રાજકોટમાં લોકડાઉન ખોલવા તૈયારી; ન ખુલે તો પણ વેપારીઓ ઉમટશે

16 May 2020 04:57 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં લોકડાઉન ખોલવા તૈયારી; ન ખુલે તો પણ વેપારીઓ ઉમટશે

વેપારી વર્ગને હવે કોઈ અંકુશો મંજુર નથી; આર્થિક જ નહીં, માનસિક હાલત પણ ખરાબ: કેટલાંક નિયંત્રણો હજુ યથાવત રાખવાના-અમુક બજારોને ખોલવાની છુટ્ટ નહીં આપવા સરકારી તંત્રના આડકતરા નિર્દેશને પગલે વેપારીઓની ‘ખાનગી’ તૈયારી: મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની વિડીયો કોન્ફરન્સમાં વેપારી સંગઠનોની તમામે તમામ બજારો ખોલવા લોકોને મુક્ત અવરજવરની છુટ્ટ આપવા, પાસ પ્રથા રદ કરવા જેવી ધારદાર રજુઆત

રાજકોટ તા.16
સોમવારથી ચોથા તબકકાના લોકડાઉનના નિયમો વિશે હજુ સસ્પેન્સ છે ત્યારે પોણા બે મહિલા લાંબા લોકડાઉનથી થાકેલા વેપારીઓની ધરજ અવે સંપૂર્ણ ખુટી ગઈ છે. સોમવારે લોકડાઉન ખુલે કે ન ખુલે બજારોમાં ઉમટી પડવાનો વેપારીઓએ ‘ખાનગી’ નિર્ણય લઈ લીધો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુક્રવારે સાંજે રાજકાટ સહીત છ મહાનગરોના ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વેપારી સંગઠનોના હોદેદારો સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. હજુ કેન્દ્રની ગાઈડલાઈન જાહેર થઈ ન હોવાના કારણોસર ગુજરાત માટેના નિયમો નકકી થવાનો કોઈ ચાન્સ ન હતો. બેઠક બાદ ખાનગી ચર્ચામાં વેપારીઓએ એવો મિજાજ દર્શાવી દીધો હતો કે સોમવારે બજારમાં એકત્રીત થઈ જ જવું.

મુખ્યમંત્રી સાથેની વિડીયો કોન્ફરન્સમાં હાજર જુના રાજકોટના એક વેપારી અગ્રણીએ નામ નહીં દેવાની શરતે એમ કહ્યું હતું કે વિજય રૂપાણીએ કેન્દ્રની ગાઈડલાઈન પછી જ નિયમ ઘડવાનું સ્પષ્ટ કહી દીધુ હતું છતાં તમામના સૂચન માંગ્યા હતા. લગભગ તમામ આગેવાનોએ તમામે તમામ બજારો ખોલી નાખવાની ભલામણ કરી હતી. ઉપરાંત લોકોને મુક્તપણે અવારજવર કરવા દેવા તથા પાસ પ્રથા રદ કરી નાખવાની માંગ કરી હતી.

વિડીયો કોન્ફરન્સ બાદ કેટલાંક વેપારીઓ ઔપચારિક ચર્ચામાં ગુંથાયા હતા. બેઠકની ચર્ચાના તારણ વિશે વાતચીત કરી હતી. કદાચ અમુક મુખ્ય બજારોને છુટ્ટ નહીં મળવા કે નિયંત્રણો યથાવત રહેવાનો આડકતરો ઈશારો થયાનું તારણ નિકળ્યું હતું. મુખ્યત્વે ધર્મેન્દ્ર, ઘીકાંટા, ગરેડીયાકુવા, લાખાજીરાજ રોડ ઉપરાંત સોનીબજાર જેવા વિસ્તારો વિશે સરકાર અવઢવમાં હોવાની તેઓના મનમાં શંકા ઉપસી હતી એટલે એવુ નકકી કર્યુ કે લોકડાઉન ખુલી જાય તો કોઈ સવાલ નથી. પરંતુ ન ખુલે તો પણ બજારોમાં એકઠા થઈ જવું. એકાદ-બે આખાબોલા આગેવાનોએ તો સવિનય કાનૂનભંગ કરવાની વાત પણ ઉચ્ચારી હતી.

બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે એમ કહ્યું હતું કે ક્ધટેનમેન્ટ ઝોન સિવાય તમામે તમામ દુકાનો ખોલવા, પાસપ્રથા રદ કરીને લોકોને મુક્ત પણે અવરજવરની છુટ્ટ આપવાની રજુઆત મુખ્ય હતી.

વી.પી.વૈષ્ણવે મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરેલી રજૂઆતમાં મક્કમતાપૂર્વક એવું જણાવ્યું હતું કે હાલમાં જે નિયમો અમલી કરવામાં આવ્યા છે તે અસ્પષ્ટ છે. પાસ હોવા છતાં પણ રાજકોટ શહેર પોલીસ પોતાના કાયદા મુજબ વેપારીઓને નાહકના દંડે છે અને વાહન ડીટેઇન કરી મોંઘવારી અને આવક બંધ છે તેવા સમયે મોટો દંડ કરે છે. નિયમો સ્પષ્ટ કરવા અને હવે કોઇને કોઇપણ સંજોગોમાં તમામ બજારો, દુકાનો ખોલી નાખવાની જરુરી છે. લોકોને મુક્ત રીતે આવવા જવા દેવા જોઇએ. ઉપરાંત જે ક્ધટેનમેન્ટ ઝોન છે તે વિસ્તારમાં આજે આકરા નિયમો અને લોકડાઉનની અમલવારી કરવામાં આવે તેમાં વાંધો નથી ક્યાં સુધી હવે પ્રજા અને વેપારીઓએ સહન કરવું તેવો સવાલ પણ વિજયભાઈને ઉઠાવ્યો હતો.

