ગુજરાતમાં ક્નટેનમેન્ટ ઝોન સિવાય ગમે ત્યાં અવરજવરની છુટ્ટ: પાસ-મંજુરીની જરૂર નહીં: કવોરન્ટાઈન નહીં થવું પડે

19 May 2020 02:35 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં ક્નટેનમેન્ટ ઝોન સિવાય ગમે ત્યાં અવરજવરની છુટ્ટ: પાસ-મંજુરીની જરૂર નહીં: કવોરન્ટાઈન નહીં થવું પડે

આંતર જિલ્લા અવરજવર સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત: ક્નટેનમેન્ટ ઝોનમાં નહીં જઈ શકાય બાકી કોઈપણ શહેર-વિસ્તારમાં બેરોકટોક જઈ શકાશે: બાર કલાકથી પ્રવર્તતી અવઢવ પછી નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલની જાહેરાત

રાજકોટ તા.19
ગુજરાત રાજય સરકારે લોકડાઉન-4ની આજથી અમલવારી વચ્ચે વ્યાપક પ્રમાણમાં છુટછાટ આપી છે. બજારો, વેપાર-ધંધા શરૂ કરવા મોટી રાહત આપી છે જયારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસ પરવાનગી લેવાના મુદે આજે બપોરે 12 કલાકની અવઢવ બાદ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી તેવુ સ્પષ્ટ કર્યુ છે કે ગુજરાતમાં ક્નટેનમેન્ટ ઝોન સિવાયના કોઈપણ વિસ્તારમાં હવે કોઈપણ વ્યક્તિ અવરજવર કરી શકશે. આ માટે પાસની જરૂરત રહેશે નહી અને કોઈપણ પ્રકારની મંજુરીની પણ આવશ્યકતા નથી. પરંતુ અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાના જણાવ્યા મુજબ બહારના જિલ્લામાંથી રાજકોટ આવતી કોઈપણ વ્યક્તિને હોમ કોરેન્ટાઈન થવુ પડશે. પરંતુ આ મુદે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં કવોરેન્ટાઈન મુદે છેદ ઉડાડી કોઈપણ વ્યક્તિ આંતર જિલ્લામાં અવરજવર કરશે તો કવોરેન્ટાઈન કરવામાં નહી આવે તેવી સ્પષ્ટ વાત કરી હતી.

રાજકોટ સહિત રાજયભરમાં નોનક્નટેન્ટમેન્ટ ઝોનમાં રાજય સરકારે મોટી છુટછાટ આપી બજાર-વેપાર-ધંધા શરુ કરવા છુટ આપતા પ્રજા અને વેપારીઓમાં મોટી રાહત ફેલાઈ છે. અત્યાર સુધી એટલે કે 54 દિવસ સુધી પાસ પ્રથાના કારણે પ્રજાજનો તેમજ વેપારીઓ, ઉદ્યોગપતિઓ કંટાળી ગયા હતા. ગઈકાલે રાજય સરકારે લોકડાઉન-4ની અમલવારી શરુ થાય તે પુર્વે મોટી છુટછાટ આપી છે પરંતુ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે જિલ્લા કલેકટરની પાસ પરવાનગી લેવી કે કેમ તે મુદે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

આ મુદે આજે સવારથી વ્યાપક પ્રમાણમાં જિલ્લા કલેકટર કચેરીમાં પુછપરછના ફોન આવતા હતા અને હજારો લોકો અન્ય જિલ્લામાં જવા માટે પાસ લેવા ઉમટી પડયા હતા. આ દરમિયાન આજે બપોરે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી તેવી સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં હવે કોઈપણ જિલ્લામાં કોઈપણ વ્યક્તિને પાસ પરવાનગી વગર અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે. જો કે જે તે જિલ્લામાં ક્નટેનમેન્ટ ઝોન છે તે વિસ્તારમાં મંજુરી નહી મળે.

આ પરિસ્થિતિ વચ્ચે આજે રાજકોટમાંથી અન્ય જિલ્લામાં જવા માટે માત્ર મૃત્યુ અને મેડીકલ સિવાયના કિસ્સામાં પાસ કાઢી આપવાની કામગીરી આજે સવારથી મોકુફ કરવામાં આવી હતી અને અરજદારોને અન્ય જીલ્લામાં જવા માટેની મંજુરી માટે રાજય સરકારની સ્પષ્ટતા આવ્યા બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવુ જણાવી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.

આ મુદે અધિક નિવાસી કલેકટરે વધુમાં એવું પણ સ્પષ્ટ કર્યુ હતું કે અન્ય જીલ્લામાંથી આવતી કોઈપણ વ્યક્તિને હોમ કોરેન્ટાઈન કરવાનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આ બાબતે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આંતર જિલ્લામાં અવરજવર કરશે તો તેમને કવોરેન્ટાઈન કરવામાં આવશે નહી. આવુ કહી અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાની વાતનો છેદ ઉડાડી દીધો હતો.


Loading...
Advertisement