કાલથી એસ.ટી. બસ સેવા ચાલુ થશે : ગુજરાતમાં ચાર ઝોન બનાવાયા : જે-તે ઝોનમાં સવારે 7થી સાંજે 6 સુધી જ બસ દોડશે

19 May 2020 04:31 PM
Rajkot Gujarat
  • કાલથી એસ.ટી. બસ સેવા ચાલુ થશે : ગુજરાતમાં ચાર ઝોન બનાવાયા : જે-તે ઝોનમાં સવારે 7થી સાંજે 6 સુધી જ બસ દોડશે

વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની ‘સાંજ સમાચાર’ સાથે ખાસ વાતચીત: ઓનલાઇન બુકીંગ ફરજીયાત : બસ સ્ટેન્ડે થર્મલ સ્ક્રીનીંગ થશે : માસ્ક પણ પહેરવું પડશે : બસમાં 60 ટકા કેપીસીટી મુજબ ઉતારૂઓને બેસાડાશે

રાજકોટ, તા. 19
ગુજરાતમાં લોકડાઉન નિયમોમાં છુટછાટ આપવાની સાથોસાથ એસ.ટી. બસ સેવા ચાલુ કરવાની પણ ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કર્યા બાદ આજે એસ.ટી. બસ સેવા શરૂ થઇ શકી નથી ત્યારે રાજયના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ આજે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલથી એસ.ટી. બસ દોડતી થઇ જશે અને તેના માટે નિયમો નકકી કરવામાં આવ્યા છે. પ્રથમ તબકકે માત્ર ઝોન વાઇઝ એસ.ટી. બસનું સંચાલન થશે આ માટે ગુજરાતમાં ચાર ઝોન બનાવવામાં આવ્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મઘ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોન ફાળવામાં આવ્યા છે. આવતીકાલથી શરૂ થનારી એસ.ટી. સેવામાં પ્રથમ તબકકે એસ.ટી. બસ માત્ર જે તે ઝોનમાં જ દોડશે. અર્થાત્ સૌરાષ્ટ્ર ઝોનમાં એસ.ટી. બસ રાજકોટ-ભાવનગર, જુનાગઢ, પોરબંદર, કચ્છ, જામનગર જેવા જિલ્લાઓમાં દોડશે.

સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ આ બસ સેવા ચાલુ રહેશે. બસોના સમયપત્રક એવી રીતે નિર્ધારીત કરવામાં આવ્યા છે કે કોઇપણ બસ સાંજે 6 વાગ્યા સુધીમાં જે તે શહેરમાં પહોંચી શકે અને ત્યારબાદ પ્રવાસીને પોતાના ઘરે કે અન્યત્ર પહોંચવા માટે એક કલાકનો સમય મળે. સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન કફર્યુ હોવાથી બસ આ સમયગાળામાં નહીં દોડે.

આ ઉપરાંત એસ.ટી. બસમાં પ્રવાસ કરવા માંગતા મુસાફરોએ ઓનલાઇન બુકીંગ કરાવવાનું ફરજિયાત રહેશે. એસ.ટી. બસની અંદર કંડકટર નહી હોય કે બસની અંદરથી ટીકીટ નહી મળે. આ સિવાય બસ સ્ટેન્ડ પર થર્મલ સ્ક્રીનીંગ કરાશે. માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવાશે. બસમાં 60 ટકા કેપેસીટી મુજબ પ્રવાસીઓને બેસાડાશે અર્થાત મોટી બસમાં 30 પ્રવાસી અને મીની બસમાં 18 પ્રવાસી મુસાફરી કરી શકશે.


Loading...
Advertisement