પીટલ કરતા વધુ છે અને એશિયાની સૌથી મોટી ગણાતી આ હોસ્પીટલમાં દર્દીઓ હવે જતા ગભરાવા લાગ્યા છે. સિવિલમાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની અછત ઉપરાંત કોરોના સંબંધી દવાઓની પણ અછત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં હાલમાં જ સર્જાયેલી ધમણ-1નો વિવાદ પણ સામેલ છે.

ક્રીટીકલ કેરના દર્દીઓને જે રીતે વેન્ટીલેટરની સુવિધા જરૂરી પડે છે અને તેમાં વેન્ટીલેટરની અછતમાં ધમણ-1 એ આશા સર્જી હતી પણ હવે તે દર્દીને કઈ રીતે આખરી સ્થિતિમાં બચાવે છે તે પણ પ્રશ્ન સર્જાયો છે.

જો કે એક સીનીયર તબીબે કહ્યું હતું કે તમામ હોસ્પીટલો તેના ગંભીર સ્થિતિમાં રહેવા દર્દીને સિવિલ ભણી ધકેલી દે છે જેમાં ફકત ખાનગી જ નહી સોલા સિવિલ પણ સામેલ છે અને સિવિલના તંત્રને ‘ના’ કહેવાની છૂટ નથી. બીજી તરફ મોટી ઉંમરના વ્યક્તિઓ કોરોનાનો ભોગ બનીને આવે છે અને તેઓ અન્ય રોગથી પીડાતા હોય તેવું સિવિલમાં વધુ બન્યું છે.


Related News

Loading...
Advertisement