રાજકોટ: શહેરમાં આવતીકાલથી દુકાનો કઈ રીતે ખુલશે ? RMC કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કરેલ ઓડ - ઈવન ફોર્મ્યુલા ખાસ વાંચો..

18 May 2020 10:46 PM
Rajkot
  • રાજકોટ: શહેરમાં આવતીકાલથી દુકાનો કઈ રીતે ખુલશે ? RMC કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કરેલ ઓડ - ઈવન ફોર્મ્યુલા ખાસ વાંચો..

રાજકોટમાં ઓડ - ઇવન (એકી –બેકી) તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે : મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલની જાહેરાત

રાજકોટ તા. 18-5-2020

ગુજરાત સરકારશ્રીની જાહેરાત મુજબ આવતીકાલે તા.19-5-2020 ને મંગળવારથી રાજકોટમાં પણ ધંધા રોજગાર શરૂ થઇ રહયા છે અને તેમાં ઓડ-ઇવન પધ્ધતિથી ( એકી – બેકી તારીખ મુજબ) દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે તે દુકાન કે વ્યવસાયના સ્થળની પ્રોપર્ટી ટેક્સના નવા નંબરમાં છેલ્લે એકી અને બેકી અંક મુજબ એટલે કે ઓડ અને ઇવન નંબર મુજબ દુકાનો ખુલ્લી રાખી શકશે.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ થયેલા નવા પ્રોપર્ટી ટેક્સ નંબર નીચે મુજબ હોય છે.

નવા પ્રોપર્ટી ટેક્સ નંબર આ મુજબ હોય છે


*XXXX / ABCD / EFG*


જો પ્રોપર્ટી નંબરમાં *EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) ના હોય* તો આવી દુકાનોના માલિકોએ *"G"* ની જગ્યાએ જે અંક આવતો હોય તે અંક એકી છે કે બેકી તે મુજબની તારીખોએ દુકાન ખોલવાની રહેશે.

જો પ્રોપર્ટી નંબરમાં *EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) હોય* તો આવી દુકાનોના માલિકોએ *"D"* ની જગ્યાએ જે અંક આવતો હોય તે અંક એકી છે કે બેકી તે મુજબની તારીખોએ દુકાન ખોલવાની રહેશે.

જો દુકાનના પ્રોપર્ટી ટેક્ષ નંબરમાં EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) હોય તો પ્રોપર્ટી નંબરમાં "D" ની જગ્યાએ ઓડ (એકી) નંબર એટલે કે, 1, 3, 5,7 અને 9 આવતો હોય એ દુકાન ઓડ તારીખે એટલે કે એકી તારીખે ખુલશે. અને જો (બેકી અંક) એટલે કે 0 , 2 , 4, 6 , 8 આવતો હોય એ દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખી શકાશે.

જો દુકાનના પ્રોપર્ટી ટેક્ષ નંબરમાં EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) ના આવતા હોય તો પ્રોપર્ટી નંબરમાં "G" ની જગ્યાએ ઓડ (એકી) નંબર એટલે કે, 1, 3, 5,7 અને 9 આવતો હોય એ દુકાન ઓડ તારીખે એટલે કે એકી તારીખે ખુલશે. અને જો (બેકી અંક) એટલે કે 0 , 2 , 4, 6 , 8 આવતો હોય એ દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખી શકાશે.

દાખલા તરીકે જો પ્રોપર્ટી નંબર 0066/7402/000 હોય તો અહી EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) આવતા હોઈ "D" ની જગ્યાએ આવતો અંક 2 છે એટલે કે બેકી સંખ્યા છે. તો આ દુકાન બેકી તારીખે ખોલવાની રહેશે.

દાખલા તરીકે જો પ્રોપર્ટી નંબર 0184/0094/003 હોય તો અહી EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) આવતા ન હોઈ "G" ની જગ્યાએ આવતો અંક ૩ છે એટલે કે એકી સંખ્યા છે. તો આ દુકાન એકી તારીખે ખોલવાની રહેશે.


ઉપરોક્ત શરતો પરિપૂર્ણ થતી હોય તો દુકાન ખોલવા માટે મહાનગરપાલીકાની કોઈ પરવાનગી લેવાની થતી નથી

દુકાનદાર પોતાના પ્રોપર્ટી ટેક્ષના નવા નંબરની વિગત પોતાની પાસે રહેલ પોર્પર્ટી ટેક્ષ બિલ / પહોંચ માથી મેળવી શકે છે અથવા રા.મ.નપાની મોબાઈલ એપ/ વેબસાઈટ માં જોઈ શકાશે

હાલ તુરત લોકોને તાકીદની અસરથી જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સ્ટેન્ડએલોન દુકાન (આજુ બાજુ અન્ય દુકાનો ન હોય તેવી સિંગલ દુકાનોએ) માટે આ ઓડ-ઇવન ફોર્મુલા લાગુ પડતી નથી. આવી એકલી દુકાનો હાલના નિયમો મુજબ ખુલ્લી રાખી શકાશે.

દરમ્યાન અત્યાર સુધી જે નિયમો મુજબ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ કાર્યરત હતી એ જ રીતે યથાવત ચાલુ રહેશે.

વિશેષ વિસ્તૃત માર્ગદર્શિકા હવે પછી જાહેર કરવામાં આવશે તેમ પણ મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું.


Loading...
Advertisement