કાલથી ગુજરાત ‘ગતિશીલ’ બનશે: ‘આર્થિક એન્જીન’ દોડશે

18 May 2020 11:31 AM
Ahmedabad Gujarat
  • કાલથી ગુજરાત ‘ગતિશીલ’ બનશે: ‘આર્થિક એન્જીન’ દોડશે

57 દિવસે દરરોજ 12 કલાક માટે ફરી ‘સામાન્ય’ જેવા દિવસો જોવા મળશે: ક્નટેનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોને ‘ખુલ્લા’ મુકી દેવાની તૈયારી: રીક્ષા-સીટીબસ હરતા-ફરતા થશે: ચા-પાનની દુકાનોને પુરતી છુટ્ટ મળી શકે- થુંકવા પરનો દંડ રૂા.200 સમાન કરાયાનું સૂચક: પાર્સલ સુવિધાની છુટ્ટ સાથે રેસ્ટોરાં સંચાલકોને પણ આંશિક રાહતો મળશે: સાંજ સુધીમાં વિસ્તૃત માર્ગદર્શિકા: હેરસલૂન, ખાનગી ઓફિસો, દુકાનોમાં પણ મોટાભાગે છૂટછાટો

ગાંધીનગર તા.18
ગુજરાતમાં 57 દિવસ પછી આવતીકાલથી આર્થિક એન્જીન દોડવા લાગશે. અલબત, ક્નટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં જ જાહેર ટ્રાન્સપોર્ટેશનથી માંડીને વેપાર-ધંધા ચાલુ થઈ શકવાના છે. આજે સાંજ સુધીમાં રાજય સરકાર દ્વારા માર્ગદર્શિકા-નિયમો જાહેર કરવામાં આવનાર છે.

સમગ્ર દેશમાં આજથી લોકડાઉન-4નો અમલ શરૂ થયો છે. પરંતુ ગુજરાતમાં નીતિનિયમો ઘડવાના બાકી હોવાથી આવતીકાલથી તે લાગુ થશે. આજે મધરાત સુધી લોકડાઉન 3.0ના જ નિયમો અમલી રહેવાના છે. જો કે, ગુજરાત સરકારે એવુ સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં જે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે તે યથાવત રહેશે. બાકીના વેપારધંધાને નિયમો-શરતોને આધીન ખોલવાની છુટ્ટ આપવામાં આવશે. રીક્ષા-સીટી બસ જેવા જાહેર પરિવહનને પણ મર્યાદીત ધોરણે મુક્તિ મળશે.

ગુજરાતમાં છુટછાટો આપતા પુર્વે ક્નટેનમેન્ટ ઝોન નકકી કરવા તમામ જીલ્લા કલેકટરો, મ્યુનીસીપલ કમિશ્નરો તથા જીલ્લા વિકાસ અધિકારીઓની બેઠક થઈ હતી. ક્નટેનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ છુટછાટ નહીં મળે. ક્નટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ખાનગી ઓફિસો, દુકાનો ખોલવાનું આજની બેઠકમાં ફાઈનલ થઈ જશે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ ઘણી રાહતો મળવાના સંકેત છે. લોકડાઉન 3.0માં આ શહેરોમાં રેડઝોનના કાયદા અમલમાં રાખવામાં આવ્યા હતા.

રેસ્ટોરાં ખોલવાની મંજુરી નથી છતાં પાર્સલ-હોમ ડીલીવરીની છુટ્ટ મળવાની હોવાથી બે માસથી આર્થિક સંકટ ભોગવતા આ ક્ષેત્રને આંશિક રાહત મળશે. રીક્ષા ચલાવવાની છુટ્ટને કારણે આ વર્ગને પણ રાહત મળશે. જો કે, રીક્ષામાં કેટલા પેસેન્જર બેસાડવાની છુટ્ટ આપવી તેનો નિર્ણય સાંજે થશે. એસ.ટી., સીટીબસ ઉપરાંત ખાનગી વાહનોને છુટછાટના નિયમો પણ સાંજ સુધીમાં જ જાહેર થવાનું સ્પષ્ટ છે.

ગુજરાત સરકાર દ્વારા કાલથી લાગુ પડનારા નવા નીતિનિયમો-માર્ગદર્શિકાની જાહેરાત સાંજે થવાની છે છતાં એક વાત નકકી છે કે કાલથી મોટાભાગના વિસ્તારો બાર કલાક માટે ખુલ્લા થઈ જશે. સાંજે 7થી સવારે 7 સુધી કરફયુ લાદવાનું કેન્દ્ર સરકારે જ જાહેર કર્યુ છે એટલે બાકીના 12 કલાકમાં વેપાર-ધંધા-આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવા દેવાશે.


Loading...
Advertisement