દરમિયાન ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે તો ત્યાં સુધી મુખ્યમંત્રી વિજયભાઈને કહ્યું હતું કે શહેરમાં પાન-ફાકી-હોટલ-લોજ સહિતની તમામ દુકાનો શરુ કરવાની છૂટ આપવી જોઇએ. સાથોસાથ તંત્ર અને ચેમ્બર સંકલન કરીને કોર કમિટી બનાવી વાસ્તવિક સ્થિતિ મુજબ નિર્ણય કરાવવાનો આગ્રહ પણ કર્યો હતો. આ મીટીંગ અંદાજે એકાદ કલાક જેવી ચાલી હતી. ચેમ્બર પ્રમુખે ખાસ કરીને વેપારીઓની માનસિક અને આર્થિક હાલત ઉપર ભારે આકરા સ્વરે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને રાજકોટની બજારોનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો.

કારખાનાઓમાં પુરા 50 ટકા મજુરો પણ નથી, ઉદ્યોગો બંધ થઈ જશે; શ્રમિકોને પાછા બોલાવો
મુખ્યમંત્રીએ કહ્યું ‘હવે રાહ જુવો’: ઉદ્યોગકારોએ મુદો ઉઠાવ્યો
રાજકોટમાં ગુરુવારથી શહેરી વિસ્તાર ઉપરાંત શાપર-વેરાવળ-મેટોડા-કુવાડવા જેવા ઔદ્યોગીક વિસ્તારોમાં કારખાના શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગો શરૂ કરવાની મંજુરી મળી તો બીજી તરફ રાજય સરકારે પરપ્રાંતીય શ્રમીકોને વતનમાં જવા પરવાનગી આપતા રાજકોટ શહેર તેમજ નજીકના વિસ્તારનાં અંદાજે 80000 થી વધુ પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતને રવાના થતા કારખાનાઓમાં હાલ નામ પૂરતું કામ શરૂ થયું છે. આવા પરપ્રાંતીય શ્રમીકોને પરત લાવવાનો મુદો પણ ગઈકાલે મુખ્યમંત્રી સાથેની ચેમ્બર પ્રમુખની વિડીયો કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગીક એસો.ના હોદેદારોએ ઉઠાવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાતેની વિડીયો કોન્ફરન્સ સંદર્ભે ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવની સાથે શાપર-વેરાવળના રાકેશ ટીલાળા સહિતના અન્ય આગેવાનો જોડાયા હતા. આ તમામ ઔદ્યોગીક એસો.ના આગેવાનોએ મુખ્યમંત્રી સમક્ષ પરપ્રાંતીય શ્રમિકોને પરત લાવવાના મુદે વાત કરતા સી.એમ. રૂપાણીએ થોડી રાહ જુઓ તેવી હૈયાધારણા આપી હતી. હાલમાં ઉદ્યોગો ચાલુ છે પણ પચાસ ટકા શ્રમિકો નહી હોવાથી માત્ર નામ પૂરતા ચાલુ હોવાનું જણાવ્યું હતું.

સોનીબજાર ખુલવા વિશે દ્વીધા
રાજકોટ શહેરની તમામ બજારો-દુકાનો ખોલવાની માંગણી સાથેની ભારપૂર્વક રજુઆત ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે મુખ્યમંત્રીને કરી છે ત્યારે રાજકોટની શાન સમી સોનીબજારની તત્કાલ દુકાનો ખોલવાના મુદે હજુ દ્વીધા રહી છે. સોનીબજારમાં લાઈનબંધ દુકાનો આવેલી છે. ઉપરાંત સોનીબજારની દુકાનોમાં મજુરીકામ બંગાળી કારીગરો કરે છે. આ બંગાળી કારીગરો એક જ ઓરડીમાં ગીચતા પૂર્વક રહેતા હોય છે. આ સ્થિતિ વચ્ચે બજારમાં લોકોની ભીડ થાય, દુકાનો પણ નાની હોવાથી સોશ્યલ ડીસ્ટીંગનો પણ પ્રશ્ર્ન સામે આવે તેમ હોય સોનીબજાર ખોલવા માટે હજુ દ્વીધા છે તેવું જાણવા મળ્યું છે.

ઓડ-ઈવનના ધોરણે દુકાનો ખોલવાનો મુદો ચર્ચાયો
રાજકોટની તમામ બજારો-દુકાનો ખોલવાના મુદે ગઈકાલે ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સમાં બજારો-દુકાનો ખોલવાનો મુદો પણ ઉઠાવ્યો હતો. બજારો-દુકાનો ખોલવાના મુદે ઓડ-ઈવન સિસ્ટમ અમલી કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. કોઈપણ ભોગે બજાર-દુકાનો ખોલવાની ભારપૂર્વક વાત ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં બજારો-દુકાનો ખોલવાના મુદે ઓડ ઈવન સિવિલ લાગું થાય તો પણ વેપારીઓને રાહત મળે તેમ છે તેવી વાત કરી બજારો અને દુકાનો ખોલવામાં ઓડ ઈવનની સિસ્ટમનો મુદો ચર્ચાયો હતો.


Loading...
Advertisement